Get The App

બાવર્ચી એટલે પરિવાર વચ્ચેનો સેતુ .

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
બાવર્ચી એટલે પરિવાર વચ્ચેનો સેતુ                    . 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- આરાધના, અમર પ્રેમ, કટી પતંગ, આપ કી કસમ જેવી રોમેન્ટિક ફિલ્મો બાદ રાજેશ ખન્ના રસોઈયાના રોલમાં જોવા મળશે તે વાત ફેન્સ માટે માનવી મુશ્કેલ હતી

હિંદુ ધર્મના ગ્રંથોમાં સેતુનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. રામાયણમાં હનુમાનજી ભગવાન શ્રીરામનો સંદેશો લઈને લંકા પહોંચ્યા હતા. અને એક પ્રકારે સેતુ બન્યા હતા. શ્રીરામે લંકા સુધી પહોંચવા માટે રામસેતુનું નિર્માણ કર્યું હતું. જે કર્તવ્ય અને અહંકાર વચ્ચેનો પ્રતીકાત્મક પુલ હતો. મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ટાળવા માટે ભગવાન શ્રીકૃષ્ણ સેતુ બન્યા હતા. તેમણે દુર્યોધન પાસેથી પાંડવો માટે પાંચ ગામો માંગીને યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આપણા ધામક ગ્રંથોમાંથી શીખીને આજકાલના મોટિવેશનલ સ્પીકર્સ પણ કહેતા થયા છે કે,  Be the bridge. સંદર્ભ એ કે, બે વ્યક્તિઓ વચ્ચે જો કંઈ બનો તો સેતુ બનો. પરંતુ, આપણે કળિયુગમાં જીવી રહ્યાં છીએ. જો કોઈને ભૂલથી પણ ખબર પડી કે, તમારા સંબંધો એક્સવાયઝેડ સાથે સારા નથી. તો પછી ભૂલી જાવ સેતુ. એ તો તમારા સંબંધો માટે સીધા રાહુ-કેતુ જેવું જ કામ કરશે. 

૧૯૭૦નો દાયકો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એવો સમય હતો જ્યારે, ફિલ્મો અને તે સમયના સમાજ વચ્ચે સેતુ સ્થાપિત થયો હતો. એટલે, ફિલ્મો પણ એવી બનતી જે સમાજનો અરીસો હોય. ફિલ્મમેકર્સ સમાજને આંગળી ચીંધીને કહેતા કે, આપણે આ જે કરી રહ્યાં છીએ તે બિલકુલ બરાબર નથી. આપણે જે માર્ગ પકડયો છે તે, ખોટો છે. અને આ રહ્યો સાચો માર્ગ. આવા જ હિંમતવાળા ફિલ્મમેકર્સની લિસ્ટમાં બંગાળના જાણીતા તપન સિંહાનું નામ આવતું. તપન દાને તે સમયના જોઈન્ટ ફેમિલીઝને જોઈને લાગતું કે, આપણા દેશની યુનિક એવી સંયુક્ત કુટુંબની પ્રથા કેટલી સારી છે. હા, એમાં થોડી ખામી જરૂર છે. જેમ કે, નાની-અમથી વાત પર થતાં કારણ વગરના ઝઘડા. અને હા એ ઝઘડા જ. તેમને સવાલ થયો કે, પરિવારોમાં શું ખૂટી રહ્યું છે તો આ ઝઘડા થઈ રહ્યાં છે..? ત્યારે જવાબ મળ્યો, સેતુ. આ પરિવારો વચ્ચે વિશ્વાસ વધારીને સેતુ બનવા કોઈ તૈયાર નથી. 

