છોટા ઉદેપુર: નસવાડીના બરોલી સહિત 10 ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસ્યા, કેનાલમાં ઉતરીને કર્યા સૂત્રોચ્ચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી ગામ સહિત આસપાસના 10 જેટલા ગામોના ખેડૂતોને નર્મદાની માઈનોર કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. વરસાદ બંધ થઈ જતાં ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકને પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે તંત્ર દ્વારા માઈનોર કેનાલમાં પાણી છોડવામાં ન આવતાં રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને કેનાલમાં ઉતરી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
કેનાલમાં ઉતરીને 'પાણી આપો'ના સૂત્રોચ્ચાર, પાક નિષ્ફળ જવાનો ભય
નસવાડી તાલુકાના બરોલી ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે અને તેનાથી આશરે 500 મીટરના અંતરે જ માઈનોર કેનાલ આવેલી છે. આ કેનાલ આસપાસના 10 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે જ બનાવવામાં આવી છે. હાલ વરસાદ ખેંચાતાં ખેતરોમાં કપાસ સહિતનો ઊભો પાક સુકાવા લાગ્યો છે.
પોતાનો પાક બચાવવા માટે 10 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં માઈનોર કેનાલ પાસે ભેગા થયા હતા અને કેનાલમાં ઉતરીને 'પાણી આપો, પાણી આપો'ના નારા લગાવી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, 'અમે ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો સમયસર પાણી નહીં મળે તો પાક સુકાઈ જશે અને ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જશે.'
મુખ્ય કેનાલનો ગેટ બંધ કરી સૌરાષ્ટ્ર જતું પાણી રોકવાની ચીમકી
ખેડૂતોના વિરોધ સામે નર્મદા નિગમના અધિકારીઓ એવું બહાનું બતાવી રહ્યા છે કે હાલ કેનાલની સફાઈની કામગીરી ચાલી રહી હોવાથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું નથી. જોકે, આ દલીલ સામે ખેડૂતોએ ઉગ્ર વલણ અપનાવતાં તંત્રને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ચાર દિવસમાં માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે, તો તેઓ નર્મદાની મુખ્ય કેનાલનો ગેટ બંધ કરી દેશે અને સૌરાષ્ટ્ર તરફ જતું પાણી રોકી દેશે.
સ્થાનિક ધારાસભ્યની ભૂમિકા સામે પણ ઉઠ્યા સવાલો
વિરોધ દર્શાવી રહેલા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યની કામગીરી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, 'ધારાસભ્ય મંચ પરથી સરકારની યોજનાઓ અને વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોય ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ આ પ્રશ્ન કેમ રજૂ કરતા નથી?'
ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'અમારી નજર સામેથી નર્મદાનું પાણી અન્ય વિસ્તારો તરફ વહી રહ્યું છે અને સ્થાનિક ખેડૂતો પાણી વિના તરસ્યા મરે છે, તો તેની જવાબદારી કોની?' હાલ ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર સફાઈનું બહાનું છોડી તાત્કાલિક કેનાલમાં પાણી છોડે જેથી ઊભો પાક બચાવી શકાય.




