Get The App

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના 1 - image


- રિટેલ, ઇ-કોમર્સ, બેંકિંગ, નાણાકીય સેવાઓ વગેરેમાં જોબ ઉભી થશે

- હંગામી નવી ભરતીમાં મહાનગરોમાં પગાર 12-15% અને ઉભરતા શહેરોમાં 18-22% ટકા વધવાની આશા 

અમદાવાદ : આગામી તહેવારોની મોસમ દરમિયાન દેશભરમાં ૨.૧૬ લાખથી વધુ કામચલાઉ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે. નોકરી સર્જનમાં ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકાનો વધારો થવાની સંભાવના છે. બુધવારે જાહેર કરાયેલા વર્કફોર્સ સોલ્યુશન્સ ફર્મ એડેકો ઇન્ડિયાના અહેવાલ અનુસાર તહેવારોની માંગને પહોંચી વળવા માટે કામચલાઉ અને પાર્ટ-ટાઇમ રોજગારમાં વધારો રિટેલ, ઇ-કોમર્સ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ જેવા ક્ષેત્રો દ્વારા પ્રેરિત થવાની ધારણા છે. રક્ષાબંધન, દશેરા અને દિવાળી જેવા આગામી તહેવારો દરમિયાન તહેવારોની વેચાણ અને લગ્નની મોસમ દરમિયાન ઝડપી વેચાણની અપેક્ષાએ કામચલાઉ કામદારો માટે ભરતી પ્રવૃત્તિઓમાં બમ્પર વધારો થયો છે. ઘણી કંપનીઓએ માંગને સરળતાથી પૂરી કરવા અને અપેક્ષિત મજબૂત તહેવારી સીઝન માટે ઓપરેશનલ તૈયારી માટે સમયપત્રક પહેલાં જ ભરતી રાઉન્ડ શરૂ કરી દીધો છે.

ગ્રાહક ભાવનામાં સુધારો, સારા ચોમાસાથી ગ્રામીણ માંગમાં વધારો, ચૂંટણી પછીના આર્થિક આશાવાદ અને તહેવારોની તડામાર તૈયારીઓ કંપનીઓને કાર્યબળ વધારવા પ્રેરી રહી છે. દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ અને ચેન્નાઈ જેવા મહાનગરો ગત વર્ષ કરતાં ૧૯ ટકા વધુ તકો સાથે તહેવારી ભરતી માંગમાં આગળ છે. સરપ્રદ છે કે લખનૌ, જયપુર અને કોઈમ્બતુર જેવા સેકન્ડ ટિયરના શહેરોમાં માંગમાં ૪૨ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 

રિપોર્ટ મુજબ, નવી ભરતી દરમિયાન મળતો પગાર મહાનગરોમાં ૧૨-૧૫ ટકા અને વિકાસશીલ શહેરોમાં ૧૮-૨૨ ટકા વધવાની ધારણા છે. આ ભરતીઓમાં નોકરીદાતાઓ એકથી વધુ ભાષાઓમાં નિપુણતા, ગ્રાહક-વર્તણૂકમાં કુશળતા અને ડિજિટલ કુશળતાને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.

Tags :