- બેંકોની એનપીએ ઘટીને આવતાં અને ઘટાડે શોર્ટ કવરિંગ સાથે...
- નિફટી સ્પોટ ત્રણ પોઈન્ટ ઘટીને 25939 : આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં સતત વેચવાલી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે પસંદગીના શેરોમાં ફંડો લેવાલ
મુંબઈ : વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે વૈશ્વિક બજારોમાં હોલી-ડે મૂડ અને વૈશ્વિક મોરચે એસેટ ક્લાસ બદલાઈને વર્ષ ૨૦૨૫માં સોના, ચાંદીમાં ફંડો, ઈન્વેસ્ટરો સક્રિય મોટાપાયે લેવાલ રહેતાં તેજી સામે ઈક્વિટી-શેરોમાં ફંડોની વેચવાલીના દબાણે નરમાઈ જોવાયા બાદ આજે ભારતીય બજારોમાં ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે એક તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત સફળ નહીં રહેતાં અને રશીયા-યુક્રેન યુદ્વના અંત મામલે અનિશ્ચિતતાના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી પાછળ આજે ભારતીય શેર બજારોમાં પણ ટ્રેડિંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. આરંભમાં ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ આરંભમાં ઘટીને નીચામાં ૮૪૪૭૦.૯૪ સુધી આવ્યા બાદ ઘટયામથાળેથી ફંડો ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં લેવાલ બનતાં રિકવર થઈ ઉપરમાં ૮૪૮૦૬.૯૯ સુધી જઈ અંતે ૨૦.૪૬ પોઈન્ટ ઘટીને ૮૪૬૭૫.૦૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૫૮૭૮ સુધી આવી પાછો ફરી ઉપરમાં ૨૫૯૭૬.૭૫ સુધી જઈ અંતે ૩.૨૫ પોઈન્ટ ઘટીને ૨૫૯૩૮.૮૫ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૬૯૩ પોઈન્ટ ઉછળ્યો : નાલ્કો રૂ.૧૬, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૧, સેઈલ રૂ.૭ વધ્યા
સોના-ચાંદીના ભાવ ગઈકાલે આંચકા સાથે ઘટી આવ્યા બાદ આજે ફરી ઉંચકાતા અને સુપ્રિમ કોર્ટ દ્વારા અરાવલ્લી પહાડીઓમાં ખાણકામ સંબંધિત પોતાના ચૂકાદાને જ પાછો ખેંચતા તેમ જ અન્ય નોન-ફેરસ મેટલના ભાવોમાં પણ મજબૂતી પાછળ આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં મોટી ખરીદી કરી હતી. નાલ્કો રૂ.૧૫.૯૦ વધીને રૂ.૩૧૬.૭૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૧.૩૦ વધીને રૂ.૮૩૬.૩૦, સેઈલ રૂ.૬.૮૫ વધીને રૂ.૧૪૧, એનએમડીસી રૂ.૨.૫૭ વધીને રૂ.૮૩.૪૧, જિન્દાલ સ્ટીલ રૂ.૩૦.૮૦ વધીને રૂ.૧૦૨૧, હિન્દાલ્કો રૂ.૧૮.૯૫ વધીને રૂ.૮૮૪.૨૦, વેદાન્તા રૂ.૧૨.૨૦ વધીને રૂ.૬૦૫.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૯.૫૫ વધીને રૂ.૧૧૧૧.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૯૩.૧૩ પોઈન્ટ વધીને ૩૬૨૬૩.૪૭ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં વેલ્યુબાઈંગ : એમઆરએફ રૂ.૪૦૪૫ ઉછળ્યો : હીરો રૂ.૧૪૭, બજાજ ઓટો રૂ.૨૦૪ વધ્યા
કેલેન્ડર વર્ષ ૨૦૨૫ પૂરું થવામાં છે ત્યારે નવા વાહનોની ખરીદીમાં ખાસ ઉત્સાહ નહીં જોવાતો હોઈ ફંડોની ગઈકાલે વેચવાલી બાદ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. એમઆરએફ રૂ.૪૦૪૫ ઉછળીને રૂ.૧,૫૨,૮૧૪, હીરો મોટોકોર્પ રૂ.૧૪૬.૯૫ ઉછળી રૂ.૫૭૧૧.૮૫, બજાજ ઓટો રૂ.૨૦૩.૮૦ વધીને રૂ.૯૨૮૭.૭૫, અશોક લેલેન્ડ રૂ.૩.૮૦ વધીને રૂ.૧૭૮.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૧.૮૦ વધીને રૂ.૩૬૬૩.૫૦, ટીવીએસ મોટર રૂ.૬૫ વધીને રૂ.૩૬૩૭.૮૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૨.૯૦ વધીને રૂ.૩૬૧.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૨૮.૬૭ પોઈન્ટ ઉછળીને ૬૧૯૨૫.૧૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સતત ફંડો વેચવાલ : હેપ્પિએસ્ટ માઈન્ડ, ઈન્ટેલેક્ટ, સાસ્કેન, બિરલા સોફ્ટ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો સતત વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક આઈટી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીઓના એક્વિઝિશન છતાં આઈટી ઉદ્યોગમાં એઆઈના કારણે રોજગારીમાં મોટાપાયે ઘટાડો થવાના અંદાજોએ સાવચેતીમાં ફંડો આઈટી શેરોમાં હળવા થયા હતા. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૧.૪૦ તૂટીને રૂ.૯૪૫.૨૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૧૯.૧૦ ઘટીને રૂ.૪૫૩.૯૦, ડિજિટાઈડ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૨૯.