બંગાળી ફિલ્મના મૂળ 

પરિવારના ઝઘડાનું સમાધાન શોધવા જતાં તપન દાના હાથમાં બંગાળી સંયુક્ત કુટુંબની સ્ટોરી  લાગી હતી. એક એવું પરિવાર કે, જેમની પાસે જોઈએ તે બધી જ સુખ-સુવિધા છે પરંતુ, આ સુખ-સુવિધા વચ્ચે પણ પરિવારમાં આનંદ નથી. 'ગલ્પો હોલેઓ સત્તી' નામની ફિલ્મમાં પરિવારના આશિયાનાને તેમણે આનંદ ભવન નામ આપ્યું હતું. આ ભવનમાં ખૂટતા આનંદ વચ્ચે ધનંજય નામનો યુવાન સેતુ બને છે. 'બાવર્ચી' એટલે કે, રસોઈયા તરીકે નોકરી પર આવેલો ધનંજય પરિવાર માટે શાકભાજી લાવવાથી માંડીને ઘરની સાફસફાઈ સુધીના તમામ કામ કરતો. પહેલા તો પરિવારને શંકા ગઈ કે, આટલો ટેલેન્ટેડ યુવાન અમારા માટે કામ કરે છે. શું કામ..?શું મજબૂરી હશે? અગાઉની નોકરીમાં કેમ ટક્યો નહીં હોય? અને બીજા અનેક પ્રશ્નો. આ ધનંજય જેમ જેમ પરિવારની નજીક આવે છે તેમ તેમ દેરાણી-જેઠાણીના ઝઘડા બંધ કરાવે છે. બાળકોને ભણવા માટેની તો ભાઈઓને જવાબદારીઓ વહેંચવાની પ્રેરણા આપે છે. તેના પ્રયાસો વડીલોના મોંઢા પર ખોવાઈ ગયેલું સ્મિત પરત આવે છે. એક સમયે ચીસોથી ગુંજતું આનંદ ભવન ધનંજયના પ્રયાસોને કારણે હાસ્યથી ગુંજવા લાગે છે. ઘણા વર્ષોની મહેનત પછી ધનંજયને લાગે છે કે પરિવાર હવે આત્મનિર્ભર થઈ ગયું છે. તેમને કોઈ સેતુની જરુર નથી. ત્યારે, અચાનક તે ચાલ્યો જાય છે. પહેલા તો પરિવારને આઘાત લાગે છે પરંતુ, છેવટે સમજાય છે કે, ધનંજય વીખરાઈ રહેલા પરિવારના માળાને સરખો કરવા માટે એક સેતુ બનીને આવ્યો હતો. જ્યારે, જાણીતા ફિલ્મમેકર હૃષિકેશ મુખર્જીએ આ ફિલ્મ જોઈ ત્યારે તેમને થયું કે હિંદીમાં આ વિષય પર ફિલ્મ બનાવવી જોઈએ. જેથી વધુ લોકો સુધી સંદેશો ફેલાય અને ઘણા પરિવારોને ફાયદો પહોંચી શકે. આ સાથે જ તેમણે હિંદી ફિલ્મ બાવર્ચી પર કામ શરુ કરી દીધું હતું. 

હૃષિકેશ મુખર્જી અને મિડલ ક્લાસ 

આપણે જ્યારે બચતની વાત કરીએ ત્યારે, ઘણા લોકો કહેતા હોય છે કે, આ મિડલ ક્લાસ મેન્ટાલિટી છોડો. ત્યારે, હૃષિકેશ મુખર્જી યાદ આવે. હૃષિ દા એક એવું ઉદાહરણ છે જે, આ મેન્ટાલિટીને કારણે જ સફળ થયા હતા. તેમણે સાબિત કર્યું કે, સારી ફિલ્મો બનાવવા માટે મોંઘાદાટ સેટ કે પછી કોશ્ચ્યુમ નહીં પણ એક દમદાર સ્ક્રીપ્ટ જોઈએ. તેઓ ફિલ્મમેકિંગ અને થિયેટરને પોતાની આર્ટ થકી નજીક લાવ્યા. ઓછા ખર્ચે વધુ મનોરંજન ફિલ્મ બાવર્ચીમાં પણ જોવા મળ્યું. નાના બજેટની આ ફિલ્મને એક ઘરની અંદર જ શૂટ કરી લેવામાં આવી હતી. અમિતાભ બચ્ચનના અવાજમાં સ્ટોરી વર્ણવીને ફિલ્મને થિયેટરનો ટચ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મની દરેક ફ્રેમ જોઈને સમજાય કે, સિનેમાને લક્ઝરી નહીં માત્ર સચ્ચાઈની જરૂરત છે.  

ફિલ્મની શરુઆત અમિતાભ બચ્ચનના જોરદાર નેરેશન સાથે થાય છે. હા, એ વાત ખરી કે તે સમયે બચ્ચનનો અવાજ એટલો દમદાર નહોતો. તેઓ આપણો પરિચય શાંતિ નિવાસમાં રહેતા પરિવારના સભ્યો સાથે કરાવે છે. ઘરના વડીલ (હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય), હેડ કલાર્ક તરીકે કામ કરતો તેમનો સૌથી મોટો પુત્ર રામનાથ (એ. કે. હંગલ), તેની પત્ની સીતા દેવી (દુર્ગા ખોટે) અને તેમની કથક ડાન્સર દીકરી મીતાની સાથે પરિવારના અન્ય સભ્યો. જેમાં, પ્રોફેસર પુત્ર કાશીનાથ (ંકાલી બેનર્જી) તેની પત્ની શોભા દેવી(ઉષા કિરણ) અને તેમનો પુત્ર સામેલ છે. આ સિવાય પરિવારમાં ઘરનો સૌથી નાનો અને મ્યુઝિક ડિરેક્ટર બનવાના સપના જોતો પુત્ર વિશ્વનાથ (અસરાની) અને અનાથ પૌત્રી કિષ્ના (જય બચ્ચન)ના પાત્રો મહત્ત્વપૂર્ણ છે. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રસોઈયો રઘુ કેવી રીતે તેની કોઠાસૂઝથી પરિવારને ઝઘડાની વૃતિમાંથી કાઢે છે તે જોવા જેવું છે. 

રઘુ એક સેતુ 

શર્મા પરિવારનું ઘર બહારથી ભલે જાજરમાન લાગતું પરંતુ, અંદર તોફાન ચાલી રહ્યું હતું. ભાઈઓ એકબીજા સાથે અબોલા રહેતા. તેમની કસર પૂરી કરતી હોય તેમ વહુઓ રોજ ઝઘડતી, વડીલો એક ખૂણામાં ગુસ્સામાં બેઠા રહેતા. આ ઘરમાં દિવાલો અને છત હતી પરંતુ, હૂંફ ન હતી. એવામાં એક દિવસ સામાન્ય રસોઈયાની એન્ટ્રી સમગ્ર વાતાવરણ બદલી નાખે છે.  કોઈ ખાસ ઓળખ નહીં, ન પૈસા કે ન પછી દેખાવ. કહેવાય છે ને કે પોઝિટીવીટી સૌથી મોટું આકર્ષણ છે. રઘુમાં આ જ આકર્ષણ હતું. જ્યારે, ભાઈઓ બોલતા નહોતા ત્યાં રઘુ મજાક કરીને તેમને હસાવતો. જ્યાં, વહુઓ ઝઘડતી ત્યારે તે ગીત ગાઈને વાતને હળવી કરી દેતો. જ્યારે, ઘરના વડીલ મૌન રહેતા ત્યારે તે પોતાનો અનુભવ શેર કરીને એમને સાંભળ્યાનો અનુભવ કરાવતો હતો. ધીમે ધીમે તે પરિવારના દરેક સભ્યો વચ્ચે સેતુ બની ગયો. ભાઈઓ ફરી સાથે બેઠા, વહુઓ ઝઘડા ભૂલીને એકબીજાનું માન કરતા શીખી. બાળકોનો ખીલખીલાટ ફરી એકવાર ઘરમાં ગુંજવા લાગ્યો. જે ઘર એક વખત યુદ્ધભૂમિ હતું તે ફરી એકવાર પ્રેમથી છલકાયું. રઘુએ  સંપનું મહત્ત્વ સમજાવ્યું હતું. 

રસોઈયાના રોલમાં સુપરસ્ટાર

૧૯૭૨માં રાજેશ ખન્ના સુપરસ્ટારડમની ચરમસીમાએ પહોંચ્યા હતા. આરાધના, કટી પતંગ, આનંદ, અમર પ્રેમ જેવી ફિલ્મોથી તેઓ લાખો દિલોની ધડકન બનીને દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા હતા. એવા સમયે રાજેશ ખન્ના એક રસોઈયાનો રોલ કરશે તે વાત માનવી મુશ્કેલ હતી. પરંતુ, હૃષિકેશ મુખર્જીને રાજેશ ખન્ના સાથેના સારા સંબંધોનો લાભ મળ્યો હતો. એક વર્ષ પહેલા જ હૃષિકેશ મુખર્જીની આનંદમાં રાજેશ ખન્નાને કારકિર્દીનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો ચાન્સ મળ્યો હતો. જેવી તેમને આ ફિલ્મની ઓફર કરવામાં આવી તેવી તેમણે તરત હા પાડી દીધી હતી.

