આજે રજૂ થનારા બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટશે?
- કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ઘટયો સામે પાઉન્ડ ઉછળ્યો: કાતિલ વાયરસના પગલે ચીનમાં જીડીપી ગબડવાની ભીતિ
- ઝવેરી બજારમાં સોનામાં પીછેહટ જોવા મળી
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે બજેટ પૂર્વેના વેપારમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં મજબૂતાઈ આગળ વધી હતી. વેપારો જોકે ધીમા હતા અને ખેલાડીઓની નજર શનિવારે રજૂ થનારા બજેટ પર રહી હતી. બજેટમાં સોનાના આયાત જકાત ઘટાડવામાં આવે છે કે નહિં તેના પર બધાની નજર રહી છે.
સોના પર હાલ ઈમ્પોર્ટ ડયુટી ૧૨.૫૦ ટકા રહી છે તથા ૩ ટકા જીએસટી ગણતાં કુલ બોજ ૧૫.૫૦ ટકા થાય છે. આયાત જકાત ઊંચી રહેતાં દેશમાં તાજેતરમાં સોનાની દાણચોરીનું પ્રમાણ વધ્યું છે. આવા માહોલમાં હવે બજેટમાં આયાત જકાત ઘટાડાશે તો દાણચોરી ઘટશે તેમજ ગ્રાહકોને વ્યાજબી ભાવોએ માલ મળશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઘટી સાંજે ૧૫૭૯.૧૦થી ૧૫૭૯.૨૦ ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ વિશ્વ બજારમાં વધી ઔંશના ૧૭.૮૪થી ૧૭.૮૫ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બ્રિટન તથા યુરોપ વચ્ચેના છૂટાછેડાનો બ્રેકઝીટનો પ્લાન ફાઈનલ થઈ રહ્યાના વાવડ વચ્ચે બ્રિટીશ પાઉન્ડ ઉછળતો રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે પાઉન્ડ વધવા સામે આજે યુરોપની કરન્સી યુરોના ભાવ નરમ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૦૬૮૪ વાળા રૂ.૪૦૫૭૨ થઈ રૂ.૪૦૬૨૮ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૯૮૪૮ વાળા રૂ.૪૦૭૩૫ ખુલી રૂ.૪૦૭૯૧ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૧૬૦ વાળા રૂ.૪૬૪૨૦ ખુલી રૂ.૪૬૩૯૫ બંધ રહ્યા હતા.
જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઘટી ઔંશના સાંજે ૯૭૦.૪૦થી ૯૭૦.૫૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઔંશના ૨૩૦૦ ડોલરની સપાટી કુદાવી આજે ભાવ ૨૩૦૧.૧૦થી ૨૩૦૧.૨૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જે તાજેતરમાં ઘટી પાંચ મહિનાના તળિયે જતા રહ્યા હતા તે વધી આજે સાંજે ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલદીઠ ૫૮.૭૫થી ૫૮.૮૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વધી બેરલના સાંજે ૫૨.૫૫થી ૫૨.૬૦ ડોલર રહ્યા હતા.
કોપરના ભાવ વિશ્વ બજારમાં જોકે ઘટયા મથાળે સ્થિર થવા મથી રહ્યા હતા. ન્યુયોર્ક કોપર વાયદાના ભવા આજે સાંજે ૦.૦૫થી ૦.૧૦ ટકા પ્લસમાં રહ્યા હતા જ્યારે લંડન એક્સ.માં આજે કોપરના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૫૫૯૫થી ૫૬૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૧૫ પૈસા ઘટી રૂ.૭૧.૩૫ રહ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૨ પૈસા વધી રૂ.૯૩.૫૫થી ૯૩.૫૬ રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ચાલુ બજારે ઉંચામાં ૯૩.૭૮ સુધી પહોંચ્યા હતા. દરમિયાન, આજે યુરોના ભાવ પાંચ પૈસા ઘટી રૂ.૭૮.૭૪થી ૭૮.૭૫ રહ્યા હતા. ભારતમાં ફિસ્કલ ડેફીસીટના આંકડા નબળાઆવ્યા છે. ચીનમાં ઘાતક વાયરસનો વ્યાપ વધતાં ત્યાં ત્રિમાસિક જીડીપીનો દર વાર્ષિક ધોરણે ૬ ટકાથી ઘટી ૪.૫૦ ટકા આવવાની ભીતિ વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.
અમેરિકાના શેરબજારો આજે ઘટયા હતા જ્યારે બોન્ડ તથા ટ્રીઝરીના ભાવ ઉંચકાયા હતા ચીનમાં ડઝનથી વધુ પ્રોવિન્સ (પ્રાંતો)માં લ્યુમાર નવા વર્ષની રજાઓ એક સપ્તાહથી પણ વધુ લંબાવાયાના સમાચાર હતા.
આના પગલે ત્યાં ટુ-થર્ડ ઓફ ધી ઈકોનોમિમાં ચક્રો ફરતાં થંભી ગયા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે ચીનના શેરબજારો સોમવારે ફરી ખુલવાના છે અને ત્યાં સોમવારે ખુલતી બજારે શેરોના ભાવમાં કડાકો બોલાવાની શકયતા જાણકારો આજે બતાવી રહ્યા હતા.