૩૫, બિરલા સોફ્ટ રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૪૨૩.૭૦, સાસ્કેન રૂ.૪૪.૩૫ ઘટીને રૂ.૧૫૦૦.૩૦, પ્રોટીઅન રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૭૪૦.૩૫, ઝેનસાર રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૬૯૪.૩૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૫૧૭.૮૦, ઓરિઓનપ્રો રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૧૦૪૦.૮૦, માસ્ટેક રૂ.૫૩.૧૦ ઘટીને રૂ.૨૦૫૮.૨૫, ટાટા એલેક્સી રૂ.૧૨૩.૧૫ ઘટીને રૂ.૫૧૯૨.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૦૦.૧૫ પોઈન્ટ ઘટીને ૩૬૮૨૦.૩૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૮૩ પોઈન્ટ ગબડયો : અંબર રૂ.૨૨૦ તૂટયો : બર્જર, વોલ્ટાસ, ક્રોમ્પ્ટન ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સમાં પણ તહેવારોની સીઝન પૂરી થવામાં છે, ત્યારે હાલ એપ્લાયન્સિસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઈલેક્ટ્રોનિક્સમાં અપેક્ષિત માંગ નહીં નીકળ્યાના અને જીએસટીમાં ઘટાડા છતાં મંદ માંગને લઈ કંપનીઓની કામગીરી નબળી પડવાના અંદાજોએ ફંડો વેચવાલ રહ્યા હતા. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨૦.૩૦ તૂટીને રૂ.૬૨૬૯.૧૫, બર્જર પેઈન્ટ રૂ.૧૮.૧૦ ઘટીને રૂ.૫૨૬.૫૦, વોલ્ટાસ રૂ.૨૯.૫૫ ઘટીને રૂ.૧૩૫૦.૪૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૬૦ ઘટીને રૂ.૨૫૧.૭૦, એશીયન પેઈન્ટ રૂ.૧૮.૮૦ ઘટીને રૂ.૨૭૫૬.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૮૩.૩૨ પોઈન્ટ ઘટીને ૫૯૧૮૨.૮૮ બંધ રહ્યો હતો.
બેંકોની એનપીએ ઘટીને આવતાં બેંકિંગ શેરોમાં કવરિંગ : કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક વધ્યા
બેંકોની એનપીએમાં એકંદર ઘટાડો નોંધાતાં બેંકિંગ શેરોમાં ફંડો ઘટાડે કવરિંગ સાથે લેવાલ રહ્યા હતા. કેનેરા બેંક રૂ.૩ વધીને રૂ.૧૫૪, બેંક ઓફ બરોડા રૂ.૫.૬૦ વધીને રૂ.૨૯૩.૧૦, ફેડરલ બેંક રૂ.૪.૮૫ વધીને રૂ.૨૬૭.૮૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૭૫ વધીને રૂ.૧૫૧.૮૫, પીએનબી રૂ.૧.૯૦ વધીને રૂ.૧૨૨.૪૦, એક્સિસ બેંક રૂ.૧૩.૯૫ વધીને રૂ.૧૨૪૬, એયુ બેંક રૂ.૯.૮૦ વધીને રૂ.૯૯૬.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૪૫ વધીને રૂ.૯૭૩.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૯૦.૨૯ પોઈન્ટ વધીને ૬૬૨૭૮.૭૧ બંધ રહ્યો હતો. આ સિવાય ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંક શેરોમાં આઈઓબી રૂ.૧.૯૫ વધીને રૂ.૩૫.૭૮, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૯.૫૫ વધીને રૂ.૩૫૦.૨૦, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૮ વધીને રૂ.૪૦૪.૩૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં સાવચેતીમાં ફંડો હળવા થયા : કેપલિન પોઈન્ટ રૂ.૯૬, સનોફી રૂ.૧૬૨, ગ્લેક્સો રૂ.૮૭ તૂટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડો સાવચેતીમાં સતત વેચીને હળવા થતા નરમાઈ રહી હતી. કેપલિન પોઈન્ટ રૂ.૯૫.૫૫ તૂટીને રૂ.૧૭૮૭.૩૫, સનોફી કન્ઝયુમર રૂ.૧૬૨.૫૦ તૂટીને રૂ.૪૪૨૪.૩૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૮૭.૩૦ ઘટીને રૂ.૨૩૮૯.૩૫, ઈપ્કા લેબ રૂ.૪૬.૧૦ ઘટીને રૂ.૧૩૭૮.૫૦, એફડીસી રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૪૦૯.૭૦, આરપીજી લાઈફ રૂ.૬૪.૪૦ ઘટીને રૂ.૨૨૮૭.૮૫, યુનિકેમ લેબ રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૪૩૧.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૭૧.૩૨ પોઈન્ટ ઘટીને ૪૩૪૩૦.૫૨ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી છતાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી : ૨૩૨૦ શેરો નેગેટીવ, ૧૮૬૪ પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે આંચકા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી. અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી. માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૫૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૯૫થી વધીને ૧૮૬૪ અને ઘટનારની સંખ્યા ૨૮૩૧થી ઘટીને ૨૩૨૦ રહી હતી.


