Business

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા

By GS Team
17 Feb 20262 mins read
જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા

- સતત ત્રીજા મહિને જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ

- ખાદ્ય, બિન ખાદ્ય અને મેન્યુફેકચરિંગ વસ્તુઓની કીંમતોમાં માસિક ધોરણે વૃદ્ધિ થવાથી જથ્થાબંધ ફુગાવામાં વધારો

નવી દિલ્હી : દેશમાં જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરીમાં સતત ત્રીજા મહિને વધીને ૧.૮૧ ટકાએ પહોંચી ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે.  ખાદ્ય વસ્તુઓ, બિન ખાદ્ય વસ્તુઓ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓની કીંમતોમાં માસિક ધોરણે વૃદ્ધિ થવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. 

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવાનો દર ગયા વર્ષે જાન્યુઆરીમાં ૨.૫૧ ટકા જ્યારે ડિસેમ્બર, ૨૦૨૫માં ૦.૮૩ ટકા રહ્યો હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી, ૨૦૨૬માં જથ્થાબંધ ફુગાવો વધવાનું મુખ્ય કારણ બેઝિક મેટલનું મેન્યુફેકચરિંગ, અન્ય મેન્યુફેકચરિંગ, બિન ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ તથા વસ્ત્રો વગેરેની કીંમતમાં વૃદ્ધિ હતી.

ડબ્લ્યુપીઆઇનાં આંકડા અનુસાર જાન્યુઆરીમાં ખાદ્ય વસ્તુઆનો ફુગાવો ૧.૫૫ ટકા રહ્યો જ્યારે ડિસેમ્બરમાં તેમાં ૦.૪૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

શાકભાજીનો ફુગાવો જાન્યુઆરીમાં ૬.૭૮ ટકા અને જ્યારે ડિસેમ્બરમાં તેમાં ૩.૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેન્યુફેકચરિંગ વસ્તુઓનો ફુગાવોે જાન્યુઆરીમાં  વધીને ૨.૮૬ ટકા અને ડિસેમ્બરમાં ૧.૮૨ ટકા હતો.

બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો જાન્યુઆરીમાં ૭.૫૮ ટકા જ્યારે ડિસેમ્બરમાં ૨.૯૫ ટકા હતો. ઇંધણ અને વીજળી ે સેક્ટરનો ફુગાવો જાન્યુઆરીમાં ૪.૦૧ ટકા અને ડિસેમ્બરમાં ૨.૩૧ ટકા હતો. 

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૬માં રીટેલ ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો હતો.

જાન્યુઆરીમાં ભારતની નિકાસ 0.61 ટકા વધીને 36.56 અબજ ડોલર

નવી દિલ્હી : જાન્યુઆરીમાં ભારતની નિકાસ ૦.૬૧ ટકા વધીને ૩૬.૫૬ અબજ ડોલર રહી છે તેમ વાણિજય સચિવ રાજેશ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ જાન્યુઆરીમાં આયાત ૧૯.૨ ટકા વધીને ૭૧.૨૪ અબજ ડોલર રહી છે. જાન્યુઆરી, ૨૦૨૫માં ભારતની આયાત ૫૯.૭૭ અબજ ડોલર રહી હતી.  જાન્યુઆરીમાં વેપાર ખાધ ૩૪.૬૮ અબજ ડોલર રહી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ગુડ્ઝ અને સર્વિસ બંને સેક્ટરમાં દેશની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  એપ્રિલથી જાન્યુઆરી સુધીના સમયગાળામાં નિકાસ ૨.૨૨ ટકા વધીને ૩૬૬.૬૩ અબજ ડોલર રહી છે.