નવી દિલ્હી : વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં અમેરિકા, ચીન, કોરિયા અને ચાઈનીઝ તાઈપેઈએ લેપટોપ અને કોમ્પ્યુટર પર આયાત નિયંત્રણો લાદવાના ભારતના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. ડબલ્યુટીઓની ૧૬ ઓક્ટોબરના રોજ જીનીવામાં માર્કેટ એક્સેસ કમિટીની પેરાગ્વેના રેનાટા ક્રિસાલ્ડોની અધ્યક્ષતા હેઠળની બેઠકમાં આ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
અમેરિકાએ જણાવ્યું કે આ નિર્ણયના અમલ પછી આ પ્રોડક્ટોના વેપારને અસર થશે. આ નિર્ણય નિકાસકારો અને 'ડાઉનસ્ટ્રીમ' યુઝર્સ માટે અનિશ્ચિતતા પેદા કરી રહ્યો છે. કોરિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત દ્વારા પ્રસ્તાવિત પગલાં ડબલ્યુટીઓ નિયમો સાથે સુસંગત નથી.
આ બિનજરૂરી વેપાર અવરોધોમાં પરિણમી શકે છે.સરકારે વિદેશી ઉપકરણોના હાર્ડવેરમાં સુરક્ષા ખામીઓને દૂર કરવા ઉપરાંત સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે લેપટોપ, ટેબલેટ અને અન્ય પીસી ઉત્પાદનોની આયાત માટે લાયસન્સ ફરજિયાત બનાવવાનો આદેશ જારી કર્યો છે.
આ વસ્તુઓની આયાત માટે ૧ નવેમ્બરથી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ પાસેથી લાયસન્સ/પરવાનગી મેળવવી પડશે. ભારત ૨૦૨૧-૨૨માં ૭.૩૭ અબજ ડોલરની સરખામણીએ ૨૦૨૨-૨૩માં ૫.૩૩ અબજ ડોલરના લેપટોપ સહિત પર્સનલ કોમ્પ્યુટરની આયાત કરી હતી.


