For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘઉંની ખેંચ પડશેઃ સરકાર ત્વરીત પગલાં નહીં લે તો ભાવ વધુ ભડકવા વકી

Updated: Jan 24th, 2023

ઘઉંની ખેંચ પડશેઃ સરકાર ત્વરીત પગલાં  નહીં લે તો ભાવ વધુ ભડકવા વકી

ઘઉંની પૂરવઠા ખેંચને  પગલે  કિંમતમાં સતત વધારો

માલની અછતને પરિણામે ફલોર મિલો માટે કામ કરવાનું કઠીનઃ નવો પાકને હજુ બે મહિનાનું છેટું 

 મુંબઈ: ઘરઆંગણે પૂરવઠો વધારી ઘઉંના વધતા ભાવને અંકૂશમાં લેવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું જણાય રહ્યું છે. ગયા વર્ષે દેશમાં ઘઉંનો પાક નીચો ઊતરતા સરકાર દ્વારા ટેકાના ભાવે નીચી ખરીદી રહી હતી જેને કારણે સરકાર બજારમાં પૂરતો માલ ઠાલવવામાં નિષ્ફળ રહી હોવાનું ચર્ચાય રહ્યું છે. 

વર્તમાન મહિનામાં ઈન્દોર બજારમાં ઘઉંના ભાવ સાત ટકા જેટલા વધી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૯૪૦ આસપાસ બોલાઈ રહ્યા છે, જ્યારે દિલ્હી મંડીમાં ભાવ રૂપિયા ૩૧૫૦ કવોટ થઈ રહ્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૨માં  ભાવમાં ૩૫ ટકા જેટલો વધારો થયો હતો. 

ઘરઆંગણે નીચો પાક ઊતરતા સરકારે ગયા વર્ષના મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નિકાસ પર પ્રતિબંધ છતાં સ્થાનિક બજારોમાં ઘઉંના વિક્રમી ઊંચા ભાવનો અર્થ સરકાર પાસે પૂરતો માલ નહીં હોવાનું કહી શકાય એમ એક ટ્રેડરે જણાવ્યું હતું. ખેડૂતોએ પોતાનો માલ વેચી દીધો છે અને ટ્રેડરો પાસે પણ સ્ટોકસ ખાલી થઈ ગયો છે અને માગ વધી રહી છે, જેને પરિણામે ભાવ ઊંચકાઈ રહ્યા છે. આગામી પંદર દિવસમાં જો સરકાર બજારમાં માલ નહીં ઠાલવે તો ભાવમાં બીજા પાંચથી છ ટકાનો વધારો જોવા મળવા સંભવ છે, એમ પણ એક ટ્રેડરે જણાવ્યું હતું.

ઘઉંની અછતને કારણે આટા તથા મેંદાનો પૂરવઠો પણ ખોરવાઈ ગયાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. આટા-મેંદાના અભાવે બેકરી પ્રોડકટસના ઉત્પાદકોની ચિંતામાં વધારો થયો છે. ઘઉંનો પૂરવઠો ધીમો પડી ગયો હોવાથી ફલોર મિલો પણ ક્ષમતાના ૬૦થી ૬૫ ટકા પર કામ કરી રહી હોવાનું જણાવાયું હતું. ગયા વર્ષે ઘઉંનું ઉત્પાદન નીચું રહેતા ખેડૂતોએ પણ સરકારને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે પોતાનો માલ વેચ્યો હતો. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.


Gujarat