Get The App

ઈરાન સાથે ક્રૂડ બિઝનેસ કરવો પડ્યો મોંઘો, અમેરિકાએ ભારતની એક સહિત છ કંપની પર મૂક્યા પ્રતિબંધ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ઈરાન સાથે ક્રૂડ બિઝનેસ કરવો પડ્યો મોંઘો, અમેરિકાએ ભારતની એક સહિત છ કંપની પર મૂક્યા પ્રતિબંધ 1 - image


USA Banned 6 Crude Oil Business In Iran: અમેરિકાએ ઈરાનમાંથી ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં સામેલ છ કંપનીઓ અને અનેક જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની પણ એક-એક ઓઈલ કંપની સામેલ છે. અમેરિકા ઈરાન પર આર્થિક દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે માહિતી અમેરિકાના વિદેશ મંત્રાલય અને ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન અસેટ્સ કંટ્રોલ (OFAC)એ આપી છે.

પાકિસ્તાનના લાહોરમાં સ્થિત એલાયન્સ એનર્જી પ્રાઈવેટ લિ. અને નવી દિલ્હીની સાઈ સાબુરી કન્સલ્ટિંગ સર્વિસિઝના ઈરાન ક્રૂડ બિઝનેસ પર પ્રતિબંધ લાદ્યો છે. OFAC અનુસાર, આ કંપનીઓ ઈરાનના ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સને ગુપ્ત રૂપે મોકલવામાં સામેલ એક નેટવર્કનો હિસ્સો હોવાનો દાવો કરાયો છે. જે અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરે છે.

પ્રતિબંધનું કારણ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર આર્થિક દબાણ લાદવા માગે છે. જેથી તેમણે ઈરાનની ક્રૂડ નિકાસને ઘટાડતાં પ્રતિબંધો મૂક્યા છે. અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઈલ વિકાસ અને ક્ષેત્રીય પ્રભાવને સીમિત કરવા માગે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, અમે ઈરાનની કમાણીના સ્રોતોને ટાર્ગેટ બનાવતા રહીશું. જેથી ત્યાં નાણાકીય સંસાધનો ખૂટી પડે. અને તે ઝૂકવા મજબૂર બને.

પાકિસ્તાનની એલાયન્સ એનર્જી પ્રા.લિ. પહેલાંથી જ અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા માટે બ્લેકલિસ્ટ થઈ ચૂકી છે. તદુપરાંત યુએઈ, ઈરાન અને પનામા સહિત કંપનીઓ અને તેના જહાજોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. સાઈ સાબુરી કન્સલ્ટિંગ સર્વિસિઝના બે એલપીજી ટેન્કર, નીલ અને બેટેલૂરના કોમર્શિયલ મેનેજર રૂપે કામ કરવાનો આરોપ છે. જે ઈરાન ક્રૂડના પરિવહનમાં સામેલ હતાં.

આ પણ વાંચોઃ મરાઠી વિવાદમાં હિન્દુત્વની એન્ટ્રી: ભાજપ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપતા કહ્યું- મુસ્લિમ વિસ્તારમાં જઈને બતાવો

ઈરાનના શેડો ફ્લિટ અને ક્રૂડ બિઝનેસ

અમેરિકાએ દાવો કર્યો છે કે, ઈરાન પોતાની ક્રૂડ નિકાસ જાળવી રાખવા માટે શેડો ફ્લિટ અથવા ડાર્ક ફ્લિટનો ઉપયોગ કરે છે. જે ગુપ્ત રૂપે ક્રૂડ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ ટ્રાન્સફર કરે છે. આ જહાજ પોર્ટની ક્ષેત્રીય સરહદોની બહાર જહાજથી જહાજ ટ્રાન્સફર મારફત ક્રૂડનો સપ્લાય છુપાવી શકે છે. આ પ્રકારના બિઝનેસ મુખ્યરૂપે ચીન જેવા દેશોને ટાર્ગેટ કરે છે. જે ઈરાનનો સૌથી મોટો ક્રૂડ ખરીદદાર છે.

અગાઉ ચાર ભારતીય કંપનીઓ પર લાદ્યા હતા પ્રતિબંધ

અમેરિકાએ અગાઉ પણ ભારતીય કંપનીઓના ઈરાન ક્રૂડ બિઝનેસ પર પ્રતિબંધ લાદ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ચાર અન્ય ભારતીય કંપનીઓ પર આ પ્રકારના આરોપો મૂકી પ્રતિબંધ લાદવામાં આવ્યા હતાં. ઓક્ટોબર, 2024માં ભારતની ગબ્બારો શિપ સર્વિસિઝ અને ડિસેમ્બર, 2024માં બે અન્ય ભારતીય શિપિંગ કંપનીઓ પર પણ પ્રતિબંધ લાદ્યા હતાં.

ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદ લાગુ થયા હતા. પરંતુ 2018માં ટ્રમ્પ સરકાર દ્વારા ઈરાન પરમાણુ કરાર દૂર થયા બાદ તેમાં તેજી આવી હતી. આ પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ ઈરાનના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને અટકાવવો તેમજ ક્ષેત્રીય આતંકવાદી જૂથોના સમર્થનમાં ઘટાડો કરવાનો છે. હાલના મહિનામાં ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલા બાદ આ પ્રતિબંધ આકરો બનાવવામાં આવ્યો છે.

ઈરાન સાથે ક્રૂડ બિઝનેસ કરવો પડ્યો મોંઘો, અમેરિકાએ ભારતની એક સહિત છ કંપની પર મૂક્યા પ્રતિબંધ 2 - image

Tags :