છોટા ઉદેપુરનો ડોલોમાઇટ ઉદ્યોગ દિવાળી ટાણે ફરી ધમધમી ઉઠ્યો, પથ્થરને દળીને બનાવાય છે રંગોળી પાવડર, દેશમાં ભારે માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Dolomite Industry Rangoli: છોટાઉદેપુર જિલ્લાની ધોરી નસ સમાન ગણાતો ડોલોમાઈટ ઉદ્યોગ દિવાળીના તહેવારને લઈને ફરી એકવાર ધમધમી ઉઠ્યો છે. છોટાઉદેપુર ગુજરાતનું સૌથી મોટું રંગોળીનું હબ ગણાય છે, અને દિવાળી નજીક આવતા જ તેની બોલબાલા અનેકગણી વધી જાય છે.
100 જેટલા કારખાના આવેલા છે
અહીં લગભગ 32 જેટલી ડોલોમાઈટ પથ્થરની ખાણો અને 100 જેટલા કારખાના આવેલા છે. જમીનમાંથી નીકળતા સફેદ પથ્થરને દળીને પાવડર બનાવવામાં આવે છે, અને આ જ પાવડરમાંથી રંગોળી તૈયાર થાય છે. રંગોળી પાવડરનું મુખ્ય મટીરિયલ ડોલોમાઇટ પાવડર જ છે, જેની પ્યોરિટી 95% સુધીની હોય છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા આશરે 20 જેટલા યુનિટો ફક્ત રંગોળી બનાવવાનું કામ કરે છે. આ સમગ્ર ઉદ્યોગ પર 10,000થી વધુ મજૂરો અને કર્મચારીઓની રોજીરોટી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિર્ભર છે.

દેશભરમાં રંગોળીની જબરદસ્ત માંગ
છોટાઉદેપુરમાં બનતી આ રંગોળી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભરૂચ, વડોદરા અને અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, તેલંગણા, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સુધી સપ્લાય કરવામાં આવે છે. હાલમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત તમામ રાજ્યોમાંથી હજારો ટન રંગોળીના મોટા ઑર્ડર મળ્યા છે, જેને પહોંચી વળવા કારીગરો અત્યારે પૂરઝડપે કામે લાગી ગયા છે.

સમસ્યાઓ અને સ્થાનિક વેપારીઓની માંગ
ગયા બે વર્ષ દરમિયાન ઈસી(EC) સર્ટીફિકેટ અને પુલ તૂટી જવાના પ્રશ્નોને કારણે આ ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મૂકાયો હતો. જોકે, વર્તમાન તહેવારોની સિઝનમાં ડિમાન્ડ ફરી વધી છે ત્યારે સ્થાનિક વેપારીઓની માંગ છે કે જો ખાણોને સમયસર મંજૂરીઓ મળે અને સારી રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય, તો આ ઉદ્યોગ ભવિષ્યમાં વધુ મોટા પાયે વિકસી શકે તેમ છે.




