Stock Market Crash: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી હતી. આજે કારોબારના અંતે BSE સેન્સેક્સ 1065.71 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 82,180.47 ના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી-50 પણ 353 પોઈન્ટ ગગડીને 25,232.50 ની સપાટીએ આવી ગયો હતો. આજે મંગળવારે રોકાણકારોને 10 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે, જ્યારે છેલ્લા બે દિવસમાં શેર બજાર ગગડતા રોકાણકારોના 12 લાખ કરોડથી વધુ સ્વાહા થયાનું અનુમાન છે.
ચોતરફ વેચવાલી: માત્ર HDFC બેંક જ બચી શકી
આજના કારોબારમાં બજારમાં વેચવાલીનું એટલું પ્રચંડ દબાણ હતું કે સેન્સેક્સના 30 માંથી 29 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. બ્લુચિપ ગણાતા શેરો જેવા કે Reliance (RIL), TCS, ITC અને Bajaj Finance માં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. માત્ર HDFC બેંક જ એકમાત્ર એવો શેર હતો જે મામૂલી વધારા સાથે ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં નોંધાયું હતું.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ કડાકો
મોટા શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ રોકાણકારોએ પસ્તાળ પાડી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.57% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 2.75% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 5% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો, આઈટી અને મેટલ સેક્ટર પણ લોહીલુહાણ થયા હતા.
બજાર ગગડવા પાછળના મુખ્ય કારણો:
ટ્રમ્પની ટેરિફ પોલિસી: અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના જોખમે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટ આ ટેરિફ અંગે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે
નબળા ત્રિમાસિક પરિણામો: વિપ્રો અને ICICI બેંક જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ ન રહેતા બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.
વૈશ્વિક પરિબળો: રૂપિયો નબળો પડવો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાને કારણે ફુગાવાની ચિંતા વધી છે.
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે અને અમેરિકાની નીતિઓ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.


