Chhota Udaipur

છોટા ઉદેપુર: ખાતર-બિયારણની 6 હજાર કીટ ગોડાઉનમાં પડી રહી, સમયસર વિતરણ ન થતાં કોંગ્રેસનો વિરોધ

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેડૂતો માટે ફાળવેલી 6 હજાર જેટલી બિયારણ-ખાતર કીટો GNFC ડેપોમાં ધૂળ ખાઈ રહી છે. શિયાળુ પાકની વાવણી ટાણે પણ કીટોનું વિતરણ ન થતાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અધિકારીઓ જવાબ આપવાનું ટાળી રહ્યા છે, જેથી ખેડૂતોને સમયસર સહાય મળી રહી નથી. તંત્રની બેદરકારીથી પાક ઉત્પાદન પર વિપરીત અસરની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ખાતર-બિયારણની 6 હજાર કીટ ગોડાઉનમાં પડી રહી, સમયસર વિતરણ ન થતાં કોંગ્રેસનો વિરોધ

Fertilizer Kits In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેડૂતોને શિયાળુ પાકની સિઝન માટે સમયસર બિયારણ અને ખાતર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લાખો રૂપિયાની કીટો હાલ GNFCના ડેપોમાં ધૂળ ખાઈ રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અંદાજે 6 હજાર જેટલી બિયારણ અને ખાતરની કીટો ગોડાઉનમાં જ પડી રહી હોવાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનોએ ડેપો પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.

શિયાળુ પાકની વાવણી ટાણે કીટો ગોડાઉનમાં કેદ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, કવાંટ, છોટા ઉદેપુર, પાવીજેતપુર, કદવાલ અને સંખેડા સહિતના સાત તાલુકાઓમાં મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો ખેતી પર નિર્ભર છે. આ ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકારની ટ્રાયબલ સબ-પ્લાન યોજના હેઠળ પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા GNFC સહિતની કંપનીઓ પાસેથી બિયારણ અને ખાતરની ખરીદી કરવામાં આવી હતી.

હાલ શિયાળુ પાકની ખેતી માટે બિયારણ અને ખાતરની આવશ્યકતા છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે 6 હજાર જેટલી કીટોનું સમયસર વિતરણ કરવાના બદલે તે ગોડાઉનમાં જ પડી રહી છે. ખેડૂતોને સમયસર કીટો ન મળે તો વાવણીમાં મોડું થશે અને તેની સીધી વિપરીત અસર પાકના ઉત્પાદન પર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અધિકારીઓ જવાબ આપવાનું ટાળી રફુચક્કર થયા

બિયારણ અને ખાતરની કીટો ગોડાઉનમાં પડી હોવાની બાતમી મળતા જ કોંગ્રેસના અગ્રણીઓ જીએનએફસીના ડેપો પર દોડી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ડેપોના મેનેજરને પૂછપરછ કરતાં તેમણે બેજવાબદાર દલીલ કરી હતી કે 'મિટિંગ થયા બાદ' વિતરણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે ખુલાસો માંગવા માટે કોંગ્રેસના આગેવાનો પ્રાયોજના વહીવટદાર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ જવાબદાર અધિકારીઓ સંતોષકારક જવાબ આપવાનું ટાળીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

સરકારી યોજનાનો મૂળ ઉદ્દેશ ખેડૂતોને સમયસર સહાય પૂરી પાડવાનો છે, ત્યારે અધિકારીઓની ઉદાસીનતા અને લાલફિયાશાહીના કારણે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી આ કીટો જરૂરિયાતમંદ ખેડૂતો સુધી ક્યારે પહોંચશે અને તંત્ર ક્યારે જાગશે તે મોટો પ્રશ્ન બન્યો છે.