ચીને ભારત સહિત વિશ્વભરનું વધાર્યું સંકટ, ‘EV બેટરી ટૅક્નોલૉજી’ની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
China EV Battery Export Ban : વિશ્વભરના અનેક દેશો સ્વાસ્થ્ય-પર્યાવરણ માટે ફાયદાકારક ઈલેક્ટ્રિક વાહનો(EV)ના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત રહ્યા છે, ભારત સહિત વિશ્વભરમાં ઈવીની માંગમાં ધરખમ વધારો થઈ રહ્યા છે, ત્યારે ચીને વિશ્વભરને સાથ આપવાના બદલે ઈવી ગ્રોથને નીચે પાડવા જેવો નિર્ણય લીધો છે. ચીને ઈવી બેટરીના ઉત્પાદન અને લિથિયમ પ્રોસેસિંગ સંબંધીત મહત્ત્વની ટૅક્નોલૉજીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડ્રેગનના આ નિર્ણયના કારણે ભારત સહિત તે દેશોનું ઈવી ઉત્પાદન ધીમું પડી શકે છે, જેઓ આ ટૅક્નોલૉજી માટે ચીન પર નિર્ભર રહે છે.
ચીનની ઈવી મામલે નવી પોલિસી
ચીનના વાણિજ્ય મંત્રાલયના સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘હવે દેશની કોઈપણ કંપનીએ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓ સંબંધિત અદ્યતન ઉત્પાદન ટૅક્નોલૉજી અન્ય દેશોમાં નિકાસ કરતાં પહેલા ચીન સરકારની મંજૂરી લેવી જરૂરી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ જ તેઓ ટૅક્નોલૉજીની નિકાસ કરી શકે છે.’ એટલે કે હવે વિદેશી કંપનીઓ અથવા ભાગીદારો સીધું જ ચીનથી ટૅક્નોલૉજી નહીં ખરીદી શકે, તે માટે તેમણે ચાઇનીઝ સરકારની મંજૂરી લેવી પડશે. ચીને ટૅક્નોલૉજીના નિકાસ પર કડકાઈથી પ્રતિબંધ લગાવ્યો હોય તેવું પહેલીવાર બન્યું નથી. અગાઉ ચીને ઈવી, ઈલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગ થતાં ‘રેયર અર્થ મટીરિયલ્સ’ અને ‘મેગ્નેટ્સ’ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ચીને કઈ બેટરીઓ પર પ્રતિબંધ લાગુ કર્યો?
ચીને Lithium Iron Phosphate (LFP) બેટરીની ટૅક્નોલૉજીની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. LFT બેટરી સસ્તી, ઝડપી ચાર્જ થતી અને સુરક્ષિત મનાય છે. 2023ના ડેટા મુજબ LFT બેટરીનું ઉત્પાદનમાં ચીનની ભાગીદારી 94 ટકા અને લિથિયમ પ્રોસેસિંગમાં 70 ટકા હતી. ડેટા પરથી સ્પષ્ટ જોવા મલી રહ્યું છે કે, ઈવી બેટરી મામલે લગભગ ચીનનું ‘એકહથુ શાસન’ છે અને હવે તેણે પોતાની મોનોપોલી જાળવી રાખવા માટે ટૅક્નોલૉજી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઈલેક્ટ્રીક વ્હિકલની માંગમાં ધરખમ વધારો
વિશ્વભરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ આંકડાઓમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો અને પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો બંનેનો સમાવેશ થાય છે. 2024ના અંત સુધીમાં વિશ્વભરમાં રસ્તાઓ પર ઈલેક્ટ્રિક વાહનોનો કુલ સ્ટોક લગભગ 58 મિલિયન (5.8 કરોડ) સુધી પહોંચી ગયો છે. આ કુલ પેસેન્જર કાર ફ્લીટના લગભગ 4 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. 2024માં વૈશ્વિક સ્તરે 1.7 કરોડથી વધુ ઈલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જે 2023 કરતાં 25 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. 2024માં વેચાયેલી વધારાની 3.5 મિલિયન કાર્સ 2020માં વેચાયેલી કુલ ઈલેક્ટ્રિક કાર કરતાં પણ વધુ છે. 2024માં વૈશ્વિક સ્તરે વેચાતી નવી કારમાંથી 20ટકાથી વધુ ઈલેક્ટ્રિક હતી. 2025માં આ આંકડો 25 ટકાને વટાવી જવાની અપેક્ષા છે. 2025ના પ્રથમ ત્રણ મહિનામાં EV વેચાણમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વિશ્વભરમાં ઈવી મામલે ચીન સૌથી આગળ
EV બજારમાં ચીન સૌથી મોટું અને પ્રભાવી છે. 2024માં ચીનમાં 1.1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાયા હતા, જે વૈશ્વિક વેચાણનો મોટો હિસ્સો છે અને તેની 40 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ચીનમાં વેચાતી લગભગ અડધી નવી કાર ઈલેક્ટ્રિક છે. જ્યારે 2024માં યુએસ અને કેનેડામાં 18 લાખ ઈવી વેચાયા હતા, જેમાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. યુરોપિયન બજારમાં 2024માં લગભગ 30 લાખ ઈવી વેચાયા હતા, પરંતુ 2023ની સરખામણીમાં તેમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે બજારમાં સ્થિરતાનો સંકેત આપે છે.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત