'પુત્રનો પગ રેલવે ટ્રેકમાં ફસાયો ને માતા બચાવવા દોડી...' બોડેલીમાં ટ્રેનની અડફેટે બંનેના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bodeli Mother Son Train Accident News : બોડેલીમાં નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા રેલવે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતાં માતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં. પુત્રનો પગ રેલવે પાટામાં ફસાઈ જતાં તેને બચાવવા માતા દોડી ગયાં હતાં, પરંતુ એ જ સમયે ટ્રેન આવી પહોંચતાં બંને ગંભીર અકસ્માતનો ભોગ બન્યાં હતાં. બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. રેલવે પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ટિફિન આપવા માટે જઇ રહ્યા હતા
મળતી વિગતો પ્રમાણે, જૂની બોડેલીમાં રહેતાં ગંજીબેન ગણપતભાઈ બારીયા (ઉંમર 65 વર્ષ) અને તેમના પુત્ર પરેશભાઈ ગણપતભાઈ બારીયા (ઉંમર 32 વર્ષ) ખેતર પાસે આવેલી દુકાને વહુને ટિફિન આપવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેઓ જૂની બોડેલીથી ઝાંખરપુરા તરફ જતાં બોડેલી નર્મદા મુખ્ય કેનાલ પરના રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં.
પગ રેલવે પાટામાં ફસાયો
દરમિયાન અચાનક ટ્રેન આવી પહોંચી હતી. આ સમયે પરેશભાઈનો પગ રેલવે પાટામાં ફસાઈ ગયો હતો. પુત્રને મુશ્કેલીમાં જોઈને માતા ગંજીબેન તેને બચાવવા માટે દોડી ગયાં હતાં. જોકે, તેઓ પુત્રને બચાવી શકે એ પહેલાં જ ટ્રેન બંનેની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા-પુત્ર બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ગંજીબેનના મૃતદેહનો અડધો ભાગ કેનાલમાં પડી ગયો હતો.
સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પંચનામું સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. માતા-પુત્રનાં મોતના આ બનાવ અંગે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.




