Chhota Udaipur

નસવાડી: કુકરદા ધોધમાં નહાવા પડેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત, 108ની ટીમ 2 KM પગપાળા ચાલીને પહોંચી

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી કુકરદા ધોધ પર ફરવા ગયેલા રાજપીપળા મેડિકલ કોલેજના 6-7 વિદ્યાર્થીઓના ગ્રુપનો આનંદ શોકમાં ફેરવાયો. જયપુરનો રાહુલ પુનિયા નામનો વિદ્યાર્થી ધોધના ઊંડા પાણીમાં ડૂબી ગયો. ગ્રામજનોની મદદથી મૃતદેહ બહાર કઢાયો. 108ની ટીમે 2 કિલોમીટર પગપાળા ચાલી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નસવાડી: કુકરદા ધોધમાં નહાવા પડેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત, 108ની ટીમ 2 KM પગપાળા ચાલીને પહોંચી

Naswadi Kukarda Waterfall Drowning Medical Student: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે આવેલા ધોધ પર પ્રવાસે ગયેલા મેડિકલના વિદ્યાર્થીઓનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો છે. મિત્રો સાથે ધોધ પર પાણીમાં નહાવા પડેલા રાજપીપળા મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે.

જયપુરના વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ

મળતી માહિતી મુજબ, રાજપીપળા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 6 થી 7 વિદ્યાર્થીઓનું ગ્રુપ નસવાડીના કુકરદા ગામે આવેલા કુદરતી ધોધ ખાતે ફરવા અને રજાની મજા માણવા પહોંચ્યો હતો. દરમિયાન, મૂળ રાજસ્થાનના જયપુરના વતની એવા વિદ્યાર્થી રાહુલ પુનિયા ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથી મિત્રોએ બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની કલાકોની ભારે મહેનત બાદ રાહુલનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Gujarat Samachar - 2026-10-02T183626.495.jpg

108 ની ટીમે 2 કિલોમીટર પગપાળા ચાલી મૃતદેહ ખસેડ્યો

ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. જોકે, કુકરદા ધોધ તરફ જવાનો રસ્તો દુર્ગમ હોવાના કારણે 108 ના કર્મચારીઓએ માનવતા અને ફરજ નિભાવીને આશરે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોની મદદથી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નસવાડી સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો હતો.

રાજસ્થાનથી ગુજરાતમાં તબીબ બનવાનું સપનું લઈને આવેલા યુવાન વિદ્યાર્થીના અચાનક અકસ્માતે મોતને કારણે પરિવારજનો અને સાથે ભણતા વિદ્યાર્થીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.