Get The App

ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા!

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! 1 - image


Nil ITR File: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. જેમને ટેક્સ ચૂકવવાનો છે તેઓ ટેક્સ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ જેમની સેલેરી પર ટેક્સ નથી લાગી રહ્યો તેઓ નિશ્ચિંત થઈને બેઠા છે અને વિચારી રહ્યા છે કે, 'આપણે શું કરવાનું છે, આપણે તો ટેક્સના દાયરામાં આવતા નથી.'

નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં 4 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પગાર પર કોઈ ટેક્સ નથી અને જૂની વ્યવસ્થામાં 2.5 લાખ રૂપિયા સુધીના પગાર પર કોઈ ટેક્સ નથી લાગતો. એટલે કે આટલી આવક મેળવનારા લોકોની ટેક્સ જવાબદારી શૂન્ય છે, પરંતુ શું તમે જાણો છો? ઝીરો ટેક્સ હોવા છતાં જો તમે ITR ફાઇલ કરો છો, તો ઘણા મોટા ફાયદા છે. આવા ફાયદા તમને દર વર્ષે ITR ફાઇલ કરવા માટે પ્રેરણા આપી શકે છે. ચાલો જાણીએ કે તે ફાયદા કયા-કયા છે.

1. નાણાકીય પુરાવાનો વિશ્વાસપાત્ર દસ્તાવેજ

ITR તમારા માટે નાણાકીય પુરાવાનું કામ કરે છે. વિઝા માટે અરજી કરવાની હોય કે લોન લેવાની હોય, દરેક જગ્યાએ ITR માગવામાં આવે છે. ધારો કે, તમે વિદેશ પ્રવાસ કરવાનું અને વિઝા માટે અરજી કરવા જવાનું વિચારી રહ્યા છો. ત્યાં તમારી પાસેથી આવકનો પુરાવો માગવામાં આવશે. અથવા જો તમે બૅંકમાંથી હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો પણ તમારે ITR બતાવવું પડે છે. આ દસ્તાવેજ તમારા નાણાકીય ઇતિહાસને સ્પષ્ટપણે દર્શાવે છે, જેનાથી તમારી વિશ્વસનીયતામાં વધારો થાય છે.

2. TDS રિફંડનો સરળ રસ્તો

જો તમારો પગાર ટેક્સના દાયરામાં નથી આવતો પરંતુ તેમ છતાં બૅન્કે તમારા ફિક્સ્ડ ડિપોઝિટ અથવા સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ પર TDS કાપી લીધો છે, તો ચિંતા કરશો નહીં. ITR ફાઇલ કરીને તમે આ કાપેલ ટેક્સ રિફંડ તરીકે પાછો મેળવી શકો છો. ઉદાહરણ તરીકે ધારો કે તમને તમારી FD પર રૂ. 10,000 વ્યાજ મળ્યું છે અને બૅન્કે તેના પર 10% TDS કાપ્યો છે. જો તમારી કુલ આવક ટેક્સેબલ કરતાં ઓછી છે, તો આ પૈસા પર તમારો અધિકાર છે. ITR ફાઇલ કરો અને રિફંડ માટે ક્લેમ કરો. ITR વિના આ પૈસા પાછા મેળવવા મુશ્કેલ છે.

3. લોન અને ક્રેડિટ કાર્ડમાં સરળતા

બૅન્ક અથવા ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યુટ લોન અથવા ક્રેડિટ કાર્ડ આપતી વખતે ITR માગે છે. જો તમે કહો કે, 'મારો પગાર તો ટેક્સના દાયરામાં આવતો જ નથી, તો બૅન્ક તમારા સ્ટેટમેન્ટથી ઇમ્પ્રેસ નહીં થાય. પરંતુ જો તમે ઝીરો ટેક્સ જવાબદારી છતાં નિયમિતપણે ITR ફાઇલ કરો છો, તો બૅન્ક તમને એક જવાબદાર ટેક્સપેયર માને છે. તેનાથી હોમ લોન, પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ મળવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય, તો ITR તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. બૅન્કને વિશ્વાસ બેસી જાય છે કે તમે લોન ચૂકવી દેશો.

