Get The App

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન 1 - image


TCS Layoffs: દેશની દિગ્ગજ આઇટી કંપની ટીસીએસએ આગામી વર્ષે આશરે 12,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના સીઈઓ કે. કૃતિવાસને આ અંગે માહિતી આપી હતી. આ છટણીની સૌથી વધુ અસર મધ્યમ અને સીનિયર લેવલના કર્મચારીઓ પર પડશે. કંપની પોતાના વર્કફોર્સમાં આશરે 2 ટકાનો ઘટાડો કરવા માગે છે.

TCSમાં 6 લાખથી વધુ કર્મચારીઓ

મીડિયા અહેવાલ મુજબ, ટાટા ગ્રૂપની ટીસીએસ તેના વર્કફોર્સમાં 2 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. જૂન, 2025 સુધીમાં કંપનીમાં કુલ 6,13,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેના 2 ટકા અર્થાત્ કંપની અંદાજે 12000 કર્મચારીઓની છટણી કરવા માગે છે. આગામી વર્ષે આ છટણી પ્રક્રિયા હાથ ધરાશે.

છટણી પાછળનું કારણ

ટીસીએસના સીઈઓ કે. કૃતિવાસને જણાવ્યા પ્રમાણે, છટણી પાછળનું કારણ ઝડપથી બદલાતા તકનિકી ફેરફારો છે. ટીસીએસ વધુ ચુસ્ત અને ભવિષ્ય માટે સજ્જ બનવા એક વ્યાપક રણનીતિ ઘડવા માગે છે. બિઝનેસની કામગીરી બદલાઈ રહી છે. જેથી કંપનીને પોતાના ગ્રોથને જાળવી અને વેગવાન બનવા અમુક ફેરફારો કરવા આવશ્યક છે.

આ પણ વાંચોઃ ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

AI સંબંધિત ફેરફારો પર ભાર

કૃતિવાસનના મતે, હવે ટીસીએસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી નવી તકનીકો અને ઓપરેટિંગ મોડેલમાં ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની મોટા પાયે AI મોડ્યુલ્સનો ઉપયોગ કરી રહી છે અને આગળ વધવા માટે જરૂરી કૌશલ્યોનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ઍસોસિએટ્સમાં મોટાપાયે રોકાણ કર્યું છે. જેથી તેઓ કરિયર ગ્રોથની તકો મેળવી શકે. જો કે, કેટલાક ક્ષેત્રોમાં પુનઃનિયુક્તિ અસરકારક રહી નથી, જેના કારણે ભૂમિકાઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મધ્યમ અને સિનિયર લેવલમાં થશે છટણી

ટીસીએસના સીઈઓએ વધુમાં કહ્યું કે આ છટણીઓ મુખ્યત્વે ભોગ જુનિયર સ્ટાફને બદલે મધ્યમ અને સિનિયર લેવલના મેનેજમેન્ટ બનશે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને છટણી પેકેજ, નોટિસ સમયગાળા માટે પગાર, વિસ્તૃત હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ અને આઉટ પ્લેસમેન્ટ જેવી સહાય પૂરી પાડવામાં આવશે. સીઈઓએ આ છટણી પાછળનું સીધું કારણ AI ગણાવ્યું ન હોવા છતાં વિશ્લેષકોએ અનુમાન લગાવ્યો છે કે, AI આ ક્ષેત્રમાં માંગને નવો આકાર આપી રહ્યું છે.

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન 2 - image

Tags :