મસ્કને 'મોંઘો' પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડૉલરનું નુકસાન

Tesla Share Price Fall After Dispute: ગુરુવારે ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેના કારણે કંપનીની બજાર મૂડીમાં 150 અબજ ડૉલરથી વધુનો ઘટાડો થયો. ટેસ્લાના શેરમાં આ ઘટાડો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે વધતા વિવાદને કારણે થયો છે.
ઈલોન મસ્કને અમેરિકાના DOGE વિભાગના વડા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ 4 જ મહિનામાં મસ્કે રાજીનામું આપી દીધું છે. તેમજ મસ્ક 'વન બિગ બ્યુટીફૂલ બિલ'નો વિરોધ કરતાં તેમની અને ટ્રમ્પ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જેના કારણે ટેસ્લાના શેર્સ 14% થી વધુ ઘટીને બંધ થયા.
ટેસ્લાના શેર્સ 14% થી વધુ ઘટીને બંધ થયા
ટેસ્લાના શેરમાં આ ઘટાડો કંપની સંબંધિત કોઈ ચોક્કસ મુદ્દા અથવા ફંડામેન્ટલ્સને કારણે નહોતો, પરંતુ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના વિવાદને કારણે થયો હતો. ગુરુવારે ટેસ્લાના શેર $284.7 પર બંધ થયા. તેમજ ટેસ્લાના શેર $488.54ના ઓલ ટાઇમ હાઇથી 41% તૂટ્યા છે.
ટેસ્લાના માર્કેટ કેપમાં 152 અબજ ડૉલરનો ઘટાડો
ગુરુવારે ટેસ્લાના શેરમાં થયેલા ઘટાડાના કારણે માર્કેટ કેપમાં 152 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. એવામાં કંપનીનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડૉલરથી ઘટીને 916 અબજ ડૉલર થયું. આ સાથે જ ટેસ્લાના માર્કેટ કેપમાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. જેના કારણે મસ્કની સંપત્તિમાં 34 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શું છે વિવાદ?
ટ્રમ્પ વહીવટીતંત્રના ટેક્સ-કટ અને ખર્ચના કાયદા વન બિગ બ્યૂટિફૂલ બિલ અંગે મસ્કની ટીકા બાદ આ વિવાદ શરુ થયો હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક સાથેના સરકારી કરારો રદ કરવાની ધમકી આપતાં કહ્યું હતું કે, 'આપણા બજેટમાં અબજો ડૉલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઈલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો છે.' મસ્કની કંપનીઓમાં સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસએક્સ અને તેની સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો સમાવેશ થાય છે.
ટ્રમ્પના આ નિવેદનથી રોકાણકારોને ડર છે કે જો ટેસ્લાને આપવામાં આવતી સબસિડી પણ જો બંધ કરી દેવામાં આવે તો કંપનીની આર્થિક સ્થિતિને અસર પડી શકે છે. જેના કારણે માર્કેટમાં પેનિક સેલિંગ દેખાઈ રહ્યું છે.

