ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-India Trade Relations: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈનને આડે હવે માત્ર બે દિવસ બાકી છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતાઓ જળવાઈ રહી છે. બંને પક્ષે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં હજુ સુધી નક્કર જાહેરાત કરવામાં આવી નથી. આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, હજુ વેપાર કરારમાં વધુ સમય લાગી શકે છે.
યુએસ ટ્રેડના પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે, ભારત સાથે વધુ વાટાઘાટોની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારતના સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાના લાંબા સમયથી ચાલતા અભિગમના કારણે વેપાર કરારમાં અમુક વસ્તુઓ વધુ જટિલ બની છે. જેથી વધુ સમય લાગી રહ્યો છે. અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેઓએ પોતાના માર્કેટમાં અમારા માટે તકો ખુલ્લી મુકવા સમર્થન આપ્યું હતું. પરંતુ અમારે અમારા મિત્ર દેશ ભારત સાથે વધુ વાટાઘાટ કરવાની જરૂર છે કે, વાસ્તવમાં તેઓ શું ઈચ્છે છે.
ભારતની વેપાર નીતિને સમજી રહ્યા છીએઃ ગ્રીર
ગ્રીરે વધુમાં જણાવ્યું કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અપેક્ષા રાખે છે કે વેપાર કરાર નોંધપાત્ર રીતે બજારો ખોલશે, જેમાં ભાગીદાર દેશના અર્થતંત્રના મોટા ભાગો સુધી પહોંચી શકાશે. પરંતુ ભારત સાથે સમજવા જેવી વાત એ છે કે તેની વેપાર નીતિ ઘણા લાંબા સમયથી ચાલતાં તેના સ્થાનિક બજારને મજબૂત રીતે સુરક્ષિત રાખવા પર આધારિત છે. તેઓ આ અભિગમ પર બિઝનેસ કરે છે. જેના લીધે વેપાર કરારમાં અડચણો ઉભી થઈ છે.
ભારત-યુએસ વેપાર સંબંધો મુદ્દે હજુ પણ મૂંઝવણ
ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે અગાઉ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વેપાર કરારમાં 26 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રદ કરવામાં આવી શકે. પરંતુ ગત સપ્તાહે તેમણે નિવેદન આપ્યું હતું કે, ભારત-યુએસ વેપાર સંબંધમાં કોઈ મુદ્દા પર અડગ નથી. હાલ ચાલી રહેલી વેપાર મંત્રણામાં ઈમિગ્રેશન-એચ1બી વિઝા જેવા મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ નથી.
આ પણ વાંચોઃ 4 હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાઉ જવાબ
આ મુદ્દાઓ પર વાત અટકી
ભારત અને અમેરિકા વેપાર કરારમાં વિલંબ પાછળનું એક કારણ એલ્યુમિનિયમ અને તાંબા પર અમેરિકા તરફથી લાદવામાં આવેલો ઊંચો ટેરિફ છે. ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગુ 50 ટકા અને ઓટો સેક્ટરમાં 25 ટકા ટેરિફમાં રાહત ઈચ્છે છે. જ્યારે ડેરી અને કૃષિ પ્રોડ્કટ્સ પર અમેરિકાને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવાના પક્ષમાં નથી. કારણકે, તેની સીધી અસર ભારતના સમૃદ્ધ કૃષિ સેક્ટર પર પડશે. ખેડૂતોને મોટું નુકસાન થશે.
બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, ભારત પેટ્રોકેમિકલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગાડીઓ અને ઔદ્યોગિક સામાનો પર લાગુ ટેરિફ ઘટાડે. વધુમાં અમેરિકા દ્વારા કેળા, જુતા-ચપ્પલ, પ્લાસ્ટિક અને હસ્તકળા જેવી પ્રોડક્ટ્સ પર ટેરિફના દરો ઘટાડવા મુદ્દે સહમતિ બની રહી નથી.
શું ડેડલાઈન ફરી લંબાવાશે?
અમેરિકાએ 1 એપ્રિલના રોજ રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. પરંતુ બાદમાં તેમાં 90 દિવસની રાહત આપી હતી. ત્યારબાદ ટ્રમ્પે 9 જુલાઈના રોજ લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફને ફરી લંબાવી 1 ઓગસ્ટે લાગુ કરવાની જાહેરાત કરી હતી. ડેડલાઈન લંબાવવા પાછળનું કારણ ભારત સહિત અન્ય દેશો સાથે વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી મંત્રણાઓ હતી. હવે ફરી પાછું અમેરિકાના પ્રતિનિધિનું ભારત સાથે વધુ વાટાઘાટોની જરૂરનું નિવેદન આ ડેડલાઈનમાં વધારો કરશે કે કેમ તેના પર આશંકાઓ ઉભી કરી રહ્યું છે.
બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધ
ભારત-યુએસ વેપાર કરાર મુદ્દો અટવાયેલો હોવા છતાં બંને વચ્ચે મજબૂત વેપાર સંબંધ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની અમેરિકામાં નિકાસ 22.8 ટકા વધી 25.51 અબજ ડોલર થઈ હતી. જ્યારે અમેરિકામાંથી આયાત 11.68 ટકા વધી 12.86 અબજ ડોલર નોંધાઈ હતી.








