Get The App

શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915  પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો 1 - image


Sensex and Nifty News : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ જે અગાઉ 75364 પોઇન્ટ પર બંધ થયો હતો તેમાં એક ઝાટકે 3914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી ગયો હતો. 

કડાકાનું કારણ શું? 

આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.

પહેલાથી જ સંકેત મળી ગયા હતા 

સોમવારે ભારતીય શેરબજારને પહેલાથી જ નબળા વૈશ્વિક સંકેતો મળી ગયા હતા. ખરેખર, એશિયન શેરબજારોમાં ભારે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. હોંગકોંગનો હેંગ સેંગ 9 ટકાથી વધુ તૂટી ગયો હતો, જ્યારે જાપાનનો નિક્કેઈ પણ એકઝાટકે 8 ટકાથી વધુ ઘટ્યો હતો. દરમિયાન, વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી તો શરુઆતના ટ્રેડિંગમાં જ તે 900 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો જેના લીધે ભારતીય શેરબજારમાં ભૂકંપ આવશે તેવા સંકેત પહેલાથી મળી ગયા હતા. 

રિલાયન્સથી માંડી તાતાના સ્ટૉક્સમાં પણ મોટો કડાકો 

સોમવારના દિવસે વેપારની શરુઆતમાં જ બીએસઈનો લાર્જકેપ ઇન્ડેક્સ સંપૂર્ણપણે બ્લડબાથમાં સંપડાયેલો રહ્યો. તમામ 30 મોટી કંપનીઓના શેર્સમાં મોટા કડાકાની સ્થિતિ દેખાઈ. દરમિયાન સૌથી મોટો કડાકો તાતા સ્ટીલના સ્ટોક્સમાં દેખાયો જે 10.43% સુધી ક્રેશ કરી 125.80 રૂપિયા પર આવી ગયા હતા. આ ઉપરાંત તાતા મોટર્સ (8.29%), ઇન્ફોસિસ (7.01%), ટેક મહિન્દ્રા(6.85%), એલએન્ડટી (6.19%) એચસીએલ ટેક (5.95%), અદાણી પોર્ટ (5.54%), ટીસીએસ (4.99%) રિલાયન્સ (4.55%) અને એનટીપીસીના શેર્સમાં(4.04%)નો કડાકો બોલાઈ ગયો હતો. 


Tags :