ખાદ્યતેલોમાં તેજીના વળતા પાણી: વાયદા બજાર તૂટતાં પામતેલ,સોયાબીનમાં મંદીની સર્કીટ
- એરંડા વાયદો ઉંચકાયો: સિંગતેલ, કપાસીયા તેલમાં પીછેહટ
મુંબઈ, તા. 06 જાન્યુઆરી 2020, સોમવાર
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઉંચા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી પડી ગઈ હતી. વિશ્વબજાર નરમ હતી. ઘરઆંગણે ક્રુડ પામ ઓઈલ સીપીઓ વાયદા બજારમાં તથા સોયાબીનના વાયદા બજારમાં ભાવ ગબડતાં નીચલી મંદીની સર્કિટ અમલી બન્યાના નિર્દેશો હતા અને તેની અસર પણ આજે હાજર બજાર પર વર્તાઈ રહી હતી. મલેશિયા નરમ હતું.
અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદાના ભાવ આજે પ્રોજેકશનમાં સાંજે ૪૪ પોઈન્ટ માઈસમાં રહ્યા હતા. મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ગબડી રૂ.૮૭૦ ટકા જેએનપીટીના રૂ.૮૬૫ રહ્યા હતા જ્યારે ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ગબડી રૂ.૮૦૦ની અંદર રૂ.૭૯૭ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે એરંડા ખોળના ભાવ ટનના રૂ.૫૪૫૦ વાળા વધુ નીચા ઉતરી રૂ.૫૩૫૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.ચાર ઘટી કોમર્શિયલના રૂ.૮૮૫, એફએસજીના રૂ.૮૯૫ તથા એફએસજી કંડલાના ભાવ રૂ.૮૭૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ પણ રૂ.૪૨૯૫ વાળા રૂ.૪૨૭૫ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ મલેશિયામાં આજે પામતેલનો વાયદો ગબડી છેલ્લે ૫૦, ૭૨, ૭૨ તથા ૬૨ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી સાડા સાત ડોલર નરમ બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ શિપમેન્ટોની કામગીરી પર અસર પડવાની ભીતી વચ્ચે મલેશિયામાં કોપરેલના ભાવ ગબડયાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ હતી. આ ઉપરાંત મલેશિયન પામ ઓઈલ બોર્ડનો રિપોર્ટ ૧૦મી જાન્યુઆરીએ આવવાનો છે તેના પર પણ હવે ખેલાડીઓની નજર રહી હતી.
ઘરઆંગણે મધ્ય- પ્રદેશ બાજુ આજે બપોરે સોયાબીનની આવકો આશરે સવા લાખ ગુણી આવી હતી તથા ત્યાં હાજર ભાવ રૂ.૪૨૫૦થી ૪૩૫૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૪૩૫૦થી ૪૪૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૮૭૫થી ૮૮૦ તેના રિફાઈન્ડના રૂ.૯૩૦થી ૯૩૫ બોલાઈ રહ્યા હતા. મલેશિયામાં પામતેલનું કુલ ઉત્પાદન જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસમાં આશરે ૨૮થી ૨૯ ટકા ઘટયાના વાવડ આજે મળ્યા હતા.
સીપીઓ વાયદો ગબડી આજે સાંજ ેરૂ.૭૮૯.૨૦ બોલાતાં નીચલી સર્કીટ લાગી હતી. સોયાતેલનો વાયદો ગબડી રૂ.૯૦૬ થતાં મંદીની સર્કીટ નજીક ભાવ પહોંચ્યા હતા. સોયાબીનના વાયદામાં નીચલી સર્કીટ લાગી હતી. મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ આજે સિંગતેલના ઘટી રૂ.૧૧૪૦ બોલાયા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ ઘટી રૂ.૧૦૯૦થી ૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૫૦થી ૧૭૬૦ રહ્યા હતા.