Get The App

F&Oમાં ન્યુનમત લોટ સાઈઝ રૂ.પાંચ લાખથી વધારી રૂ.20થી 30 લાખ કરાશે

- દરેક શેર બજાર દીઠ દરેક અઠવાડિયે એકમાત્ર વિકલી ઓપ્શન્સ એક્સપાઈરી રાખવાની ભલામણ

- નાના-રિટલરોને જોખમથી દૂર રાખવા ડેરિવેટીવ્ઝ પેનલની ભલામણ

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
F&Oમાં ન્યુનમત લોટ સાઈઝ રૂ.પાંચ લાખથી વધારી રૂ.20થી 30 લાખ કરાશે 1 - image


મુંબઈ : ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ પરની વર્કિંગ કમિટીએ ડેરિવેટીવ કોન્ટ્રેકટસની ન્યુનતમ લોટ સાઈઝ વર્તમાનના રૂ.પાંચ લાખથી વધારીને રૂ.૨૦ લાખથી રૂ.૩૦ લાખ કરવાની અને દરેક શેર બજાર દીઠ દરેક અઠવાડિયે એકમાત્ર વિકલી ઓપ્શન્સ એક્સપાઈરી રાખવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ડેરિવેટીવ્ઝમાં અસાધારણ વધતાં વોલ્યુમ, નાના રિટલ રોકાણકારોને જોખમ લેવાથી દૂર રાખવા ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ માટે સ્ટ્રાઈક ભાવની સંખ્યાની પણ મર્યાદા લાદવા ભલામણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા તાજેતરમાં વર્ષોમાં એફ એન્ડ ઓમાં રિટલ લોકો મોટાપાયે ઝુંકાવી રહ્યા હોવાનું અને મોટી નુકશાની કરી રહ્યા હોવાને અને સટ્ટાના અતિરેક સહિતના જોખમોને ધ્યાનમાં લઈ આ નિષ્ણાંત વર્કિંગ કમિટીની ગત મહિને નિમણૂંક કરી હતી. વર્કિંગ કમિટી દ્વારા કરાયેલા સૂચનો જો સ્વિકારાશે તો તેની વોલ્યુમ પર સૌથી વધુ અસર જોવાશે. કોન્ટ્રેકટ સાઈઝમાં તીવ્ર વધારો થશે તો નાના ટ્રેડરો માટે પરવડે એવું રહેશે નહીં અને બીજું વિકલી એક્સપાયરીઝની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે તો ટ્રેડરો માટે ખેલો કરવાની મોકળાશ પણ સંકળાઈ જવાની શકયતા છે.

આ સિવાય કમિટીની ભલામણમાં મર્યાદિત સ્ટ્રાઈક પ્રાઈસ, ઓપ્શન બાયર્સ પાસેથી ઓપ્શન પ્રીમિયમનું અપફ્રન્ટ એક્ત્રિકરણ, પોઝિશન લિમિટ પર ઈન્ટ્રા-ડે દેખરેખ અને એક્સપાઈરી નજીક આવતાં માર્જિન આવશ્યકતામાં વધુ વધારો સહિતનો સમાવેશ હોવાનું સૂત્રોનું કહેવું છે. અંતિમ નિર્ણય લેતાં પહેલા આ પેનલની ભલામણનો સેકન્ડરી માર્કેટ એડવાઈઝરી કમિટી દ્વારા વિચારણા હેઠળ લેવાશે. 

ઉલ્લેખનીય છે કે, સેબીના અભ્યાસમાં જ જણાયું હતું કે, ઓપ્શન્સમાં દાવ લગાવનારા ૧૦ રિટલરોમાંથી ૯ નુકશાન કરતાં હોય છે. ઓપ્શન્સમાં ટ્રેડીંગ માટે ઘણા વ્યક્તિગત રિટલરો નાણા ઉધાર લેતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જે ચિંતાનો વિષય રહેતાં સેબીને જણાયું હતું.

Tags :