Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર(MCX)માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ રૅકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. સોનાના ભાવે પ્રથમ વખત પ્રતિ 10 ગ્રામ ₹1,50,000ની સપાટી વટાવી છે, જ્યારે ચાંદી પણ ₹3,28,000ની નજીક પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક તેજી પાછળ વૈશ્વિક કોમોડિટી બજારોમાં મજબૂત સંકેતો, અને રોકાણકારોની ભારે ખરીદી મુખ્ય કારણભૂત છે.
સોનું પ્રથમવાર દોઢ લાખને પાર
આજના કારોબારમાં સોનાએ અભૂતપૂર્વ ઉછાળો નોંધાવ્યો છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026ના વાયદામાં સોનાના ભાવે નવી ઊંચાઈ સર કરી:
જૂનો બંધ ભાવ: સોમવારે સોનાનો વાયદો ₹1,45,639 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
આજનો ખૂલતો ભાવ: આજે બજાર ખૂલતા સમયે સોનું ₹1,45,775ના ભાવે ખૂલ્યું હતું.
નવી ઐતિહાસિક સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,52,500ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો, જે તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ છે.
આજનો ઉછાળો: સોનામાં ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં આજે કુલ ₹6361નો જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે હાલમાં સોનું ₹1,48,000 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીમાં પણ આગ ઝરતી તેજી
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આજે રૅકોર્ડબ્રેક તેજી જોવા મળી. MCX પર 5 માર્ચ, 2026ના વાયદામાં ચાંદીના ભાવમાં તોફાની ઉછાળો નોંધાયો:
જૂનો બંધ ભાવ: સોમવારે ચાંદીનો વાયદો ₹3,10,275 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજનો ખૂલતો ભાવ: આજે બજાર ખૂલતા સમયે ચાંદી ₹3,06,499 પર ખૂલી હતી.
નવી ઐતિહાસિક સપાટી: ખૂલ્યા બાદ બજારમાં આવેલી જોરદાર તેજીને કારણે ચાંદીએ ₹3,27,998ની ઓલ-ટાઇમ હાઇ સપાટી બનાવી હતી.
આજનો ઉછાળો: હાલમાં ચાંદી ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં આજે ₹17723નો જંગી ઉછાળો દર્શાવે છે. જોકે હાલમાં તે ₹3,16,351 પર કારોબાર કરી રહી છે.
બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે, જ્યારે સામાન્ય ખરીદદારો માટે સોનું-ચાંદી વધુ મોંઘું બન્યું છે.


