Business

8મું પગાર પંચ લાગુ થતાં જ પહેલા તમે નિવૃત્ત થઇ ગયા તો? જાણો પગાર વધારાનો ફાયદો થશે કે નહીં?

By GS Team
12 Nov 20264 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2026થી નવી પગાર વ્યવસ્થા લાગુ થવાની શક્યતા છે. નિવૃત્તિ નજીક હોય તેવા કર્મચારીઓને પણ લાભ મળી શકે છે. જો સરકાર પૂર્વવર્તી તારીખથી ભલામણો લાગુ કરશે, તો તેમને વધેલા પગારનું એરિયર્સ અને સુધારેલું પેન્શન પણ મળી શકે છે. જોકે, અંતિમ નિર્ણય સરકારના આદેશો પર નિર્ભર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

8મું પગાર પંચ લાગુ થતાં જ પહેલા તમે નિવૃત્ત થઇ ગયા તો? જાણો પગાર વધારાનો ફાયદો થશે કે નહીં?

8th Pay Commission Retirement Benefits : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ 8મા પગાર પંચ (8th Pay Commission)ની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઘણા એવા કર્મચારીઓ છે, જેઓ નિવૃત્તિની નજીક છે. તેમના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે જો 8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં તેઓ નિવૃત્ત થઈ જશે તો શું તેમને વધેલા પગાર અને એરિયર્સનો લાભ મળશે? નિવૃત્તિ પછી તેમની પેન્શન પણ વધશે કે નહીં? રાહતની વાત એ છે કે 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થવાથી કર્મચારી આપમેળે તેના લાભથી વંચિત થઈ જતો નથી. જોકે, કોને અને કેટલો લાભ મળશે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી નવી પગાર વ્યવસ્થાની અમલી તારીખ અને પાત્રતાના નિયમો પર નિર્ભર રહેશે.

1 જાન્યુઆરી 2026ની તારીખની કેમ થઈ રહી છે ચર્ચા?

કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 28 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટે તેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR)ને મંજૂરી આપી હતી અને 3 નવેમ્બર 2025ના રોજ આયોગની રચના કરવામાં આવી હતી. આયોગને પોતાની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ આયોગનાં અધ્યક્ષ છે. જ્યારે IIM બેંગલુરુના પ્રોફેસર પુલક ઘોષ અને વરિષ્ઠ IAS અધિકારી પંકજ જૈન તેના અન્ય બે સભ્યો છે. અગાઉના પગાર પંચની અમલીકરણ પદ્ધતિને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરી 2026ને નવી પગાર વ્યવસ્થાની સંભવિત અમલી તારીખ માનવામાં આવી રહી છે. જોકે, સરકારે હજુ સુધી આ તારીખને અંતિમ મંજૂરી આપી નથી. ઓગસ્ટ 2026માં નાણાં મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે 8મા પગાર પંચે હજુ સુધી પોતાની ભલામણો સરકારને સોંપી નથી. તેથી નવો પગાર અને પેન્શન ક્યારથી લાગુ થશે તે હજુ નક્કી નથી.

પહેલાં નિવૃત્ત થશો તો શું પગારનું એરિયર્સ મળશે?

આ સવાલનો જવાબ નવી પગાર વ્યવસ્થાની અમલી તારીખ પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે, કોઈ કર્મચારી વર્ષ 2027માં નિવૃત્ત થાય છે અને ત્યારબાદ સરકાર 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરે છે, તો કર્મચારીને તેની પાત્ર સેવા અવધિ માટે જૂના અને નવા પગાર વચ્ચેનો તફાવત એરિયર્સ તરીકે મળી શકે છે. એટલે કે નવી સેલરી ખાતામાં જમા થવાની તારીખ જ એરિયર્સની પાત્રતા નક્કી કરતી નથી. જો સરકાર પાછલી તારીખથી નવી પગાર વ્યવસ્થા લાગુ કરે અને કર્મચારી તે સમયગાળા દરમિયાન નોકરીમાં હોય, તો તેને સંબંધિત સમયગાળાનું બાકી એરિયર્સ મળી શકે છે. જોકે, આ માટે સરકારના અંતિમ આદેશમાં નક્કી કરવામાં આવેલી શરતો મહત્ત્વની રહેશે.

નિવૃત્તિ પછી પણ વધી શકે છે પેન્શન?

8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં પેન્શન સંબંધિત ફેરફારોનો પણ સમાવેશ થાય છે. તેથી અગાઉ નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને પણ લાભ મળવાની શક્યતા છે. જો સરકાર મંજૂર ભલામણો હેઠળ હાલના પેન્શનર્સની પેન્શનમાં સુધારો કરે છે, તો અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારીઓની માસિક પેન્શન પણ વધી શકે છે.

જોકે, અહીં એક બાબત સમજવી જરૂરી છે. નિવૃત્તિ પછી કર્મચારીને નવા પગારનું એરિયર્સ મળતું નથી, કારણ કે તે હવે સેવામાં નથી. તેના કિસ્સામાં લાભ સુધારેલી પેન્શનના સ્વરૂપમાં મળી શકે છે. જો નવી પેન્શન પાછલી તારીખથી લાગુ કરવામાં આવે તો જૂની અને સુધારેલી પેન્શન વચ્ચેનો તફાવત પેન્શન એરિયર્સ તરીકે મળી શકે છે.

પગાર અને પેન્શનના એરિયર્સની ગણતરી કેવી રીતે થશે?

8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનના એરિયર્સની ગણતરી અલગ-અલગ રીતે કરવામાં આવશે.

  • નોકરીમાં ચાલુ કર્મચારીઓ: પાત્ર સમયગાળા દરમિયાન મળતા જૂના બેઝિક પગાર અને નવા સુધારેલા બેઝિક પગાર વચ્ચેનો તફાવત ગણવામાં આવશે. આ ઉપરાંત સરકારી નિયમો મુજબ અન્ય ભથ્થાંની ગણતરી પણ થઈ શકે છે.
  • નિવૃત્ત કર્મચારીઓ: જૂની પેન્શન અને સુધારેલી નવી પેન્શન વચ્ચેનો તફાવત ગણવામાં આવશે. જો નવી પેન્શન પાછલી તારીખથી લાગુ થાય તો સંબંધિત સમયગાળાનું એરિયર્સ મળી શકે છે.
    જોકે, બંને કિસ્સામાં અંતિમ ગણતરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નિયમો અને આદેશો પ્રમાણે જ થશે.

નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે કે નહીં, તે 3 બાબતો પર નિર્ભર
8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે મુખ્યત્વે ત્રણ બાબતો મહત્ત્વની રહેશે.

  1. સરકાર નવી પગાર વ્યવસ્થા કઈ તારીખથી અમલી બનાવે છે.
  2. નવી વ્યવસ્થામાં અગાઉ નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનર્સનો સમાવેશ કરવામાં આવે છે કે નહીં.
  3. એરિયર્સની ચુકવણી અને તેની ગણતરી માટે સરકાર કઈ શરતો નક્કી કરે છે.
    આથી 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓએ એવું માની લેવાની જરૂર નથી કે તેઓ તમામ લાભથી વંચિત રહી જશે. જોકે, દરેક નિવૃત્ત કર્મચારીને આપમેળે એરિયર્સ મળશે તેવી પણ કોઈ ખાતરી નથી. આ અંગેની અંતિમ સ્થિતિ સરકારની મંજૂરી અને સત્તાવાર નિયમો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.