રસોઈયાનો જાદુ 

રઘુ નામના રસોઈયાનો જાદુ અનેક ભાષામાં જોવા મળ્યો. હિંદી ફિલ્મ બાવર્ચી બાદ કર્ણાટકમાં સકથ ખરચ્ચુ દેઉ(૧૯૭૭), મલયાલમમાં સમયમ(૧૯૭૮), તેલુગુમાં ભલે બાવા(૧૯૮૯), તમિલમાં સમયલકરણ(૧૯૯૨) નામની ફિલ્મોમાં રસોઈયાએ સેતુ બનીને અનેક ઘરને બચાવ્યા. પ્રાદેશિક પરદે રઘુ જેવા પાત્રના જાદુ ચાલ્યા બાદ થોડા વર્ષ બાદ તે ફરી નવા રુપમાં જીવંત થયો. ગોવિંદાની હીરો નંબર ૧માં પણ નોકર ઘરમાં સેતુ બનવાનું કામ કરે છે. સમય બદલાતો ગયો પણ બાવર્ચી ફિલ્મનો આત્મા જીવંત રહ્યો. રિપોર્ટ મુજબ, આ ફિલ્મની રિમેક પર કામ શરૂ કરવામાં આવ્યું છે. બાઘબાન હોય કે પછી કપૂર એન્ડ સન્સ આ ફિલ્મોમાં એક જ સવાલ ઉઠાવવામાં આવ્યો કે, પરિવાર તૂટે છે ત્યારે તેને ફરીથી કોણ જોડશે? આ ખૂટતો સેતુ કોણ બનશે?   

ફિલ્મ વિશે રસપ્રદ માહિતી

- ફિલ્મના અંતે રઘુ અચાનક ગાયબ થઈ જાય છે. આ નિર્ણય હૃષિકેશ મુખર્જીએ સમજી વિચારીને લીધો હતો. તેઓ બતાવવા માંગતા હતા કે, એક દૈવીય સેતુ આવ્યો, ઘરને જોડયું અને ચાલ્યો ગયો. તે સમયે ઘણા ફિલ્મ ક્રિટિક્સે તેને ભગવાન શ્રીકૃષ્ણ જેવા શાંતિદૂત કે 

- હનુમાન જેવા દૂત સાથે સરખાવ્યો હતો. 

- આ ફિલ્મ મેનેજમેન્ટ અને સાઇકોલોજીની ક્લાસમાં કેસ સ્ટડી ઓફ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન તરીકે  શીખવાડવામાં આવે છે. જેમાં, કેવી રીતે પરિવાર કે કંપનીના ઝઘડાના માહોલમાં એક બહારનો વ્યક્તિ સંતુલન લાવે છે. તેની ચર્ચા કરવામાં આવે છે.

- આ ફિલ્મમાં રઘુનું કેરેક્ટર પહેલા ધર્મેન્દ્રને વિચારીને તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, હૃષિકેશ મુખર્જીની ઓફર રાજેશ ખન્નાએ સ્વીકારતા ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

- રઘુનું કેરેક્ટર જમીન સાથે જોડાયેલું હોવાથી આ ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે મન્ના ડેને પસંદ કરવામાં આવ્યા હતા.

- ભોર આયી ગયા અંધિયારા મૂળ રવિન્દ્રનાથ ટાગોરની રચના હતી. સલીલ ચૌધરીએ તેને હિંદી કપડા પહેરાવ્યા હતા. પરંતુ, આત્મા બંગાળી જાણવી રાખ્યો હતો. 

- એક ઇન્ટરવ્યુમાં હૃષિકેશ મુખર્જીએ જણાવ્યું હતું કે, રઘુની ફિલોસોફી તેમણે ગીતાના નિષ્કામ કર્મના સિદ્ધાંત પરથી લીધી હતી.