મધ્ય પૂર્વમાં અશાંતિ: વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા વીસ ટન સોનાની ખરીદી
- ડોલર ઉપરાંત સોનાનો રિઝર્વ જથ્થો વધારવાનો વિશ્વની કેન્દ્રીય બેન્કો દ્વારા અપનાવાયેલો વ્યૂહ
મુંબઈ : મધ્ય પૂર્વના દેશોમાં અશાંતિને ધ્યાનમાં રાખી વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કોએ મેમાં હેજ તરીકે સોનાની ખરીદી ચાલુ રાખી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પ્રમાણે વૈશ્વિક કેન્દ્રીય બેન્કોએ મેમાં વધુ ૨૦ ટન સોનુ ખરીદ કર્યું છે.
એપ્રિલમાં ૧૨ ટનની ખરીદી સામે મેમાં ખરીદી ઊંચી રહી છે, પરંતુ છેલ્લા ૧૨ મહિનામાં માસિક સરેરાશ ૨૭ ટનની સરખામણીએ મેની ખરીદી ઓછી છે.
મધ્ય પૂર્વમાં નવેસરથી ઊભી થયેલા ભૌગોલિકરાજકીય તાણને ધ્યાનમાં રાખી કેન્દ્રીય બેન્કોએ વ્યૂહાત્મક પગલાં તરીકે સોનાની ખરીદી જાળવી રાખી હોવાનું માનવામાં આવે છે.
યુરોપ તથા મધ્ય પૂર્વમાં લશકરી કાર્યવાહી તથા નવેસરથી ટ્રેડ ટેરિફને કારણે વિકાસ પર અસર પડશે અને ફુગાવો વધશે તેવી ચિેંતાએ તાજેતરના વર્ષોમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ડોલર તથા અન્ય કરન્સીસ ઉપરાંત કેન્દ્રીય બેન્કો પોતાના ફોરેકસ રિઝર્વમાં વૈવિધ્યતા રાખવા પણ સોનાની ખરીદી તરફ વળી છે. એપ્રિલના અંતમાં સોનાના વૈશ્વિક ભાવ પ્રતિ ઔંસ ૩૫૦૦ ડોલર સાથે ઓલટાઈમ હાઈ જોવા મળ્યા હતા.
મેમાં સાત ટન સાથે સોનાની સૌથી વધુ ખરીદી નેશનલ બેન્ક ઓફ કઝાકસ્તાન દ્વારા કરવામાં આવી હોવાનું પણ કાઉન્સિલ દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત છ ટન ખરીદી સાથે સેન્ટ્રલ બેન્ક ઓફ તર્કી અને નેશનલ બેન્ક ઓફ પોલેન્ડ બીજા ક્રમે રહી છે.