- સલમાન ખાન હજુ પણ સુપરસ્ટાર છે, પરંતુ પોતાનો દબદબો ટકાવવા માટે એણે સ્ક્રિપટ, નવા લુક અને સ્ટાઇલ અપનાવવાનું જોખમ લેવું પડશે. 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' પછી એ રાજ એન્ડ ડીકે સાથે એક્શન- કોમેડીથી ભરપૂર ફિલ્મ કરે તેવી સંભાવના છે...
સલમાન ખાનની આગામી વોર ફિલ્મમાં મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેની શરૂઆત તેના નામ સાથે જ થઈ છે. ફિલ્મનું નામ 'બેટલ ઓફ ગલવાન'માંથી બદલીને 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' કરવામાં આવ્યું છે. નવા શીર્ષકમાં ફિલ્મના બદલાયેલા સારનો યોગ્ય પડઘો પડે છે. જે ફિલ્મમાં યુદ્ધ કેન્દ્ર સ્થાને હતું તેમાં હવે યુદ્ધની માનવીય સંવેદના દર્શાવાશે.
૧૬મી માર્ચે જાહેર કરાયેલા ફેરફારથી સલમાનના ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું, પણ તેમાં ઊંડો અર્થ સમાયેલો હતો. એક સમયે જેમાં ૨૦૨૦ની ભારત-ચીન ગલવાન વેલી અથડામણની થીમ હતી તેમાં હવે શાંતિ, કરૂણા અને સંઘર્ષના ભાવનાત્મક પાસાં પર જોર આપવામાં આવશે.
શીર્ષક ઉપરાંત ફિલ્મમાં બીજા કેટલાક ક્રિયેટિવ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. અપૂર્વ લખિયા દિગ્દર્શિત અને સલમાન ખાન ફિલ્મ્સ હેઠળ પ્રોડયુસ થયેલા આ પ્રોજેક્ટમાં મહત્ત્વના શૂટીંગ ફરી કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં આશરે ચાલીસ દિવસનું વધારાનું શૂટીંગ ચાલી રહ્યું છે. ફેબુ્રઆરીમાં ફરી થઈ રહેલા આ શૂટીંગનો હેતુ કથાનકના મહત્વના હિસ્સામાં ફેરફાર કરવાનો છે. પ્રોજેક્ટની ટીમ હવે ફિલ્મના સુધારેલા વિઝન સાથે સંલગ્ન હોય તેવાં નવાં દ્રશ્યો ઉમેરી રહી છે. એમાં સૌથી મહત્વનો ઉમેરો છે હિમેશ રેશમિયા દ્વારા રચાયેલું ચીની ભાષાનું ગીત, જેનાથી ફિલ્મનો અગાઉનો ચીન વિરોધી અભિગમ નરમ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મની મૂળ આવૃત્તિમાં ૨૦૨૦ની ગલવાન ખીણ અથડામણ કેન્દ્ર સ્થાને હતી, જ્યારે ભારતીય અને ચીની દળો વચ્ચે પૂર્વીય લડાખમાં હિંસક ઝડપ થઈ હતી. સલમાન ખાન કર્નલ બિકુમાલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવે છે જેણે સંઘર્ષ દરમ્યાન ભારતીય દળોની આગેવાની લીધી હતી. ફિલ્મનું શૂટીંગ લડાખમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું અને ડિસેમ્બર સુધીમાં પૂર્ણતાના આરે પહોંચી ગયું હતું. પણ, બદલાયેલા સંજોગોએ ફિલ્મના કથાનકમાં ફેરફાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. હાલ ભારત અને ચીન તણાવ ઓછો કરવા મથી રહ્યા હોવાથી, ફિલ્મ સર્જકોએ વધુ સંતુલિત અને શાંતિ પ્રેરક કથાનક તરફ વળવાનું નક્કી કર્યું.
સર્જકોના આ નિર્ણય માટે અનેક બાહ્ય પરિબળો જવાબદાર હતા. અગાઉ માર્ચમાં ચીન સમર્થિત મીડિયાએ ફિલ્મની ટીકા કરી અને તેના પર હકીકતો વિકૃત કરીને ચીન વિરોધી લાગણી ભડકાવવાનો આરોપ મુક્યો. ભારતમાં પણ ડિસેમ્બરમાં રજૂ થયેલા ટીઝરને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા. કેટલાક દર્શકોએ સલમાન ખાનને સમાવિષ્ટ કરતા દ્રશ્ય અને 'ગેમ ઓફ થ્રોન્સ'માંથી પ્રસિદ્ધ યુદ્ધના દ્રશ્ય તેમજ ખાસ કરીને બેટલ ઓફ બાસ્ટર્ડ્સમાં જોન સ્નોના દેખાવમાં સામ્ય હોવાની નોંધ કરી. વધુમાં ટીઝરમાં સલમાનના સંયમિત, ભાવવિહોણા હાવભાવની પણ ટીકા થઈ. જો કે સલમાને પોતાના ચિત્રણનો બચાવ કરતા કહ્યું કે તે એક વરિષ્ઠ સૈન્ય અધિકારીને છાજે તેવા હાવભાવ હતા.
