શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો
LPG Cylinder Price: જીએસટી કાઉન્સિલની હાલમાં જ યોજાયેલી બેઠક બાદ જીએસટીના દરોમાં મોટા ફેરફાર થયા છે. જેના લીધે રોજિંદા જીવન જરૂરિયાતનો સામાન સસ્તો બનશે. 22 સપ્ટેમ્બરે લાગુ થનારા જીએસટીના નવા દરોની અસર રાંધણ ગેસ પર થશે કે કેમ? આ મામલે ગૃહિણી અને મધ્યમવર્ગના લોકો અસમંજસમાં છે. તેની કિંમતમાં વધ-ઘટ કરોડો પરિવાર પર અસર કરે છે. વધુમાં હોટલ, રેસ્ટોરન્ટ, અને અન્ય વ્યાપારિક ઉદ્દેશો માટે વપરાતો કોમર્શિયલ એલપીજી સસ્તો થશે કે કેમ તે જાણવા માટે પણ લોકો આતુર બન્યા છે.
શું એલપીજી સિલિન્ડર સસ્તો થશે?
ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર વર્તમાન જીએસટીના દરો અલગ-અલગ છે. હાલ ઘરેલુ સિલિન્ડર પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર પર 18 ટકા જીએસટી લાગુ છે. 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એલપીજી સિલિન્ડર પર લાગુ જીએસટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. બંને પ્રકારના એલપીજી પર લાગુ જીએસટીમાં કોઈ ફેરફાર ન થતાં ભાવ યથાવત રહેશે.
આ પણ વાંચોઃ 'હું માણસોની જગ્યા લેવા નથી આવી', દુનિયાની પ્રથમ AI મંત્રીનું સંસદમાં વિસ્ફોટક ભાષણ
અમદાવાદમાં રાંધણ ગેસનો ભાવ
ઘરેલુ રાંધણ ગેસ પર કુલ 5 ટકા જીએસટી (2.5 ટકા સીજીએસટી અને 2.5 ટકા એસજીએસટી) લાગુ રહેશે. જ્યારે કોમર્શિયલ ગેસ પર 18 ટકા જીએસટી યથાવત રહેશે. અમદાવાદમાં હાલ 14.2 કિગ્રા રાંધણ ગેસનો ભાવ રૂ. 850-860 આસપાસ છે. જ્યારે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 853 છે.