વર્ષાન્તે ફોરેકસ રિઝર્વ વધીને 457.46 અબજ ડોલર સાથે નવી વિક્રમી સપાટીએ
- ગોલ્ડ રિઝર્વ પણ વર્ષાંતે વધીને ૨૭.૩૯ અબજ ડોલર
મુંબઈ, તા. 04 જાન્યુઆરી 2020, શનિવાર
૨૭ ડીસેમ્બર ૨૦૧૯ના પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ફરી નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સપ્તાહ દરમિયાન ફોરેકસ રિઝર્વ ૨.૫૨ અબજ ડોલર વધીને ૪૫૭.૪૬ અબજ ડોલર પર પહોંચ્યું હતું. ૨૦૧૮ના ડીસેમ્બરના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ ૩૯૩.૪૦ અબજ ડોલર રહ્યું હતું.
૨૭ ડીસેમ્બર ૨૦૧૯ના સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટસ ૨.૨૦ અબજ ડોલર વધી ૪૨૪.૯૩ અબજ ડોલર રહ્યું હતું. દેશનું ગોલ્ડ રિઝર્વ પણ વર્ષના અંતે ૨૬ કરોડ ડોલર વધીને ૨૭.૩૯ અબજ ડોલર રહ્યું હતું.
વિતેલા ૨૦૧૯ના વર્ષમાં સંસ્થાકીય રોકાણકારોએ દેશના મૂડીબજારમાં રૃપિયા એક લાખ કરોડથી વધુનું રોકાણ કર્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
ઈમ્પોર્ટ બિલની ચૂકવણી માટે ફોરેકસ રિઝર્વનું સ્તર વધે તે જરૃરી છે. ફોરેકસ રિઝર્વમાં વધારો થતાં દેશના ઈમ્પોર્ટ કવરમાં પણ સુધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના જુનમાં ૪૨૯.૮૪ અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વ ૧૦ મહિનાના આયાત બિલને કવર કરે તેટલું રહ્યું હતું. અમેરિકા - ઈરાન તણાવને પગલે ક્રુડ તેલના ભાવ વધવાની શકયતા રહેલી છે, જેને પરિણામે ભારતનું આયાત બિલ પણ ઊંચે જઈ શકે છે. જેની અસર ફોરેકસ રિઝર્વ પર પડવાની વકી છે.