દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા
Larry Ellison: વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગઈકાલે થોડી ક્ષણો માટે ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન પ્રથમ ક્રમે આવ્યા હતા. જોકે, બાદમાં ટેસ્લાના શેર્સમાં તેજી નોંધાતા ઈલોન મસ્કે ફરી પાછો વિશ્વના ટોચના ધનિકનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. નેટવર્થ મામલે લેરી એલિસન હવે ઈલોન મસ્કથી માત્ર એક અબજ ડોલર દૂર છે. જો આજે ઓરેકલના શેરમાં ફરી તેજી નોંધાય તો મસ્ક પાસેથી ટોપ બિલિયોનેરનો તાજ છીનવાઈ શકે છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં ઈલોન મસ્ક 384 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે, જ્યારે લેરી એલિસન 383 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે. ગઈકાલે ઈલોન મસ્કની સંપત્તિમાં 57.3 કરોડ ડોલરનો વધારો થયો હતો, જ્યારે એલિસનની સંપત્તિમાં 88.5 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. તેઓ અમેરિકાના બિઝનેસમેન, રોકાણકાર અને ઓરેકલ કોર્પોરેશનના કો-ફાઉન્ડર છે. જે વિશ્વની ટોચની ડેટાબેઝ સોફ્ટવેર કંપનીઓ પૌકી એક છે. ઓરેકલના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) તરીકે કાર્યરત એલિસન હાલ વિશ્વના બીજા ટોચના અબજોપતિ છે.
અધવચ્ચે જ અભ્યાસ છોડ્યો, આજે સફળ બિઝનેસમેન
17 ઓગસ્ટ, 1944માં ન્યૂયોર્કમાં જન્મેલા લેરી એલિસનને એક યહૂદી માતાએ દત્તક નવ મહિનાની વયે દત્તક લીધા હતા. તેમણે ઈલિનોઈસ યુનિવર્સિટી અને શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ અધવચ્ચે જ અભ્યાસ છોડી નોકરી કરવા લાગ્યા હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં તેની રૂચિના કારણે તેણે 1970માં એમ્પેક્સ કંપનીમાં કામ કર્યું. જ્યાં ડેટાબેઝનો કોન્સેપ્ટ શીખવાની તક મળી. આ અનુભવ સાથે તેમણે ઓરેકલનો પાયો નાખ્યો. 1977માં બે પાર્ટનર સાથે મળી સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબની સ્થાપના કરી. જે બાદમાં ઓરેકલ કોર્પોરેશન બની. કંપનીએ ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી વિશ્વભરમાં ઓળખ બનાવી. લેરી એલિસને પાંચ વખત લગ્ન કર્યા છે, તેમને બે બાળકો છે.
સંપત્તિ અને ઉપલબ્ધિ
ઓરેકલના શેરમાં તેજીના કારણે એલિસનની નેટવર્થમાં ઉછાળો આવ્યો હતો. ઓરેકલે પીપલ સોફ્ટ, સન માઈક્રોસિસ્ટમ, અને નેટસ્યુટ જેવી કંપનીઓનું મર્જર કરી બિઝનેસ વિસ્તરિત કર્યો છે. ઓરેકલે એઆઈ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કર્યું છે. 2025માં ઓરેકલે પ્રોજેક્ટ સ્ટારગેટ લોન્ચ કર્યુ હતું. જેનો ઉદ્દેશ ગ્લોબલ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. આ પ્રોજેક્ટના કારણે ઓરેકલના શેરમાં 41 ટકા ઉછાળો નોંધાતા એલિસનની સંપત્તિમાં વધારો થયો હતો.