Get The App

એરંડાનો નવો પાક મોટો આવતાં સાત વર્ષનો રેકોર્ડ તૂટયો : બજાર ભાવ ગબડયા

- સિંગતેલ તથા કપાસિયા તેલમાં પચાવાતો ઉછાળો: પામતેલમાં જાન્યુઆરી ડિલીવરીની શરતે રૂ.૮૧૫ના ભાવોએ વેપાર થયાના નિર્દેશો

- વિશ્વ બજારમાં પામતેલ તથા સોયાતેલમાં સામસામા રાહ

Updated: Dec 24th, 2019

GS TEAM

Google News
Google News
એરંડાનો નવો પાક મોટો આવતાં સાત વર્ષનો રેકોર્ડ તૂટયો : બજાર ભાવ ગબડયા 1 - image

મુંબઈ, તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવ વધતા અટકી વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા.  પામતેલમાં હવાલા-રિસેલના ભાવ ૧૦ કિલોના જોકે આંચકા પચાવી ફરી વધી સાંજે ભાવ રૂ.૮૦૮ તથા જેએનપીટીના રૂ.૮૦૦ બોલાઈ રહ્યા હતા. હવાલા-રિસેલમાં  આજે એક તબક્કે  રૂ.૭૯૦થી ૭૯૨માં છૂટાછવાયા વેપારો થયા હતા અને ત્યાર પછી ભાવ ફરી ઊંચા બોલાતા થયા હતા. 

દરમિયાન, રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીમાં આજે  ડિસેમ્બર ડિલીવરીના વેપારો રૂ.૮૦૦માં થયા હતા જ્યારે જાન્યુઆરી ૧થી ૧૦ માટે રૂ.૮૧૫માં વેપારો થયા પછી સાંજે ભાવ રૂ.૮૨૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૪૫ વાળા રૂ.૭૪૭ રહ્યા હતા. 

જ્યારે વાયદા બજારમાં સીપીઓ જાન્યુઆરીના ભાવ વધી રૂ.૮૫૯.૫૦ થઈ સાંજે રૂ.૮૫૬.૫૦ રહ્યા હતા.  જ્યારે સોયાતેલના વાયદાના ભાવ રૂ.૯૧૪.૮૦ થઈ સાંજે ભાવ રૂ.૯૧૨.૬૦ બોલાતા હતા.  વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી છેલ્લે ૧૨,૧૬ તથા ૨૫ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો  જ્યારે ત્યાં  પામ પ્રોડકટના  ભાવ શાંંત હતા.

  દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ નજીવા ઘટાડા પછી આજે સાંજે  પ્રોજેકશનમાં ભાવ ત્યાં ૧૪થી ૧૫ પોઈન્ટ નરમ રહ્યાના વાવડ હતા.  મુંબઈ હાજર બજારમાં  સોયાતેલના ભાવ ૧૦ કિલોના ડિગમના રૂ.૮૬૦ તથા રિફા.ના   રૂ. ૮૮૦ રહ્યા હતા. આર્જેન્ટીનાની પાર્લામેન્ટે સોયાબીન નિકાસ ટેક્સમાં  વૃદ્ધીને મંજૂરી આપી છે  તથા હવે આવો ટેક્સ ત્યાંથી થતી નિકાસ માટે  ૩૩ ટકા લાગશે એવા સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં અમેરિકા-શિકાગો  ખાતે ઓવરનાઈટ ટ્રેન્ડમાં  સોયાખોળનો વાયદો ૩૫ પોઈન્ટ વધ્યો હતો જ્યારે  સોયાબીનનો વાયદો ૫૬ પોઈન્ટ ઉછળ્યો હતો. ન્યુયોર્ક કોટન વાયદો રાત્રે ૬૫ પોઈન્ટ વધ્યાના વાવડ હતા. અમેરિકાના કૃષિ બજારોમાં  ચીનની માગ વધવાની આશાએ ભાવ ઉછળતા રહ્યા હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૧૩૫ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૧૦થી ૧૧૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૮૦૦ રહ્યા હતા.  ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૮૨૫થી ૮૩૦ જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૮૭૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૮૬૦ તથા રિફા.ના રૂ.૮૮૫  રહ્યા હતા.

 મસ્ટર્ડના ભાવ રૂ.૯૧૦ બોલાતા હતા. કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૨૦  રહ્યા હતા. દરમિયાન, દિવેલના ભાવ આજે ૧૦ કિલોના ૧૦ ગબડયા હતા જ્યારે મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૪૪૨૫  વાલા ૪૩૭૫ બોલાતા થયા હતા. એરંડાનો પાક ગુજરાત તથા રાજસ્થાનમાં  મોટો આવવાની આશા જાણકારો  બતાવી રહ્યા હતા. 

એરંડાનો પાક વધી ૧૮ લાખ ટનની ઉપર આવવાની  આશા બજારમાં  બતાવાઈ રહી હતી. આવો મોટો પાક આવશે તો સાત વર્ષનો  રેકોર્ડ તૂટશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા  હતા. દરમિયાન,  મુંબઈ ખોળ બજારમાં આજે ભાવ વધ્યા મથાળે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.


Tags :