4. નુકસાનને કેરી ફોરવર્ડ કરો

ધારો કે, તમારો પગાર ટેક્સેબલ રેન્જમાં નથી, પરંતુ તમે શેર માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. વર્ષના મધ્યમાં તમે કેટલાક શેર વેચ્યા અને નુકસાન થયું. હવે આવતા વર્ષે તમારો પગાર વધે છે અને તે ટેક્સના દાયરામાં આવી જાય છે. જો તમે ગત વર્ષે Nil ITR ફાઇલ કર્યું હોય, તો તમે તે નુકસાનને આગામી વર્ષ માટે કેરી ફોરવર્ડ કરી શકો છો. તેનાથી તમારી ટેક્સેબલ ઇન્કમ ઓછી થઈ શકે છે અને તમારા ટેક્સનો બોજ ઘટી શકે છે. પરંતુ જો તમે ITR ફાઇલ નહીં કરો, તો આ તક તમારા હાથમાંથી નીકળી જશે. 

5. અત્યારે ભરેલું ITR ભવિષ્યમાં કામ આવશે

ITR ફાઇલ કરવું એ માત્ર ટેક્સ બચાવવાનો જ રસ્તો નથી, પરંતુ ભવિષ્યની ઘણી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો પણ એક રસ્તો છે. પાસપોર્ટ કે વિઝા માટે અરજી કરવી હોય, લોન લેવી હોય કે કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવો હોય, ITR હંમેશા કામમાં આવે છે. આ એક એવો દસ્તાવેજ છે જે તમારી નાણાકીય જવાબદારીને દર્શાવે છે. જો તમે નિયમિતપણે ITR ફાઇલ કરો છો, તો ભવિષ્યમાં તમારા માટે ઘણા દરવાજા ખુલી શકે છે.

ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ

Nil ITR ફાઇલ કરવાની ડેડલાગન એ જ છે જે રેગ્યુલર ITRની હોય છે. સામાન્ય રીતે તે 31 જુલાઈ હોય છે, પરંતુ નાણાકીય વર્ષ 2024-25 માટે તેને 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. જો ડેડલાઇન ચૂકી પણ જાવ તો ગભરાવાની જરૂર નથી. ઝીરો ITR માટે કોઈ લેટ ફી નથી. એટલે કે તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને ફાઇલ કરી શકો છો.

Nil ITR કેવી રીતે ફાઇલ કરવું?

Nil ITR કરવું કોઈ રોકેટ સાયન્સ નથી. આ રેગ્યુલર ITR જેવું જ છે. તો ચાલો આપણે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ સમજીએ.

1. લોગિન કરો: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જાઓ. પાન કાર્ડ દ્વારા રજિસ્ટર અથવા લોગિન કરો. 

2. E-Filing ટેબ: લોગિન બાદ E-Filing ટેબ પર ક્લિક કરો. 

3. ITR ઓપ્શન: ઘણા ઓપ્શનમાંથી Income Tax Return પસંદ કરો. 

4. સાચું ફોર્મ: જો તમારો પગાર ટેક્સેબલ લિમિટથી ઓછી છે તો, ITR-1 ફોર્મ પસંદ કરો.

5. વિગતો ભરો: પર્સનલ ડિટેલ્સ, ઇન્કમ ડિટેલ્સ, ટેક્સ ડિડક્શનની માહિતી ભરો. જો ક્યાંક TDS કાપવામાં આવ્યો હોય અથવા ઍડ્વાન્સ ટેક્સ ચૂકવવામાં આવ્યો હોય, તો તેની વિગતો પણ આપો.

6. વેલિડેટ કરો: તમામ માહિતી ભર્યા પછી ફોર્મને વેલિડેટ કરો. XML ફાઇલ જનરેટ કરીને ડાઉનલોડ કરો.

7. અપલોડ કરો: E-File સેક્શનમાં જઈને Upload Return પર ક્લિક કરો અને XML ફાઇલ અપલોડ કરો.

8. વેરિફિકેશન: ITR ફાઇલ કર્યા પછી તેનું વેરિફિકેશન જરૂરી છે. આ કામ ઓનલાઇન અથવા ઓફલાઇન (પોસ્ટ દ્વારા) થઈ શકે છે. વેરિફિકેશન બાદ જ તમારી રિટર્ન પ્રોસેસ પૂરી થશે. 

આ પણ વાંચો: તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી

કેમ જરૂરી છે ITR?

ITR ફાઇલ કરવું એ માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ તમારી નાણાકીય યાત્રાને સરળ બનાવવાનો એક માર્ગ છે. તે તમારા જવાબદાર નાગરિક હોવાનો પુરાવો છે. લોન લેવાનું હોય, વિઝા માટે અરજી કરવાનું હોય કે રિફંડનો ક્લેમ કરવાનું હોય, ITR દરેક પગલે તમારી સાથે છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? જો તમારો પગાર ટેક્સ દાયરામાં નથી આવતો તો પણ, Nil ITR ફાઇલ કરો અને આ ફાયદાનો લાભ ઉઠાવો. 

Tags :