ગરીબોના સોના સમાન ચાંદીમાં પ્રચંડ ઉછાળો ચિંતાનો વિષય
અમદાવાદ, તા. ૨૪
૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં દેશભરમાં ચારેકોર સોના-ચાંદીના ભાવમાં ઉદભવેલી આગઝરતી તેજીની ચર્ચાઓ થઈ રહી છે. સોના-ચાંદીના ભાવ એક જ વર્ષના ટૂંકાગાળામાં ૧૦૦થી ૧૫૦ ટકા ઉછળ્યા છે. ભારત જેવા બહોળા પ્રમાણમાં આર્થિક રીતે મધ્યવર્ગ ધરાવતા દેશમાં સદીઓથી ચાંદીને 'ગરીબોનું સોનું' કહેવાય છે. ગરીબોની ખરીદશક્તિમાં આવતી ચાંદીમાં આવેલો રોકેટ ઉછાળો હવે ચિંતાનો વિષય બન્યો છે. ગરીબોના સોના ગણાતા ચાંદીના ભાવ સામાન્ય જનમાનસના ખિસ્સા બહારની વાત થઈ રહી છે.
અનેક એક્સપર્ટો દ્વારા ચાંદીના ભાવમાં આ પ્રકારના તેજીના એક બુલરનની અપેક્ષા છેલ્લા એકાદ દાયકાથી કરવામાં આવી રહી હતી. અંતે ૨૦૨૪ના અંતથી એઆઈ બૂમ, વ્યાજદર સહિતના અનેક સ્થાનિક-વિદેશી કારણોસર ચાંદીના ભાવમાં આગઝરતી તેજી આવી છે.
સોના-ચાંદીની આગઝરતી તેજી પાછળના મુખ્ય કારણો પર નજર કરીએતો,
સપ્લાય ઘટ અને માર્કેટ ક્રંચ
વૈશ્વિક ચાંદી બજારે ૨૦૨૫માં સતત પાંચમા વર્ષે સપ્લાયની તીવ્ર અછતનો સામનો કરવો પડયો છે. ચાંદીની ખાણ ઉત્પાદન પ્રક્રિયા રિસાયક્લિંગ કરતાં વધી ગઈ છે. સંચિત ખાધને કારણે ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો છે, જેના કારણે લંડન જેવા મુખ્ય વેપાર કેન્દ્રમાં સપ્લાય ઘટ અને સ્ટોક ઘટતા ભાવને બૂસ્ટર મળ્યું છે. મધ્ય અને દક્ષિણ અમેરિકા જેવા મુખ્ય સપ્લાય માર્કેટમાં માઈનિંગ ઉત્પાદન સ્થિર રહ્યું છે અથવા ઘટયું છે, જ્યારે માર્કેટ ડિમાન્ડ અણધારી વધુ રહી હતી અને અંતે માર્કેટ ક્રંચ સર્જાતા ભાવમાં આગઝરતી તેજી નોંધાઈ છે.
ઔદ્યોગિક માંગ
સોનું માત્ર સેફહેવન છે. એટલે કે એસેટ ક્લાસ છે જ્યારે ચાંદી એક કોમોડિટી છે, ચાંદી એક ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ પણ છે. દુનિયાભરના અનેક યંત્ર-તંત્ર, હાઈટેક ટંલોજી પ્રોડક્ટો, ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ચાંદીનો નોંધપાત્ર ઉપયોગ થાય છે. રિપોર્ટ અનુસાર ચાંદીની અડધાથી પણ વધુ માંગ ઔદ્યોગિક છે અને ૨૦૨૫માં ગ્રીન એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રો દ્વારા રેકોર્ડ વપરાશ આ વર્ષે જોવા મળ્યો છે. ચાંદીની તેજીના મુખ્ય ડ્રાઇવરોમાં સૌર ફોટોવોલ્ટેઇક્સ (સોલર પેનલ માટે), ઇલેક્ટ્રિક વાહનો (ઈવી અને બેટરી), એઆઈ ડેટા સેન્ટર્સ (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે) અને વ્યાપક ઈલેક્ટ્રિફિકેશનનો સમાવેશ થાય છે. ચાંદીની માળખાગત માંગ(સ્ટ્રકચરલ ડિમાન્ડ) તાજેતરના વર્ષોમાં વધી છે અને આ ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે પણ ભાવમાં ભડકો થયો છે.
ભૂરાજકીય તણાવ વચ્ચે રોકાણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો સાથે વેપાર યુદ્ધ છેડાયું, મધ્ય પૂર્વમાં વકરેલા સંઘર્ષો, રશિયા-યુક્રેેન યુદ્ધ અને યુ.એસના રશિયા અને વેનેઝુએલા પરના પ્રતિબંધો સહિતના પરિબળોને કારણે વૈશ્વિક જોખમોમાં વધારો થતા સોનાની સાથે સલામત-હેવન સંપત્તિ તરીકે ચાંદીના આકર્ષણને પણ વેગ આપ્યો છે. ચાંદીમાં સટ્ટાકીય ખરીદી, ઈટીએફ ઈન્ફલો અને મસમોટા વેપારે તેજીમાં વધારો કર્યો છે. ખાસ કરીને ચાંદીને તેની હાઇબ્રિડ ભૂમિકા એસેટ ક્લાસ તેમજ ઈન્ડસ્ટ્રીયલ કોમોડિટી ક્લાસ તરીકે બમણો ફાયદો થયો છે.
નીચા વ્યાજદરે માંગ વધી
આરબીઆઈ માફક અમેરિકાની યુએસ ફેડરલ ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડતા શેરબજાર-સોના-ચાંદીમાં કરોડો ડોલરોનો ઈન્ફલો આવ્યો છે. જોકે શેરમાર્કેટની ઓવરવેલ્યુએશનની ચિંતાએ રોકાણકારોની પ્રથમ પસંદગી સોનું-ચાંદી બન્યા છે. આ સિવાય નબળા યુએસ ડોલરે પણ આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે સોના-ચાંદીને પ્રાધાન્ય અપાયું છે તેથી ભાવને ટેકો મળ્યો છે.
મજબૂત ભૌતિક માંગ
ભારતમાં મજબૂત ઘરેણાં, સિક્કા અને બારની બારેમાંગ રહેતી માંગ, તહેવારોની સીઝન અને આર્થિક પરિબળો સુધરતા ખરીદશક્તિ વધતા ભૌતિક ખરીદીમાં વધારો ભાવવધારાના મુખ્ય કારણ રહ્યાં છે.
આમ ઉપરોક્ત વિવિધ પરિબળોએ સોના-ચાંદીમાં તેજીનું તોફાન મચાવ્યું અને તેમાં ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક અસ્થિરતાએ બળતણ પૂરૃં પાડયું છે.


