- સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો નેગેટિવ રહ્યો
- માસિક ધોરણે કઠોળ અને શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોનાં ભાવમાં વધારો જોવા મળ્યો
નવી દિલ્હી : નવેમ્બરમાં સતત બીજા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો નેગેટિવ રહ્યો છે. સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર નવેમ્બર, ૨૦૨૫માં જથ્થાબંધ ફુગાવો માઇનસ ૦.૩૨ ટકા રહ્યો છે. જો કે માસિક ધોરણે કઠોળ અને શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ભાવાંક (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં માઇનસ ૧.૨૧ ટકા અને ગયા વર્ષે નવેમ્બરમાં ૨.૧૬ ટકા હતો.
જો કે વાર્ષિક ધોરણે નવેમ્બર દરમિયાન ફુગાવાનો નકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓનાં ઉત્પાદન અને વીજળીના ભાવમાં ઘટાડો થવાને કારણે થયો હતો તેમ ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
એપ્રિલથી શરૂ કરીને છેલ્લા આઠ મહિનાથી ખાદ્ય પદાર્થોમાં સતત નેગેટિવ ફુગાવો (ડિફલેશન) જોવા મળી રહ્યો છે. ખાદ્ય પદાર્થોનોે ડિફલેશન નવેમ્બરમાં ૪.૧૬ ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં ૮.૩૧ ટકા હતો.
શાકભાજીની વાત કરીએ તો નવેમ્બરમાં શાકભાજીનો નેગેટિવ ફુગાવો (ડિફલેશન) ૨૦.૨૩ ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં ૩૪.૯૭ ટકા હતો.
નવેમ્બરમાં કઠોળનો ફુગાવો માઇનસ ૧૫.૨૧ ટકા રહ્યો છે. જ્યારે બટાકા અને ડુંગળીનો ફુગાવો અનુક્રમે માઇનસ ૩૬.૧૪ ટકા અને ૬૪.૭૦ ટકા રહ્યો છે. મેન્યુફેકચરિંગ વસ્તુઓનો ફુગાવો નવેમ્બરમાં ઘટીને ૧.૩૩ ટકા રહ્યો છે. જે ઓક્ટોબરમાં ૧.૫૪ ટકા હતો. નવેમ્બરમાં ઇંધણ અને વીજળીનો ફુગાવો માઇનસ ૨.૨૭ ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં માઇનસ ૨.૫૫ ટકા હતો.


