Get The App

હીરો વગરની ફિલ્મ : સાહિબ, બીબી ઔર ગુલામ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
હીરો વગરની ફિલ્મ : સાહિબ, બીબી ઔર ગુલામ 1 - image

- ગુરુ દત્તે આ ફિલ્મના માધ્યમથી જાણે કહ્યું છે કે, છોટી બહુએ પ્રેમ માંગીને કોઈ પાપ નથી કર્યું. પાપ તો તેમણે કર્યું જેણે પ્રેમ ન આપ્યો...

શાહિદ કપૂરને પૂછવામાં આવ્યું કે, 'તમારી ફેવરિટ મૂવી કઈ?' ત્યારે સામેથી એકપણ સેકન્ડનો વિચાર કર્યા વિના જવાબ આવ્યો, 'સાહિબ, બીબી ઔર ગુલામ'. ત્યારે, સવાલ થાય કે, એવું તો શું હતું, ૧૯૬૨માં બનેલી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં કે, આજે છ દાયકા બાદ પણ તે શાહિદ જેવા સ્ટાર્સની ફેવરિટ છે? બિમલ મિત્રાની બંગાળી નવલકથા 'શાહેબ બીબી ગોલામ' પર આધારિત આ ફિલ્મ માનવતા માટે એક અરીસો છે. આ અરીસો જાણે કહી રહ્યો છે કે, કોઈને પ્રેમથી દૂર રાખવા માનવતાની સૌથી મોટી ભૂલ છે. જ્યારે, પરિવાર, મિત્રો કે અન્ય કોઈ ફેક્ટર માણસને તેના પ્રેમથી દૂર કરી દે છે ત્યારે માણસ ધીમી મોત મરે છે. પહેલા તેનો આત્મા અને બાદમાં શરીર તેનો સાથ છોડે છે. આ ફિલ્મમાં છોટી બહુનું પાત્ર તેના પતિ પાસે બે ઘડીનો સમય અને પ્રેમ માંગે છે. તેના જવાબમાં તેને ધિક્કાર અને ધૃણા મળે છે. એક વ્યક્તિને પ્રેમથી વંચિત રાખવાનું પરિણામ આખે આખા પરિવારના પતનનું કારણ બને છે. છોટી બહુ દારૂના નશામાં પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. બીજી તરફ, પરિવાર અંધકારમાં ડૂબે છે. ગુરુ દત્તે આ ફિલ્મના માધ્યમથી જાણે કીધું છે કે, છોટી બહુએ પ્રેમ માંગીને કોઈ પાપ નથી કર્યું. પાપ તો તેમણે કર્યું કે, જેણે પ્રેમ ન આપ્યો. 'સાહિબ, બીબી ઔર ગુલામ' એક એવા માણસની કહાણી છે જે પ્રેમથી વંચિત રહ્યો અને છતાં પણ તેણે પ્રેમ પર વિશ્વાસ રાખ્યો. 

બિમલ મિત્રાની નવલકથા

બંગાળી અને હિન્દી સાહિત્યકાર બિમલ મિત્રાએ ૧૦૦થી વધુ નવલકથાઓ અને શોર્ટ સ્ટોરીઝ લખી હતી. તેમની બંગાળી મેગેઝિન માટે લખેલી 'શાહેબ બીબી ગોલામ' નામની સીરિઝ ખૂબ જ પોપ્યુલર થઈ. તેમાં, જોવા મળેલું બંગાળના બદલાતા સમાજનું પ્રતિબિંબ વાચકોને ખૂબ પસંદ આવ્યું હતું. છેવટે, તેને ૧૯૫૬માં નવલકથા રૂપે રજૂ કરાઈ. તેમાં ઉઠાવવામાં આવેલો સગવડિયા લગ્નનો મુદ્દો આજે પણ સુસંગત છે. 

દિલ મળે ન મળે સ્ટેટસ મળવા જોઈએ, વિચાર કરીને કરવામાં આવતા લગ્ન માણસને કેવી રીતે અંદરથી ખોખલા કરી નાખે તેનું ઉદાહરણ એટલે, છોટી બહુ. માતા-પિતાએ જે મહેલ જોઈને તેને પરણાવી તે મહેલ જ તેને ખાવા આવતો હોય તેવો ભાવ થાય. પતિ ઐયાશીમાં ડૂબી જાય છે ત્યારે માતા-પિતા જેને સિક્યોરિટી માનતા તે પૈસો છોટી બહુને કંઈ કામ નથી આવતો. જે છે જ નહીં એ પ્રેમને પામવા માટેના અનેક ધમપછાડાનું પરિણામ શૂન્ય. મધ્યમ વર્ગના મા-બાપે વિચાર્યું કે, દીકરીના સાસરાની જાહોજલાલી જોઈને તેનો સોશિયલ વનવાસ ખતમ થશે, હાઈ-સોસાયટીમાં તેની એન્ટ્રી થશે, તેનું સોશિયલ સર્કલ વધશે. પરંતુ, સાચા મિત્રના રૂપમાં એક ભૂતનાથ, એ વાતની સાબિતી કે, બધું ખરીદી શકાય પરંતુ, પ્રેમ નહીં. 

