12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ
TCS Set to Cut 12000 Jobs: ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS) દુનિયાભરમાં 12,000 કર્મચારીઓને છૂટા કરી રહી છે. કંપનીના 2 ટકા કર્મચારીઓનો તેમાં સમાવેશ થાય છે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું લેઓફ કહેવામાં આવી રહ્યું છે. આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ કંપની દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે એને AI સાથે કોઈ લેવા-દેવા નથી. TCSના CEO કે. ક્રિતિવાસને હાલમાં જ મનીકન્ટ્રોલ સાથે એક ઇન્ટરવ્યુ કર્યું હતું. આ ઇન્ટરવ્યુમાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને જેટલી પણ ચર્ચા હતી, તે ફગાવી દીધી હતી.
કંપની દ્વારા આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે કે કેટલાક કર્મચારીઓને સ્કિલને અનુરૂપ કામ આપવામાં આવ્યું નથી. આ વિશે કે. ક્રિતિવાસન કહે છે, ‘AIના કારણે 20 ટકા પ્રોડક્ટિવિટી વધી છે એટલા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું એવું નથી. તેમની સ્કિલ અનુસાર તેમને ખોટી જગ્યાએ પસંદ કરવામાં આવ્યા છે. તેમજ હાલની પરિસ્થિતિ મુજબ તેમને જે-તે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી શકાય એ પણ શક્ય નથી.’
લેઓફ કેમ કરવામાં આવ્યું?
આ લેઓફ નાણાકીય વર્ષ 2026માં કરવામાં આવશે. એટલે કે એક વર્ષમાં ધીમે ધીમે દરેકને છૂટા કરવામાં આવશે. તેમાં સિનિયર લેવલથી લઈને જુનિયર લેવલના કર્મચારીઓને અસર થશે. તેમજ હાલ જે-તે કર્મચારી કોઈ પ્રોજેક્ટ પર રાખવામાં આવ્યા નથી, તેમને પણ છૂટા કરવામાં આવશે. તેઓ ખોટી જગ્યાએ પસંદ કરવામાં આવ્યા છે. તેમજ હાલની પરિસ્થિતિ મુજબ તેમને જે-તે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી શકાય એ પણ શક્ય નથી. TCSની ભાષામાં, એ “બેન્ચ ટાઇમ” ભોગવી રહેલા કર્મચારીઓ છે.
TCS દ્વારા AIમાં ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. તેમજ તેમણે 5.5 લાખ કર્મચારીઓને બેઝિક AIની ટ્રેનિંગ આપી છે અને એક લાખથી વધુ કર્મચારીઓને એડવાન્સ લેવલની AI ટ્રેનિંગ આપી છે. કંપનીનું કહેવું છે કે સ્કિલમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તેમને જોબમાં સફળતા મળે એ જરૂરી નથી. આ વિશે કે. ક્રિતિવાસન કહે છે, ‘કેટલાક લોકો ખાસ કરીને સિનિયર લેવલના લોકોને ટેકનોલોજી આધારિત કામ કરવામાં તકલીફ પડે છે.’
કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર
કંપની હવે તેમની કામ કરવાની રીતમાં બદલાવ કરવા જઈ રહી છે. ટ્રેડિશનલ રીતથી એકદમ અલગ, કંપની હવે ખૂબ જ ચતુરાઈ પૂર્વક પ્રોડક્ટ આધારિત પદ્ધતિ અપનાવી રહી છે. આ રીતના કારણે હવે પ્રોજેક્ટ અને પ્રોગ્રામ મેનેજરની જરૂર નહીં રહે. આ વિશે કે. ક્રિતિવાસન કહે છે, ‘અગાઉની પદ્ધતિમાં અમારે ઘણા બધા ડિપાર્ટમેન્ટ હતા, જેના દરેકના લીડર હતા. જોકે હવે તેમાં બદલાવ આવી રહ્યો છે.’
મુશ્કેલી ભર્યું કામ છે, પરંતુ જરૂરી છે
TCSના CEO કે. ક્રિતિવાસનના જણાવ્યા અનુસાર આ નિર્ણય કંપની માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ એ એટલો જ જરૂરી પણ હતો. આ લેઓફ કંપની ખૂબ સારી રીતે પાર પાડશે. તેમજ અસર પામેલા કર્મચારીઓને વળતર પણ પૂરુ પાડશે. તેમને વળતરના પેકેજ ઉપરાંત થોડા સમય માટેનું હેલ્થ ઇન્સ્યોરન્સ, મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ અને આઉટપ્લેસમેન્ટ સપોર્ટ પણ પૂરુ પાડશે.
આ પણ વાંચો: સેમ ઓલ્ટમેનનો ચોંકાવનારો ખુલાસો, ‘ચેટજીપીટી પર તમારી અંગત વાત પ્રાઇવેટ નથી’
એક તરફ કંપની 12,000 લોકોને છૂટા કરી રહી છે, પરંતુ બીજી તરફ ટેલેન્ટથી ભરપૂર કર્મચારીઓને તેઓ નોકરીમાં રાખશે. આ વિશે કે. ક્રિતિવાસન કહે છે, ‘આ કોઈ ડિમાન્ડ વિશેનો સવાલ નથી. જોકે અમે ભવિષ્ય માટે તૈયાર રહેવાની તમામ તૈયારી કરી રહ્યા છીએ.’