વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું
Stock market Today: વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 869.52 પોઈન્ટ તૂટ્યો હતો. આ સાથે સેન્સેક્સે 81000નું લેવલ ગુમાવ્યું છે. રોકાણકારોની મૂડીમાં 2 લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. એફએમસીજી અને ઓટો શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે.
જિઓ-પોલિટિકલ ટેન્શનમાં વધારો થયો છે. અમેરિકાના ઈકોનોમિક ફંડામેન્ટલ્સનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. જેના પગલે વૈશ્વિક શેરબજારોમાં નોંધાયેલા કડાકાની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી છે. ક્રૂડ ઓઈલના ભાવોમાં તેજી અને યુએસ યીલ્ડ, ગોલ્ડ માર્કેટમાં વોલ્યૂમની અસર પણ જોવા મળી છે. નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. જો કે, તેણે હજી 24500નું લેવલ જાળવી રાખ્યું છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા
ડાઉ જોન્સ 800 પોઈન્ટ તૂટ્યો
અમેરિકાની વેપાર ખાધ વધવાની ભીતિ વચ્ચે ગઈકાલે ડાઉ જોન્સ 816.80 પોઈન્ટ તૂટ્યો હતો. નાસડેકમાં પણ 270.08 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. અમેરિકા પર દેવું વધવાના સંકટ સામે એશિયન અને યુરોપિયન બજારો પણ આજે રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ India VIX આજે 3 ટકાથી વધુ ઉછળી 18.04 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે શેરબજારમાં વોલેટિલિટી વધવાનો અંદાજ આપે છે.
અમેરિકા-ભારત વચ્ચે હાલમાં થયેલી વેપાર મંત્રણામાં ટેરિફ મુદ્દે કોઈ ઉકેલ કે સકારાત્મક નિર્ણય લેવાયો નથી. જેના લીધે ઓટો, મેટલ, ગેસ, આઈટી સેક્ટરમાં સાવચેતીનું વલણ વધ્યું છે. આજે બીએસઈ ઓટો ઈન્ડેક્સ 1.13 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ પણ 1.08 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે, વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની ઈકોનોમીનો પોઝિટિવ આઉટલૂક આપવામાં આવ્યો છે. જેના લીધે સ્થાનિક સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યા છે. પરંતુ વૈશ્વિક પરિબળોના લીધે રોકાણકારો શોર્ટ ટર્મ પ્રોફિટ બુક કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ પણ ગઈકાલે 2201.79 કરોડની ખરીદી નોંધાવી છે.