ગુરુ દત્તનું વિઝન 

ગુરુ દત્ત 'પ્યાસા'માં કવિ બનીને સમાજની નિષ્ફળતા સામે ઊભા રહ્યા. 'કાગઝ કે ફૂલ' માં કલાકારને કોરી ખાતી એકલતાને દેખાડી. 'સાહિબ, બીબી ઔર ગુલામ'માં તેમણે કહ્યું કે, આ દુનિયા પ્રેમના અભાવને કારણે જ ચૌધરી પરિવારની હવેલીની જેમ ખંડેર થઈ ગઈ છે. 'કાગઝ કે ફૂલ'ની નિષ્ફળતા બાદ ગુરુ દત્તે ફરી ફિલ્મ ન ડિરેક્ટ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, કહેવાય છે કે, અબરાર અલ્વીને ડિરેક્ટર બનાવીને ૯૦ ટકા ફિલ્મ ગુરુ દત્તે જ શૂટ કરી હતી. 

હીરો વગરની ફિલ્મ 

સામાન્ય મૂવીમાં કોઈ હીરો આવે, મુશ્કેલીમાં મૂકાયેલી હીરોઈનને બચાવે. પરંતુ, આ મૂવીમાં કોઈ હીરો જ નથી. છોટી બહુ પોતાની મનમરજીથી લગ્ન કરીને આવી હતી અને જંજાળમાં ફસાઈ હતી. ભૂતનાથ એટલે તેની જૂની યાદો કે જે ભવિષ્ય માટે કશું ન કરી શકે. તેનો પતિ પાર્ટીના નામે ઐયાશી કરીને પોતાની સાથે પરિવારનું પતન નિશ્ચિત કરી રહ્યો હતો. હવેલી પણ ફિલ્મનું એક કેરેક્ટર છે. જે તૂટી રહેલી દુનિયાને દર્શાવેે છે. ફિલ્મની શરૂઆત અને અંત હવેલી સાથે જ થાય છે. એક ક્ષણે તે જીવંત છે અને બીજી ક્ષણે ખંડેર. હવેલી જાણે કહી રહી છે કે, સંવેદના વગરની સત્તા કોઈ કામની નથી. હીરો વગરની ફિલ્મમાં વી. કે. મૂર્તિનો કેમેરો હીરોગીરી કરે છે. પ્રેમને દર્શાવવા માટે લાઈટ્સનો અને પાપ માટે અંધકારનો ઉપયોગ વિચારવા મજબૂર કરે છે. 

ફિલ્મના કલાકારોની ખંડેર હવેલી 

આ ફિલ્મ દર્દમાંથી જ જન્મેલી છે. ગુરુ દત્ત અને ગીતા દત્તના લગ્ન ભંગાણને આરે હતા. ગીતા દત્ત રાત્રે ૩ વાગ્યા સુધીમાં સોંગ્સ રેકોર્ડ કરીને સેટ પરથી નીકળી જતાં. તેમના નીકળ્યા બાદ જ ગુરુ દત્ત પરોઢિયે ચાર વાગ્યે સેટ પર આવતા. બંને વચ્ચે વાતચીતનું એક જ માધ્યમ હતું. ૬ વર્ષનો દીકરો તરુણ. તે માતા-પિતાની વાતચીત પોસ્ટમેન બનીને કરાવતો. બીજી તરફ, મીના કુમારી હતી. જે આલ્કોહોલિક પત્નીનો રોલ ભજવી જ નહોતી રહી. તે આલ્કોહોલિક પત્ની બની પણ ગઈ હતી. ૧૯૬૦માં ડોક્ટરોએ તેને સિરોસિસનું નિદાન કર્યું હતું. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, તમારી પાસે જીવવા માટે માત્ર બે વર્ષનો જ સમય છે. તેમ છતાં તેમણે 'ના જાઓ સૈયા..' સોંગમાં સાચી શરાબ પીધી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બે વખત તે બેભાન થઈ ગઈ હતી. આ ફિલ્મની રિલીઝના બે વર્ષ બાદ ગુરુ દત્તનું મોત થયું હતું. જ્યારે, મીના કુમારી અને ગીતા દત્ત ફિલ્મની રિલીઝનાં દસ વર્ષ બાદ મૃત્યુ પામ્યાં હતાં.  

હેમંત કુમારનું મ્યુઝિક 

આ ફિલ્મના મ્યુઝિકના ફેનને કહો કે, આ ફિલ્મ માટે હેમંત કુમાર પહેલી પસંદ નહોતા તો તે માનવાનો ઈન્કાર કરે. પરંતુ, આ વાત તદ્દન સાચી છે. 

