- 'ડોન-થ્રી'માંથી એક્ઝિટ લઈને રણવીર સિંહે નેક્સ્ટ મૂવી 'પ્રલય' પર ફોકસ કરવાનું પસંદ કર્યું છે. લેટેસ્ટ ગપસપ અનુસાર, 'ડોન-થ્રી'માં હવે સંભવત: ફરહાન અખ્તર પોતે જ હીરો બનશે
સાચ્ચે, આ 'ડોન-થ્રી' ફિલ્મનો વિવાદ ઓછો થવાનું નામ જ લેતો નથી. કોણ જાણે કેટલાય સમયથી ડોન-થ્રી... ડોન-થ્રી થયા કરે છે, પણ આ પિક્ચર બનવાનું નામ લેતી નથી. ફરહાન અખ્તરે ડિરેક્ટ કરેલી 'ડોન-૨' (૨૦૧૧) હિટ થઈ એટલે સૌએ માની લીધું કે હવે 'ડોન-થ્રી'માં પણ શાહરૂખ ખાન જ હશે. એમ ન થયું. પછી બ્રાન્ડ-ન્યુ ડોન તરીકે રણવીર સિંહનું નક્કી થયું. રીતસર પોસ્ટરો-બોસ્ટરો બન્યાં. પ્રી-પ્રોડક્શન સુધ્ધાં શરૂ થઈ ગયું ને નજ વાતનેય વરસ વીતી ગયું. ત્યાં 'ધુરંધર' નામની આંધી આવી. આ જ કારણ હોય કે બીજું કંઈ એ તો સિનેમાદેવ જાણે, પણ રણવીર હવે 'ડોન-થ્રી'માંથી આઉટ થઈ ગયો. પ્રોડયુસરો (ફરહાન વત્તા રિતેશ સિધવાની) અને હીરો વચ્ચે ખાસ્સા ઝઘડા થયા. નિર્માતાઓ કહે કે અમે 'ડોન-થ્રી'ની તૈયારીમાં જ ૪૦ કરોડ રૂપિયાનું આંધણ કરી નાખ્યું એનું શું? રણવીર કહે, એનું કંઈ નહીં, મારે એની સાથે કંઈ લેવાદેવા નહીં.
૨૦૨૩માં ફરહાન અને રિતેશ સધવાનીના પ્રોડક્સનના હાઉસ એક્સેલે રણવીરને નવા ડોન તરીકે પેશ કરતા ટીજર રિલીઝ કરી દીધું તે પછી કૃતિ સેનનને પણ એક મહત્ત્વના રોલ માટે સાઈન કરી લેવાઈ હતી. માહિતગાર સૂત્રોના જણાવવા મુજબ છેક ૨૦૨૫ના ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રાઈટર-ડિરેક્ટર ફરહાન શૂટિંગના લોકેશન્સ શોધવા નીકળ્યો. ડિસેમ્બરમાં આદિત્ય ધરની 'ધુરંધર' આવી અને ફિલ્મની રિલીઝના ગણતરીના અઠવાડિયામાં જ રણવીરે 'ડોન-૩' છોડી દેવાની જાહેરાત કરી. કદાચ 'ધુરંધર'ની સુપર સક્સેસ રણવીરની પ્રાયોરિટી બદલી નાખી હતી. એણે ડોન-૩માંથી એક્ઝિટ લઈ પોતાની નેક્સ્ટ મૂવી 'પ્રલય' પર ફોકસ કરવાનું પસંદ કર્યું.
એને પગલે ગિન્નાયેલા એક્સેલ એન્ટરટેઈનમેન્ટે ફિલ્મના પ્રિ-પ્રોડક્શન વર્કમાં પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરવા રણવીર પાસે તોતિંગ વળતર માગ્યું. વિવાદ પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયામાં ગયો. ગિલ્ડ આ મામલાનો ઉકેલ લાવવા બે મિટીંગ્સ બોલાવી ચુક્યું છે.
રણવીરના કેમ્પ તરફથી આ મુદ્દા રજુ કરાયા છે: ૧. સૌથી પહેલી વાત તો એ કે ડોન-૩ ની કોઈ બાઉન્ડ સ્ક્રીપ્ટ તૈયાર જ નથી થઈ. એક્ટર તરીકે રણવીર પુરેપુરી ડેવલપ સ્ક્રીપ્ટ સાથે જ કામ કરવાનુંપસંદ કરે છે. ફરહાને સ્ક્રીપ્ટ વિશે કોઈ ફીડબેક લેવાની દરકાર કરી નથી અને સ્ક્રીપ્ટમાં એઅમુક સબ પ્લોટ્સ સમાવવા સામે વાંધો છે. ૨. લગભગ ૩ વરસ વીતી ગયા છતાં ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે એ વિશે સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ, ફરહાન પોતાના એક્ટિંગ અસાઈનમેન્ટ પર વધુ ફોકસ કરી રહ્યો છે.
૩. રણવીરને એવું પણ જાણવા મળ્યું હતું કે એને પડતો મૂકી પ્રોજેક્ટમાં હૃતિક રોશનને લેવાની અંદરખાનેથી પ્રયાસ થયો હતો. અખતર અને સિધવાનીની કંપની જવાબ આપતાં કહે છે:
૧. રણવીરે કદી સ્ક્રીપ્ટ સામે કોઈ વાંધો દર્શાવ્યો જ નથી. સમયાંતરે નિયમિતપણે એની સાથે સ્ક્રીપ્ટ શેયર કરાતી હતી અને દરેક વખતે રણવીરે એને મંજુરી આપી છે.
૨. એણે ફાઈનલ ગ્રીન સિગ્નલ આપી પોતાના રોલ વિશે ઉત્સાહ દર્શાવ્યા બાદ જ ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન શરૂ કરાયું હતું.
૩. રણવીરે અમારી સમક્ષ એન.વેનિટી વેન્સ અન ેસ્ટાફના કાફલા પાછળ થતો ખર્ચ ભોગવવા જેવી કેટલાક ગેરવાજબી ડિમાન્ડ મૂકી હતી.
૪. હૃતિકને અને ડોન-૩ ના રોલ ઓફર કર્યો જ નથી, જેની રોશને પોતે પુષ્ટિ કરી છે.
લેટેસ્ટ ખબર અનુસાર, 'ડોન-થ્રી'માં સંભવત: ફરહાન અખ્તર પોતે જ હીરો બનશે. આને કહેવાય આત્મનિર્ભરતા!


