આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી; જુઓ લિસ્ટ
GST 2.0: ભારતની ઈનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર 22 સપ્ટેમ્બરથી એટલે કે આજથી અમલમાં આવશે. આ ફેરફાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાના રૂપે લાભ આપશે. GST કાઉન્સિલે (કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં) સપ્ટેમ્બરની શરૂઆતમાં આ સુધારાને મંજૂરી આપી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કર માળખાને સરળ બનાવવા, વપરાશને પ્રોત્સાહન આપવા અને દરોને તર્કસંગત બનાવવાનો છે. જેમાં સામાન્ય માણસને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે. ચાલો વિગતવાર જાણીએ...
આ બે મોટા ફેરફાર કરવામાં આવ્યા
1. જીએસટી સ્લેબમાં ઘટાડોઃ જીએસટીને સરળ બનાવતાં સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 22 સપ્ટેમ્બરથી હવે મોટાભાગની પ્રોડક્ટ્સ પર 5 ટકા અને 18 ટકા જીએસટી લાગુ થશે. અત્યારસુધી 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના ચાર સ્લેબ લાગુ હતા.
2. સ્પેશિયલ સ્લેબઃ જીએસટી કાઉન્સિલે લકઝરી પ્રોડક્ટ્સ તેમજ હાનિકારક પદાર્થો પર એક વિશેષ જીએસટી લાગુ કર્યો છે. આ સ્પેશિયલ સ્લેબ 40 ટકા જીએસટીનો છે. તમાકુ, આલ્કોહોલ, એરેટેડ ડ્રિંક્સ, લકઝરી પ્રોડક્ટ્સ પર હવેથી 40 ટકા જીએસટી લાગુ થશે.
આ ચીજો થશે સસ્તી
1. રોજિંદા જીવનજરૂરી વસ્તુઓઃ હાલમાં 12% GST હેઠળની ઘરગથ્થુ વસ્તુઓ હવે 5% સ્લેબ હેઠળ આવી શકે છે.
- ટૂથપેસ્ટ, સાબુ અને શેમ્પૂ
- બિસ્કિટ, નાસ્તા અને જ્યુસ જેવા પેકેજ્ડ ખોરાક
- ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવી ડેરી પ્રોડક્ટ્સ
- સાયકલ અને સ્ટેશનરી
- ચોક્કસ કિંમત સુધીના કપડાં અને જૂતા
આ પણ વાંચોઃ GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે
2. ઘરગથ્થુ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સઃ હાલમાં 28%ના દરે મળતી વસ્તુઓ પર 18% સુધીનો જીએસટી લાગુ થશે. જેથી કિંમતોમાં લગભગ 7-8% ઘટાડો થઈ શકે છે. આમાં શામેલ છે:
- એર કંડિશનર
- રેફ્રિજરેટર અને ડીશવોશર
- મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન
- સિમેન્ટ (બાંધકામ અને રહેઠાણ માટે મહત્વપૂર્ણ)
3. ઓટોમોબાઇલ્સઃ આ ફેરફારથી ઓટો સેક્ટરને પણ નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે:
- નાની કાર (1,200cc કરતા ઓછા એન્જિનવાળી) પર GST 28% થી ઘટાડીને 18% થયો છે.
- ટુ-વ્હીલર (ભારતની ગતિશીલતાની કરોડરજ્જુ) પણ નીચા ટેક્સ સ્લેબમાં સામેલ છે.
- મોટી લક્ઝરી કાર અને SUV પર ઊંચો 40 ટકા જીએસટી લાગુ થશે, પણ અન્ય સેસ દૂર થતાં સરવાળે લાભ મળશે.
4. વીમા અને નાણાકીય સેવાઓઃ હાલમાં, વીમા પ્રીમિયમ 18% GST ને આધીન છે, GST ૨.૦ માં આ પ્રીમિયમને નીચા સ્લેબ હેઠળ લાવવામાં આવ્યો છે. તેમજ કેટલાક કિસ્સાઓમાં, સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. પરિણામે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કવરેજ વધશે, જેનાથી નાણાકીય સુરક્ષા અને આરોગ્ય/જીવન સંબંધિત જોખમો ઘટશે.
કાલથી શું વધુ મોંઘું થશે?
- GST 2.0 પછી પણ બધું સસ્તું નહીં થાય. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમુક વસ્તુઓ પર 40% જીએસટી લાગુ રહેશે.
- તમાકુ ઉત્પાદનો, દારૂ અને પાન મસાલા
- ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ
- પેટ્રોલિયમ ઉત્પાદનો હજુ પણ GST ના દાયરાની બહાર છે, તેથી ઇંધણના ભાવ પર કોઈ રાહત રહેશે નહીં.
- જેમ્સ એન્ડ જ્વેલરી પર પણ ઊંચા દરે જીએસટી લાગુ રહેશે.