એસ. ડી. બર્મનને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. ગુરુ દત્તે એસ. ડી. બર્મનની મુલાકાત સ્ટોરીના લેખક બિમલ મિત્રા સાથે પણ કરાવી હતી. પરંતુ, એસ.ડી. બર્મનની તબિયત લથડતા તેમણે ફિલ્મ પડતી મૂકવી પડી હતી. ગુરુ દત્તે ફોન કરતા જ હેમંત કુમાર શકીલ બદાયુની સાથે તાનપુરાને લઈને સ્ટુડિયો આવી ગયા હતા. તેમણે અઠવાડિયામાં જ સાત સોંગ રેકોર્ડ કર્યા હતા. જેમાં, ગીતા દત્તના ત્રણ સોંગ્સ આજે પણ લોકપ્રિય છે. 'ના જાઓ સૈયા છૂડા કે બૈયા', 'પિયા એસો જિયા મે સમાય ગયો', 'ચલે આઓ ચલે આઓ... ' છોટી બહુની વ્યથાને દર્શાવે છે. જ્યારે, આશા ભોંસલેએ 'મેરી બાત રહી મેરે મન મે', 'મેરી જાન ઓ મેરી જાન', 'સખીયા આજ મુઝે નીંદ નહીં' અને 'ભંવરા બડા નાદાન' ગાયા હતા. 

આ સિવાય ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ શાનદાર હતું. છોટી બહુ જ્યારે, દારૂ પીવે છે ત્યારે, બેકગ્રાઉન્ડમાં સિતાર, ભૂતનાથના ઘરમાં ફરતા સમયે પાણીના ટપકાંનો અવાજ અને ક્લાઈમેક્સમાં હાડપિંજર મળતાની સાથે જ વાયોલિનનું વાગવું ઓછી ટેકનોલોજી વચ્ચે પણ કમાલ હતો. 

ફિલ્મ વિશે રસપ્રદ વાતો 

વહિદા રહેમાનનો ડબલ રોલ 

વહિદા રહેમાનને પહેલા છોટી બહુ અને જબા તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. સ્ક્રીન ટેસ્ટમાં તેઓ છોટી બહુના રોલમાં વધુ પડતા મોર્ડન દેખાતા વિચારને છેલ્લી ઘડીએ પડતો મૂકાયો હતો. 

નવલકથાથી વિપરીત અંત 

બિમલ મિત્રાની નવલકથામાં છોટી બહુનું ખૂન થાય છે. જ્યારે, ફિલ્મમાં મર્ડરને બતાવવામાં નથી આવ્યું. છોટી બહુનું હાડપિંજર મળી આવે છે. મિત્રાએ મંજૂરી આપ્યા બાદ જ ફિલ્મનો સ્ક્રીનપ્લે મંજૂર કરવામાં આવ્યો હતો. 

ફિલ્મનું ટાઈટલ 

પહેલા ફિલ્મનું નામ 'છોટી બહુ' રાખવામાં આવ્યું હતું. પરંતુ, ફિલ્મના ફાઈનલ ટેક વખતે ગુરુ દત્તે કહ્યું કે, ફિલ્મમાં હીરો નથી પણ સાહિબ, બીબી અને ગુલામએ ફિલ્મના ત્રણ સ્તંભ છે. એટલે ફિલ્મનું નામ 'સાહિબ, બીબી ઔર ગુલામ' જ યોગ્ય છે. 

મીના કુમારીની ના 

ગુરુ દત્તે મીના કુમારી સુધી સંદેશો પહોંચાડયો હતો કે, શું તેઓ આ ફિલ્મ કરી શકશે? ત્યારે, મીના કુમારીના ઘર રેમેબ્રેન્ટ્થી જવાબ આવ્યો હતો, ના. ગુરુ દત્તે બ્રિટનમાં રહેતી એક ભારતીય મહિલાને રોલ ઓફર કર્યો હતો. પરંતુ, છેવટે મીના કુમારીને ફરી ઓફર કરાઈ હતી. આ વખતે તેની ફીમાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 

રવિના ટંડન અને સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર

રવિના ટંડને સહારા વનની ટીવી સીરીયલ 'સાહિબ, બીબી ઔર ગુલામ'(૨૦૦૪)માં કામ કર્યું હતું. જ્યારે, તિગમાંશુ ધુલિયાએ આ ફિલ્મથી પ્રેરિત થઈને 'સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર' ફિલ્મ સીરિઝ બનાવી હતી. માહી ગીલ અને જિમ્મી શેરગિલ આ મૂવી સીરિઝના  મુખ્ય કેરેકટર્સ હતાં.   

સાહિબ, બીબી અને પૈસા 

આ ફિલ્મમાં છોટી બહુની હાલત જોઈને પ્રવીણ શાકીરની શાયરી યાદ આવે કે, 'ઈતને ઘને બાદલ કે પીછે, કિતના તન્હા હોગા ચાંદ.' ૧૯૬૦માં બનેલી ફિલ્મ આજના નેટફ્લિક્સના જમાના પ્રમાણે ખૂબ જ સ્લો કહી શકાય પરંતુ, તેની સ્ટોરી આજના સમયને અનુરૂપ છે. પૈસા અને પ્રેમમાં અંતર ઝાઝૂ છે. આપણે યાદ રાખવું જ રહ્યું કે, પ્રેમ હોય તો પૈસા કમાઈ શકાય પરંતુ, પૈસાથી કદી પ્રેમ ન ખરીદી શકાય.