સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઇમ લૉ સપાટીએ

Stock market and Rupees News : ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર નોંધાવ્યું હતું. વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 280 પોઇન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 25,950ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
બજારમાં કેમ બોલાયો કડાકો?
બજારની સૌથી મોટી ચિંતા રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને લઈને હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડૉલર સામે વધુ ગગડીને 90.71ની નવી રૅકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આયાતકારો દ્વારા ડૉલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
સેન્સેક્સની વાત કરીએ તો શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 85,267.66 પર થયું હતું જે આજે સોમવારે ખૂલતાં જ 84,840.32 પર પહોંચી ગયું હતું. જે 427 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી તેમાં રિકવરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારનું ક્લૉઝિંગ 26046.95 પર હતું. જે આજે સોમવારે ખૂલતાં જ 25,904.75 પર પહોંચી ગયું હતું. જે 142 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાઈ હતી.
શેરબજારની શું છે સ્થિતિ?
શેરબજારની વાત કરીએ તો, સવારે બજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આઇટી અને ફાયનાન્સિયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ તે બજારને મોટા ઘટાડાથી બચાવી શકી ન હતી. રોકાણકારો હવે આગામી દિવસોમાં આવનારા ફુગાવાના આંકડા અને વૈશ્વિક બજારના સંકેતો પર નજર રાખી રહ્યા છે, જેના આધારે બજારની આગામી દિશા નક્કી થશે.