આ પ્રતિક્રિયાના પ્રતિસાદમાં તેમજ વ્યાપક રાજદ્વારી સંદર્ભ હેઠળ ફિલ્મસર્જકોએ ફિલ્મના કેન્દ્રવર્તી સંદેશને નવો આકાર આપવાનો નિર્ણય કર્યો. નવું શીર્ષક 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' આ પરિવર્તન પર પ્રકાશ પાડે છે. તેમાં હિંસક ઝડપને મહત્ત્વ આપવાના સ્થાને યુદ્ધમાં માનવ જાનહાનિ તેમજ સુમેળના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દિગ્દર્શક અપૂર્વ લખિયાએ સ્પષ્ટતા કરી કે આ ફેરફાર અચાનક નહોતો પણ ફિલ્મ સર્જન પ્રક્રિયા દરમ્યાન થયેલા ક્રમશ: અહેસાસ અનુસાર હતો. તેમના મતે વાર્તા યુદ્ધ ઉપરાંત અન્ય પાસા વિશે પણ હતી. તેમાં માનવતા, બલિદાન અને સૈનિકો દ્વારા કરાતા મૂક સંઘર્ષ પર પણ ભાર મુકાયો હતો. નવા ગીત સાથે સુધારવામાં આવેલા શીર્ષકમાં આ લાગણીઓ બહેતર રીતે ઝડપાય છે અને ફિલ્મની બદલાયેલી ઓળખ સાથે મેળ ખાય છે.
ફિલ્મમાં ભારતીય સૈનિકોની બહાદુરી અને અડગતા તો દર્શાવવામાં જ આવી છે, જેમાં અભૂતપૂર્વ અવરોધો સામે મક્કમપણે ઊભા રહેતા એક નાનકડા દળની વાર્તા છે. જો કે હવે આ તીવ્રતા સાથે પ્રેમ, પરિવાર અને સહિયારી માનવતાનું સંતુલન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખાસ કરીને ચીની ગીતનો સમાવેશ તો માત્ર પ્રતીકાત્મક જ છે, જે સાંસ્કૃતિક વિભાજન અને પારસ્પરિક સમજદારીને જોડવાના પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ રચનાત્મક નિર્ણય પ્રોજેક્ટને તેના ભાવનાત્મક ઊંડાણને જાળવી રાખીને વૈશ્વિક રીતે સંવેદનશીલ બનાવવાનો ફિલ્મસર્જકોનો ઈરાદો દર્શાવે છે.
અગાઉ એપ્રિલ, ૨૦૨૬માં રજૂ થવા માટે નિર્ધારીત ફિલ્મની રિલીઝ તારીખ હવે ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસની આસપાસ હોઈ શકે છે. આ નિર્ણય દેશભક્તિની ભાવના વધારવા માટે વ્યૂહાત્મક માનવામાં આવે છે. આ તમામ ફેરફારો છતાં ફિલ્મ સલમાન ખાનના સૌથી અપેક્ષિત પ્રોજેક્ટ પૈકી એક રહી છે, જેમાં એક્શન, લાગણી અને આત્મમંથનનું મિશ્રણ છે.
દરમ્યાન સલમાન ખાન આ ફિલ્મ ઉપરાંત નવી તકો પણ ચકાસી રહ્યો છે. અહેવાલો મુજબ તે 'ધી ફેમિલી મેન' માટે પ્રસિદ્ધ ફિલ્મસર્જક જોડી રાજ અને ડીકે સાથે સંભવિતપણે એક્શન-કોમેડી પ્રોજેક્ટ માટે પ્રારંભિક વાટાઘાટ કરી રહ્યો છે. આ ચર્ચા હજી પ્રારંભિક તબક્કામાં હોવા છતાં તેમાં સલમાન એક નવા અને બિનપરંપરાગત અવતારમાં જોવા મળી શકે જેમાં તેની વ્યાપક અપીલ અને ફિલ્મસર્જક જોડીની વિશિષ્ટ શૈલીનું મિશ્રણ હશે.
એકંદરે 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'માં બોલિવુડનાં યુદ્ધ કથાનકો પ્રત્યે બદલાતા અભિગમનો પડઘો પડે છે. માત્ર સંઘર્ષમય ચિત્રણમાંથી હટીને શાંતિ અને માનવતા પર ભાર મુકીને ફિલ્મ દર્શકોને વધુ ગાઢ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે. તેમાં રચનાત્મક પરિવર્તન ઉપરાંત તેના વિષય સંબંધિત વ્યાપક રાજકીય અને સાંસ્કૃતિક સંવેદનાઓ વિશેની સજાગતાનું પ્રતિબિંબ પણ પડે છે.


