Union Budget 2026: 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ રજૂ થઈ રહ્યું છે. તેમાં કેન્દ્ર સરકાર સોના ચાંદીમાં રોકાણ કરવા કે ખરીદવા ઇચ્છતા લોકો માટે ખુશ ખબર આપી શકે છે. સરકાર સોના ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટી હાલ 6 ટકા છે તે ઘટાડીને 4 ટકા કરી શકે છે. જો આવું થાય તો સોના પ્રતિ 10 ગ્રામ 3 હજાર અને ચાંદી પ્રતિ કિલો 6 હજાર રૂપિયા સસ્તી થઈ શકે છે. મહત્ત્વનું છે કે ગત વર્ષ 2025માં સોનામાં 75 ટકા તો ચાંદીમાં 167 ટકાનો વધારો થયો હતો. જાન્યુઆરી 2026માં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.50 લાખ અને એક કિલો ચાંદીનો ભાવ 3.50 લાખ આસપાસ થઈ ગયો છે.
વર્ષ 2021ની સરખામણીએ સોનાના ભાવ કેટલા વધ્યા?
જે વ્યક્તિએ વર્ષ 2021માં 1 લાખનું સોનું ખરીદ્યું હતું, તેની કિંમત આજે વધીને 2.30 લાખ જેવી થઈ ગઈ છે. એટલે કે માત્ર 5 વર્ષમાં મૂડી બમણાથી પણ વધી ગઈ છે. આંકડા મુજબ, વર્ષ 2025 સોના માટે સૌથી શ્રેષ્ઠ રહ્યું છે, જેમાં વાર્ષિક 47% જેવું અધધ વળતર મળ્યું છે. 2021માં જે સોનું ₹48,000ના સ્તરે હતું, તે 2026 સુધીમાં ₹1.50 લાખ (અંદાજિત) સુધી પહોંચી ગયું છે. સોનાના ભાવમાં વાર્ષિક સરેરાશ 20%થી 30%નો ઉછાળો જોવા મળી રહ્યો છે, જે રોકાણકારો માટે ખૂબ જ પ્રોત્સાહક છે.
વર્ષ 2021ની સરખામણીએ ચાંદીના ભાવ કેટલા વધ્યા?
વર્ષ 2021માં કરવામાં આવેલું 1 લાખનું રોકાણ આજે વધીને 3.51 લાખ થઈ ગયું છે. એટલે કે રોકાણકારોને લગભગ 3.5 ગણું વળતર મળ્યું છે. વર્ષ 2025 ચાંદી માટે 'ગોલ્ડન યર' સાબિત થયું છે, જેમાં ભાવમાં એક જ વર્ષમાં 173%નો તોતિંગ વધારો થયો છે. 2022માં ભાવમાં 13%નો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ચાંદીએ પાછું વળીને જોયું નથી. વર્ષ 2021માં 63,000 પ્રતિ કિલોથી શરુ થયેલી સફર આજે 3.30 લાખના સ્તરે પહોંચી છે.
સોના ચાંદીમાં બજેટ બાદ રોકાણ કરવું હિતાવહ
માર્કેટ એક્સપર્ટ મુજબ 1 ફેબ્રુઆરી 2026 રજૂ થનારા બજેટ પહેલા મોટી ખરીદીથી બચવું જોઈએ, તેની જગ્યાએ નાના નાના હપ્તામાં રોકાણ કરવું જોઈએ, તેથી કિંમતોમાં મચેલી ભારે ઉથલપાથલથી બચી શકાય, અન્ય એક માર્કેટ એક્સપર્ટની સલાહ પણ સમજણભર્યા રોકાણની છે. તેમના સૂચન મુજબ તેજીની પાછળ ભાગ્યા વગર જ્યારે મોટો ઘટાડો થયા ત્યારે ખરીદી કરવી જોઈએ, બજેટના પહેલા કે પછી સોના ચાંદીમાં હાલ એક સાથે રોકાણ ન કરતાં નાના નાના જથ્થામાં રોકાણ કરવું જોઈએ, એટલે કે 'બાય ઑન ડિપ્સ'ની વ્યૂહનીતિ અપનાવવી જોઈએ. વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પણ લાંબા સમયનો ટ્રેન્ડ પોઝિટવ છે.
શું બજેટમાં સોના-ચાંદી પર ડ્યુટી ઘટાડી શકે છે સરકાર?
સરકાર સોનાની સ્મગલિંગ રોકવા માટે ડ્યુટી ઘટાડી શકે છે, હાલ તેના પર 6 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લગવવામાં આવે છે, અને 3 ટકા જીએસટી સાથે સોના પર કુલ 9 ટકા જેટલો ટેક્સ વસૂલવામાં આવે છે. સરકારે જુલાઈ 2024ના બજેટમાં સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડી 9 ટકા કરી દીધી હતી. જો 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ 2-3 ટકાનો ઘટાડો કરવામાં આવે તો સોના ચાંદીના ભાવ ઘટે તેવી શક્યતાઓ છે. ઉદ્યોગકારોને પણ લાભ થઈ શકે છે. બીજી તરફ એ પણ સંકેત છે કે જો સરકાર ડ્યુટી ઘટાડે તો તેની અસર થોડા સમય માટે જ રહેશે કારણ કે સોના ચાંદીની કિંમતો આંતરરાષ્ટ્રીય ટ્રેડથી વધારે પ્રભાવિત હોય છે.


