ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ
Images Sourse: IANS |
Vegetable Prices: કૃષિ ઉત્પન્ન બજારના વેપારીઓ ખેડૂતોની પાસે પાણીના મોલે શાકભાજી ખરીદી રહ્યા છે, તે જ શાકભાજી છૂટક ગ્રાહકો પાસે પહોંચે ત્યાં સુધીમાં ભાવમાં 100થી 150 ટકાનો વધારો કરીને લૂંટ ચલાવી રહ્યા છે. આમ કોઈપણ ઘરના રસોડામાં શાકભાજી વિના ન ચાલે તે સ્થિતિનો ગેરલાભ ઊઠાવીને એપીએમસીના કાર્ટેલ કરી બેઠેલાં વેપારીઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. તેમની આ લૂંટ સામે સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવી સ્થિતિ છે. કારણ કે દક્ષિણના રાજ્યમાં શાકભાજીના પણ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ગુજરાત સરકાર ઉદાસિન છે. ગેરલાભ કાર્ટેલ રચીને કામ કરતાં વેપારીઓ ઊઠાવી રહ્યા છે. પરિણામે લોકો લૂંટાઈ રહ્યા છે અને સરકાર ઊંઘી રહી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
વરસાદનું જોર ઓછું થતાં શાકભાજીના ભાવ તૂટવાની શરૂઆત થઈ!
આગામી ચાર દિવસમાં શાકભાજીના ભાવ તૂટી જવાની સંભાવના છે. કારણ કે સ્થાનિક સ્તરેથી નવો ફાલ આવવા માંડ્યો છે. પરંતુ ગુજરાતમાં પંદર જૂનથી વરસાદી વાતાવરણનો પ્રભાવ વધી જતાં શાકભાજીના સપ્લાયમાં આવેલી કપાતનો લાભ ઊઠાવીને વેપારીઓએ ભાવ ઊંચકી લીધા હતા. છેલ્લા પાંચેક દિવસથી વરસાદનું જોર ઓછું થતાં ફરી સપ્લાય શરૂ થવા માંડતા હોલસેલ માર્કેટમાં એટલે કે કૃષિ ઉત્પન્ન બજાર સમિતીમાં વેચાણ માટે આવતા શાકભાજીના ભાવ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે.
જૂનો પાક પૂરો થવા આવતા પણ અને નવા પાકનો આરંભ થવાથી પણ સપ્લાય મંદ પડ્યો હતો. હવે નવા શાકભાજીનો ફાલ આવવા માંડતા ભાવ તૂટવા માંડ્યા છે. ચોથી જુલાઈના અરસામાં ચોળીના કિલોદીઠ ભાવ 50થી 200 રૂપિયાની રેન્જમાં પહોંચી ગયા હતા. પરંતું ચોળીનો નવો પુરવઠો કાઠિયાવાડના વિસ્તારમાંથી ચાલુ થઈ જતાં તેના કિલોદીઠ ભાવ 20થી 120ની રેન્જમાં આવી ગયા છે. બે ચાર દિવસમાં તેનો ભાવ વધુ ઘટવાની સંભાવના છે. અત્યાર સુધી નંદુરબાર અને દાહોદથી સપ્લાય આવતો હતો.
ખાસ્સો વપરાશ ધરાવતા રિંગણના ભાવ પખવાડિયા પૂર્વે કિલોદીઠ 20થી 60 રૂપિયા હતા તે હવે ઘટીને 10થી 35 રૂપિયાની રેન્જમાં આવી ગયા છે. જો કે આ પખવાડિયામાં કોબીના ભાવની રેન્જ 2થી 23 રૂપિયા હતી તે સહેજ ઘટીને 5થી 22 રૂપિયાની રેન્જમાં આવી ગઈ છે. ફુલાવરના ભાવ પણ 20થી 35 રૂપિયાની રેન્જમાં હતા તે ઘટીને 10થી 22 રૂપિયાની રેન્જમાં આવી ગયા છે. કોબી-ફુલાવરનો સપ્લાય મહારાષ્ટ્રથી આવે છે. તેની સામે ફુલાવરનો સપ્લાય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતો હોવાથી પણ તેનો ભાવ થોડો ઊંચકાયો હતો.
