| (IMAGE - ENVATO) |
Petrol-Diesel Price: મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 50 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે
ક્રૂડ ઓઈલના વર્તમાન ભાવ
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ 1.01 ડોલર વધીને 61.76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બીજી તરફ, WTI ક્રૂડ સામાન્ય ઘટાડા સાથે 58.29 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે, એસબીઆઈ રિસર્ચનો અહેવાલ સૂચવે છે કે આગામી સમયમાં આ કિંમતોમાં મોટો ઘટાડો આવશે.
ભારતીય બજાર પર શું અસર થશે?
SBI રિસર્ચ ટીમે તેમના અહેવાલમાં આર્થિક પાસાઓનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, બ્રન્ટ ક્રૂડ અને ઇન્ડિયન બાસ્કેટ વચ્ચે 0.98નો મજબૂત સંબંધ છે, જેનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ ઘટતા જ ભારત માટે ક્રૂડ ઓઈલ સસ્તું થઈ જશે. આ ઘટાડો માત્ર ઈંધણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેલના ભાવમાં રાહત મળવાથી એકંદર મોંઘવારીમાં પણ ઘટાડો થશે, જે આર્થિક વિકાસને નવી ગતિ આપશે. તેમજ ટેકનિકલ અને એનાલિસિસ પણ આ જ દિશામાં સંકેત આપે છે. ભારતીય ક્રૂડ ઓઈલની વર્તમાન કિંમતો 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહી છે, જે સ્પષ્ટપણે સૂચવે છે કે ભવિષ્યમાં ઓઈલના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાંબા સમયથી સ્થિરતા
ઉલ્લેખનીય છે કે છેલ્લે માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કિંમતો સ્થિર છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર મળી રહ્યું છે. તેમજ ગુજરાતમાં પેટ્રોલ ₹94.63-₹95 પ્રતિ લિટર અને ડીઝલ ₹90.30 - ₹90.67 પ્રતિ લિટર મળી રહ્યું છે.
આ પણ વાંચો: IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440
ઘટાડાનું મુખ્ય કારણ શું?
અમેરિકી ઉર્જા માહિતી વહીવટીતંત્ર(EIA)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેલના ભંડારમાં વધારો થવાને કારણે બ્રન્ટ ક્રૂડ સરેરાશ 55 ડોલર સુધી નીચે આવી શકે છે. તેલના પુરવઠામાં વધારો અને વૈશ્વિક સંજોગો આ ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે. જો વર્ષના મધ્ય સુધીમાં ક્રૂડ ઓઈલ 50 ડોલરના સ્તરે પહોંચશે, તો સરકાર અને તેલ કંપનીઓ સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપી શકે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે અને સામાન્ય ઘરગથ્થુ બજેટમાં પણ સુધારો થશે.


