Get The App

વકીલોના ફેમિલીનો એક ડોક્ટર એક્ટર: આશિષ વર્મા

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
વકીલોના ફેમિલીનો એક ડોક્ટર એક્ટર: આશિષ વર્મા 1 - image

- આશિષ વર્મા એક ક્વોલિફાઈડ ડોક્ટર છે. ચેન્નઈની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાંથી મેડિસીનની ડિગ્રી લીધા બાદ એને એક્ટિંગની ચાનક ચડી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક્ટરને અનાયાસે જ એકાદ લેબલ ચિપકાવી દેવાય છે. વેબસિરીઝ 'કોર્ટ કચેરી'માં પોતાના નેચરલ પરફોર્મન્સને કારણે હમણાં ન્યૂસમાં રહેતા એક્ટર આશિષ વર્મા સાથે આવું જ બન્યું છે. કોર્ટ કચેરીના પ્રમોશન દરમિયાન આશિષને મીડિયામાંથી કોઈકે એવું પૂછ્યું કે 'એક એક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે બબ્બે ઘોડે ચડવાનું તમને જટિલ નથી લાગતું?' એના જવાબમાં વર્માએ લાંબો ખુલાસો કર્યો, 'સાહેબ, હું કાસ્ટિંગ ડિરેક્ટર નથી. મને આ લેબલ લાગવા પાછળ એક રિયલ લાઈફ સ્ટોરી છે. પૂણેની એફટીઆઈઆઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ મારે મુંબઈ જઈ નસીબ અજમાવવા પૈસાની જરૂર હતી. એ એરસામાં મને ડિરેક્ટર ગુરવિંદર સિંઘે મને બે ફિલ્મો અન્હેં ઘોડે દા દાન અને ચૌથી કૂટમાં કામની ઓફર કરી. આ બંને પ્રોજેક્ટ્સમાં મેં કાસ્ટિંગ ડિરેક્ટર અને એક્ટિંગ કોચની ફરજ બજાવી. હું પંજાબના શહેરો અને ગામડાં ખૂંદી વળ્યો ત્યારે મને સુવિન્દર વિકી જેવા એકટર્સ મળ્યા. બાકીના બધા કલાકારો અભિનય સાથે કોઈ લેવાદેવા ન હોય એવા સામાન્ય લોકો હતા. પરંતુ એમની સાથે કામ કરવામાં બહુ મજા પડી. મેં મિત્રતાના ભાવે આ બધુ કર્યું હતું, પણ એના કારણે મને કાસ્ટિંગ ડિરેક્ટરનું લેબલ ચિપકાવી દેવાયું.'

દિલ્હીનો વતની આશિષ વર્મા એક ક્વોલિફાઈડ ડોક્ટર છે. ચેન્નઈની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાંથી મેડિસીનની ડિગ્રી લીધા બાદ એને એક્ટિંગની ચાનક ચડી હતી. એને પૂછાયું, 'સર, કોર્ટ કચેરી કોર્ટ રૂમ ડ્રામાને નવું સ્વરૂપ આપે છે. એ જોતા તમે આ રોલ માટે કઈ રીતની તૈયારી કરી હતી?' વર્માજી પાસે એનો લાંબો જવાબ હાજર છે, 'સચ કહું તો મુઝે સીરિઝ કી સ્ટોરી ઔર ઉસકે લેયર્ડ કેરેક્ટર્સ બહોત અચ્છે લગે થે. એ સિવાય મને શોમાં કામ કરવાનું ખાસ આકર્ષણ એટલા માટે થયું કે એમાં બાપ-દીકરા વચ્ચેની રિલેશનશીપ અને એમના બગડેલા સંબંધો પછીથી સીરિઝમાં કઈ રીતે સુધરે છે એની વાત હતી. સ્ટોરીમાં બોલાયેલા શબ્દો કરતા મૌનમાં ઘણું બધું બને છે અને એ મારા મનને વધુ સ્પર્શી ગયું. શોના હાર્દમાં એક એવા યુવાનની સ્ટોરી છે જેણે શરૂમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં દુનિયા જોઈ હતી. હું પોતે વકીલોના ફેમિલીમાંથી આવું છું એટલે લિગલ વર્લ્ડથી ખાસ્સો પરિચિત છું.

 પરંતુ મારે શોમાં છાપેલા કાટલા જેવા સ્ટીરિયો ટાઈપ વકીલ બનવું નહોતું. એ વાત મેં રોલની તૈયારી વખતે ખાસ ધ્યાનમાં રાખી હતી. પરંતુ એમાં જે ફાધરસન રિલેશનશીપ છે એનો મેં પર્સનલ લાઈફમાં અનુભવ નથી કર્યો. પરંતુ એ એક યુનિવર્સલ ડાયનેમિક છે, જેના દાખલા તમને લગભગ દરેક ઘરમાં મળી જશે.'

આશિષે અતરંગી રે, હેલ્મેટ, આર્ટિકલ ૧૫ અને સુઈ ધાગા જેવી ફિલ્મો કરી છે પણ વેબ શોઝથી એને વધુ પ્રસિદ્ધિ મળી છે. એક્ટર તરીકે એ ડિજિટલ મીડિયમ પર વધુ ખીલ્યો છે. એટલે એ સંબંધમાં જ એક્ટરને પૂછાય છે કે 'તમારા મતે આજના દર્શકોને ડિજિટલ (ઓટીટી) મીડિયમમાં કેવું કન્ટેન્ટ જોઈએ છે?' વર્મા પોતાના ઉત્તરમાં વાસ્તવિકતા બયાન કરે છે, 'આજે દર્શકો પાસે પુષ્કળ વિકલ્પો છે. તેઓ ઘેર બેઠા દેશી અને વિદેશી શોઝ માણી શકે છે એટલે આજે ડિજિટલ કન્ટેન્ટમાં વિશ્વસનીયતાનું ફેક્ટર બહુ મહત્ત્વનું બની ગયું છે.'