ચોથી જુલાઈના અરસામાં ભીંડાંના કિલોદીઠ ભાવ 40થી 70 રૂપિયાના બોલાતા હતા, તે હવે ઘટીને 20થી 45 રૂપિયા થઈ ગયા છે. ટીંડોળાના કિલોદીઠ ભાવમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે. આ જ રીતે પરવળના કિલોદીઠ ભાવ પખવાડિયા પૂર્વે 25થી 65 રૂરિયાની હતી તેમાં સહેજ વધારો જોવા મળ્યો છે. કિલોદીઠ ભાવ 40થી 55 રૂપિયાના થયા છે. આ જ રીતે મરચાં 20થી 60 રૂપિયાના કિલોદીઠ ભાવ હતા તે વધીને 20થી 85 રૂપિયાના થઈ ગયા છે. સરગવો ચોથી જુલાઈના અરસામાં કિલોદીઠ 15થી 95 રૂપિયાના ભાવે આવતો હતો. હાલમાં તે ઘટીને 10થી 45 રૂપિયાની રેન્જમાં આવી ગયો છે. સરગવાની કચ્છ-ભુજ ઉપરાંત મહારાષ્ટ્રની આવકો પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી નાસિકથી આવતી મેથીની ઝૂડીનો કિલોદીઠ 30થી 50 રૂપિયાના ભાવ બોલાતા હતા. તે હવે ઘટીને 20થી 35-40 રૂપિયાની રેન્જમાં આવી ગયા છે.
ગલકાના ભાવ કિલોદીઠ 20થી 50 રૂપિયાના પખવાડિયા પૂર્વે બોલતા હતા તે અત્યારે ઘટીને 10થી 30 રૂપિયાની રેન્જમાં આવી ગયા છે. ગલકાંની આવક એક અઠવાડિયામાં વધવા માંડી છે. હોલસેલ બજારમાં ભાવ તૂટી રહ્યા હોવા છતાંય છૂટક માર્કેટમાં વેપારીઓ દ્વારા લોકોને લૂંટવાનું ચાલુ જ છે.
ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ લઈ ખેડૂત-પ્રજા બંનેને ખંખેરતા વેપારીઓ
દરેક શાકભાજીને ચાર ગ્રેડમાં વિભાજિત કરીને તેના ભાવ નક્કી કરવામાં આવતા હોવાથી તેની ભાવની રેન્જ મોટી છે. ટોપ ગ્રેડમાં આવતો શાકભાજીનો સપ્લાય માંડ દસથી પંદર ટકાનો જ હોય છે. તેથી સરેરાશ ભાવ ખાસ્સો નીચો હોય છે.
ટામેટાંની તૂટતા ભાવ, બટાકા-ડુંગળી સ્થિર
ટામેટાંના ભાવ પણ તૂટી રહ્યા છે. 15 દિવસ પૂર્વે ટામેટાંના કિલોદીઠ ભાવ 20થી 35 રૂપિયાના હતા તે હાલ ઘટીને 15થી 30ની અંદર આવી ગયા છે. દેશી બટાકાના ભાવ પખવાડિયા પૂર્વે 8થી 12.50 રૂપિયાના હતા તે અત્યારે ઘટીને 6થી 12ની રેન્જમાં આવી ગયા છે. ડિસાના બટાકાના ભાવ 7.50થી 17ની રેન્જમાં હતા, તે આજે પણ તે જ રેન્જમાં જળવાઈ રહ્યા છે. તેની સામે ડુંગળીના ભાવમાં પણ નજીવી વધઘટ જોવા મળી છે. ડુંગળીના કિલોદીઠ 8થી18 રૂપિયા ભાવ બોલાતા હતા તે આજે 10થી 17 રૂપિયા છે.