- 'પતિ-પત્ની વચ્ચે ઈગો રતીભાર ન હોવો જોઇએ. હું લગ્ન પહેલાં થોડીક ઇગોવાળી હતી, પણ કરણના સાનિધ્યમાં આવ્યા બાદ મારો અહમ સાવ જ ઓગળી ગયો'.
ટેલિવિઝનના નાના પણ જબરા લોકપ્રિય પડદા પર રજૂ થતી સિરિયલનાં કલાકારોની અંગત જિંદગીના આરોહ -અવરોહ જાણવા જેવા હોય છે. અમુક અભિનેતાઓ અને અભિનેત્રીઓ સમય જતાં દંપતિ બની ગયાં છે. ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન સતત સાથે રહેવાથી અને એકબીજાનાં સ્વભાવ અને પ્રતિભાથી પ્રભાવિત થાય છે. એકબીજાંને ગમવા લાગે છે. અમુક કલાકારોએ પોતાના ક્ષેત્ર બહારની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હોવાનાં ઉદાહરણ પણ છે.
ટીવી અભિનેત્રી સુરભી ચંદાના અને બિઝનેસમેન કરણ શર્મા આવું યુવાન અને મોજીલું યુગલ છે. સુરભી ચંદાના એટલે કુબુલ હૈ, ઇશ્કબાઝ, નાગીન-૫ વગેરે ટીવી સિરિયલની લોકપ્રિય અભિનેત્રી. કરણ શર્મા એટલે યુવાન બિઝનેસમેન અને સુરભીનો પડોશી. સુરભી અને કરણનાં લગ્ન ૨૦૨૪ની ૨,માર્ચે મુંબઇમાં થયાં છે. એકબીજાની ૧૪ વર્ષની દોસ્તી કહો કે લીલોછમ પ્રેમ. આજે સુરભી અને કરણ એકબીજાંને ગમતીલાં પતિ -પત્ની છે.
ચાલો , આપણે પણ સુરભી -- કરણની પહેલી પહેલી મીઠી મીઠી દોસ્તીથી લઇને લગ્નજીવનની પા પા પગલીની યાદગાર ક્ષણો માણીએ.
સુપરહીટ તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલથી અભિનય કારકિર્દી શરૂ કરનારી સુરભી ચંદાના કહે છે, હું અને કરણ એકબીજાંને લગભગ ૧૪ વર્ષથી ઓળખીએ છીએ. હું અને કરણ બંને મુંબઇના પવઇ વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં સાથે રહેતાં હતાં. મારાં મમ્મી અને કરણનાં મમ્મી બહુ સારાં બહેનપણી હતાં.જોકે તે સમયે કરણ શર્મા લંડન રહેતો હતો. બન્યું એવું કે કરણનાં માતાપિતા તેમના દીકરાના જન્મદિવસની ઉજવણી મુંબઇમાં કરવા ઇચ્છતાં હતાં.કરણ લંડનથી મુંબઇ આવ્યો હતો.
અમે પડોશી હોવાથી કરણનાં માતાપિતાએ મારો પરિચય કરાવ્યો. મેં કરણને જન્મ દિનની શુભેચ્છા આપી. જોકે કરણ શર્મા તો બહુ બહુ શરમાળ હોવાથી મને ફકત થેન્ક્યુ કહ્યું. બહુ વાતચીત ન થઇ. જન્મદિનની ઉજવણી મોડી રાતે પૂરી થઇ.કરણ મને મારા ઘરે મૂકવા આવ્યો ત્યારે મેં તેને કહ્યું હતું, બર્થ ડે બોય, તું તો બહુ શરમાળ છો દોસ્ત.
