Chhota Udaipur

છોટા ઉદેપુર બોર્ડરના 50 ગામોમાં વીજળી ગુલ! MGVCL કચેરીએ સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના બોર્ડર વિલેજ વિસ્તારના 50 ગામોના ખેડૂતો વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયા હતા. આજે (01 ઓક્ટોબર) તેજગઢ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી બહાર "વીજ પુરવઠો આપો"ના નારા લગાવી ધરણા પર બેઠા. સિંચાઈ માટે વીજળી ન મળતા પાક સુકાવાની ભીતિ છે. ખેડૂતોએ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર બોર્ડરના 50 ગામોમાં વીજળી ગુલ! MGVCL કચેરીએ સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ

Chhotaudepur Farmers Protest MGVCL Office: છોટા ઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બોર્ડર વિલેજના આશરે 50 જેટલા ગામોના ખેડૂતો આજે(01 ઓક્ટોબર) તેજગઢ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરની કચેરી બહાર એકત્રિત થઈ ધરણા પર બેસી ગયા હતા. ખેડૂતોએ “વીજ પુરવઠો આપો” અને “મધ્ય ગુજરાત વીજ કંપની હાય હાય” જેવા સૂત્રોચ્ચાર કરી વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માગ કરી હતી.

સિંચાઈ માટે વીજળી ન મળતા પાક સુકાવાની ભીતિ

બોર્ડર વિલેજ વિસ્તારમાં અનેક ખેડૂતોએ ડાંગર, મકાઈ સહિતના પાકનું વાવેતર કર્યું છે. હાલ પાકને અંતિમ તબક્કે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. વરસાદ પણ અપેક્ષા મુજબ ન પડતા ખેડૂતો સિંચાઈ માટે વીજળી પર આધાર રાખી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો નિયમિત ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ખેડૂતોના આક્ષેપ મુજબ વીજ લાઈનમાં ખામી સર્જાયા બાદ વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વીજ લાઈનનું સમારકામ સમયસર ન થતાં વીજ પુરવઠો પૂર્વવત થયો નથી.

વીજળી સાથે પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર

વીજ પુરવઠો ખોરવાતા માત્ર ખેતી જ નહીં પરંતુ ગામડાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા પર પણ અસર પડી રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ગરમીના સમયમાં વીજળી વગર લોકોને પંખા વગર રહેવાની અને રાત્રિના સમયે અંધકારમાં જીવન પસાર કરવાની સ્થિતિ ઊભી થઈ છે.

ખેડૂતોનું કહેવું છે કે “વારંવાર રજૂઆત કરીને થાકી ગયા, હવે કચેરી બહાર બેસીને અમારી સમસ્યા સંભળાવવી પડી રહી છે.”

સરકારના 10 કલાક વીજળી આપવાના દાવા સામે ખેડૂતોનો સવાલ

ખેડૂતોએ સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવાના દાવા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ પાકને પાણી આપવા માટે જરૂરી વીજ પુરવઠો જ મળતો નથી. “સરકારના દાવા કાગળ પર છે કે જમીન પર?” એવો સવાલ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. હાલ મકાઈનો પાક તૈયાર થવાના આરે છે અને ડાંગરના પાકને પણ અંતિમ પાણીની જરૂરિયાત છે. આવા સમયે વીજ પુરવઠો બંધ રહેતા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વધી છે.

ખેડૂતોમાં ભારે રોષ

છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો આખરે રસ્તા પર ઉતર્યા છે. તેજગઢ ખાતે વીજ કંપનીની કચેરી બહાર ખેડૂતોના ધરણા અને સૂત્રોચ્ચારથી તંત્ર સામે તેમનો રોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

ખેડૂતોની મુખ્ય માગ છે કે, વીજ લાઈનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, નિયમિત વીજ પુરવઠો શરૂ કરવામાં આવે અને પાકને નુકસાન થાય તે પહેલાં સિંચાઈ માટે જરૂરી વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવે. હવે જો વીજ પુરવઠાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.