દુનિયામાં સૌથી મોટો ઓઈલ ભંડાર કોની પાસે? સાઉદી કે રશિયા કરતાં પણ વધુ, અમેરિકા તો ઘણું પાછળ
Crude Oil Reserves and Imports: વિશ્વની અનેક અર્થવ્યવસ્થાઓ સૌથી મહત્ત્વની પ્રાકૃતિક સંપત્તિઓ પૈકી એક ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. તેની કિંમતોમાં ફેરફારના કારણે ઘણા દેશોની આર્થિક સ્થિતિ ડગમગી જાય છે. જે દેશો પાસે ક્રૂડ ઓઈલનો સૌથી વધુ ભંડાર છે, તેની ઈકોનોમી મજબૂત હોય છે. તે દેશોમાં થતાં ફેરફારો વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર અસર કરે છે. આવો જાણીએ કયા દેશ પાસે છે ક્રૂડ ઓઈલનો સૌથી વધુ ભંડાર...
આ દેશ પાસે છે સૌથી વધુ ઓઈલ રિઝર્વ
સાઉદીથી માંડી ઈરાન, ઈરાક, અને રશિયા ક્રૂડ ઓઈલનો વિપુલ જથ્થો હોવાનો મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે. પરંતુ ક્રૂડ ઓઈલના સૌથી વધુ ભંડાર મામલે આ દેશ નંબર વન નથી. વર્લ્ડોમીટર પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ક્રૂડ ઓઈલનો સૌથી વધુ ભંડાર વેનેઝુએલા પાસે છે. વેનેઝુએલા પાસે 303008 મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે. આ દેશ પાસે ક્રૂડનો આટલો બધો જથ્થો હોવા છતાં તેની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાંની 80 ટકા વસ્તી ગરીબીમાં જીવી રહી છે. આ દેશ વિશ્વમાં સૌથી વધુ ફુગાવો ધરાવતા ટોપ-5 દેશોમાં સામેલ છે.
ઓઈલનો ભંડાર ધરાવતા ટોપ-5 દેશ
વેનેઝુએલા બાદ સૌથી વધુ ઓઈલ રિઝર્વ ધરાવતા ટોપ-5 દેશોની વાત કરીએ તો, બીજા ક્રમે સાઉદી અરેબિયા છે. તેની પાસે 267230 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો છે. જો કે, તેની ઈકોનોમી સમૃદ્ધ છે. ઓઈલ ઉત્પાદનમાં અગ્રણી હોવાની સાથે તે ટુરિઝમ, ટેક્નોલોજી સહિત અન્ય સેક્ટર્સમાં પણ અગ્રેસર છે. 208600 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ સાથે ઈરાન ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે ઈરાક છે. જેની પાસે 145019 મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે. પાંચમા ક્રમે 1,13,000 મિલિયન બેરલ સાથે યુએઈ છે. કેનેડા, કુવૈત અને લીબિયા જેવા દેશો ટોપ-10 લિસ્ટમાં સામેલ છે.
આ પણ વાંચોઃ અમેરિકા પાસે હથિયારો ખૂટ્યાં? યુક્રેન-ઈઝરાયલ જેવા યુદ્ધગ્રસ્ત દેશોને સપ્લાય અટકાવ્યો
રશિયા-યુએસ પાસે છે આટલો ભંડાર
ક્રૂડ ઓઈલના જોર પર ઈરાન અને ઈરાક જેવા દેશોની સંપૂર્ણ ઈકોનોમી ટકી છે. મજબૂત ઈકોનોમીની સાથે ઓઈલ રિઝર્વ પણ વિપુલ પ્રમાણમાં છે. આ યાદીમાં અમેરિકા અને રશિયા અને ચીન પણ સામેલ છે. રશિયા પાસે 80000 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ છે. અમેરિકા પાસે 47730 મિલિયન બેરલ, અને ચીન પાસે 27889 મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે.
ક્રૂડની આયાતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
ક્રૂડની આયાતની વાત કરીએ તો, અમેરિકા અને ચીન પાસે ક્રૂડ રિઝર્વ હોવા છતાં તે ક્રૂડની આયાત કરવામાં પ્રથમ અને બીજા ક્રમે છે. વપરાશ અધિક હોવાથી સમૃદ્ધ દેશો ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યા છે. ત્રીજા ક્રમે ભારત છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ આયાત કરે છે. ભારતનો 40 ટકા ક્રૂડ પુરવઠો ઈરાનના કબજા હેઠળના સ્ટ્રેટ ઓફ હોર્મુજ માર્ગ મારફત પૂરો પાડે છે. મધ્ય-પૂર્વમાં તણાવ સતત વધતાં ભારતે હવે રશિયા અને અમેરિકા પાસેથી ક્રૂડની આયાત વધારી છે.