બસ, કરણ શર્માના જન્મ દિનની ઉજવણી સાથે અમારી દોસ્તી પણ શરૂ થઇ. કરણે એક દિવસ મને બહાર સાથે ફરવા જવાનું આમંત્રણ આપ્યું હતું. કરણ મને પવઇની એક બહુ જ પ્રસિદ્ધ રેસ્ટોરાંમાં લઇ જવા ઇચ્છતો હતો. જોકે મેં કહ્યું , કરણ, હું કાંઇ બહુ અમીર માતાપિતાની દીકરી નથી. ચાલ,આપણે એકાદ સારી કોફી શોપમાં બેસીને ગામ ગપાટાં મારીએ. મજા આવશે.કરણને મારી પ્રામાણિકતા ગમી ગઇ અને અમે ખરેખર એક કોફી શોપમાં જઇને ગરમ ગરમ કોફીનો આનંદ માણ્યો.સાથોસાથ એકબીજાં વિશે ઘણું ઘણું જાણ્યું પણ ખરું. મુંબઇમાં જ જન્મેલી અને ઉછરેલી સુરભી ચંદાના કહે છે, કરણ શર્માનો પરિવાર સુખી -- સમૃદ્ધ હોવાથી તેની જીવનશૈલી પણ અમીરી હોય તે સ્વાભાવિક છે. જ્યારે અમારું કુટુંબ મધ્યમ વર્ગી છે.કરણનો સ્વભાવ જોકે ઉદાર -પરોપકારી છે.
સમય જતાં અમારી મિત્રતા વધુ ગાઢ બની. વિચારોની આપ- લે પણ વધતી ગઇ. મેં એક વખત કરણને કહ્યું, સાંભળ, આપણા સંબંધમાં પ્રેમ, વ્હાલ,સમજણ બહુ મહત્વનાં છે. પ્રેમાળ વ્યવહાર સાથે સમજણ હોય તો જીવન સુગંધી બને. અને તો જ એકબીજાં સાથે રહી શકાય.નહીં તો નહીં.કરણને મારી આ વાત અને સમજણ બહુ જ ગમી. તેણે સ્વીકારી પણ ખરી.
પતિ કરણ શર્માનાં ગુણ,ગમો-અણગમો, વાદ-વિવાદ,લગ્ન બાદ જીવનમાં પરિવર્તન વગેરે પાસાં વિશે ખુલ્લા હૃદયે સ્પષ્ટતા કરતાં સુરભી કહે છે, મારો વર મૂળભુત રીતે બહુ શાંત અને શરમાળ છે.ખરું કહું તો કરણે મને ક્યારેય પણ આઇ લવ યુ નથી કહ્યું. મેં પણ નહીં. બસ,એકબીજાંને ગમતાં રહીએ એ જ સૌથી મોટું અને મહત્વનું આઇ લવ યુ.લગ્ન બાદ પણ અમારી બંને વચ્ચે સમજણ અને વ્હાલનો સતત સરવાળો થતો રહ્યો છે તેનાં અનહદ ખુશી અને સંતોષ છે.
સંજીવની અને શેરદિલ શેરગીલ વગેરે ટીવી સિરિયલમાં પણ મજેદાર પાત્રો ભજવનારી સુરભી કહે છે, લગ્ન જીવનમાં તો એકબીજાં પ્રત્યે પ્રેમ સાથોસાથ થોડીક રકઝક પણ થાય તે સહજ છે. અમારી વચ્ચે પણ ઘણી વખત મતભેદ --કજિયો થાય છે. આમ છતાં અમે બહુ જલદી સમજી જઇએ છીએ. મૂળ તો પતિ પત્ની વચ્ચે પ્રેમનો સેતુ મજબૂત હોવો જોઇએ. ઘમંડ રતીભાર ન હોવો જોઇએ.ખરું કહું તો મારો વર કરણ બહુ જ સીધો --સરળ છે. હું લગ્ન પહેલાં થોડીક અહમવાદી હતી પણ કરણના પ્રેમાળ સાનિધ્યમાં આવ્યા બાદ મારો અહમ સાવ જ ઓગળી ગયો છે. અમે બંનેએ એવો ચોક્કસ નિયમ કર્યો છે કે દિવસ દરમિયાન કદાચ પણ કોઇ મુદ્દે આછાપાતળા મતભેદ થયા હોય પણ, નિદ્રાધીન થતાં પહેલાં બધું સમૂસૂતરું થઇ જવું જોઇએ. અમે બંનેએ અમારી પોતાની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી છે ત્યારે તેના વિકાસ માટે અમારે ઘણી મહેનત પણ કરવી જરૂરી છે.સાથોસાથ બંનેની તંદુરસ્તી પણ લીલીછમ રહેવી જોઇએ. સારા આરોગ્ય માટે પૌષ્ટિક આહાર અને ઘસઘસાટ નિદ્રા પૂરતાં હોવાં જરૂરી છે.અમે બંને આ નિયમનું બરાબર પાલન કરીએ છીએ.


