સેન્સેક્સ 2300 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની મૂડી અધધધ 13 લાખ કરોડ વધી, નિફ્ટી 24700 ક્રોસ

Stock Market News | ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય શેરબજારમાં ધૂમ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઉછાળા સાથે ખૂલ્યા હતાં. સેન્સેક્સ 1300 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 2376 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સાથે સેન્સેક્સ 82000ના લેવલ નજીક (81830.65) પહોંચ્યો હતો. નિફ્ટી પણ 700થી વધુ પોઈન્ટ ઉછળી 24745.75 થયો હતો. આ સાથે રોકાણકારોને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. 13.43 લાખ કરોડની કમાણી થઈ છે. બીએસઈ માર્કેટ કેપ 416.4 લાખ કરોડ સામે વધી આજે 429.83 લાખ કરોડ થયુ છે.
સેન્સેક્સ પેકના 28 શેર 5 ટકા સુધી ઉછળ્યા
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 28 શેર આજે 5 ટકા સુધી ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 2.43 ટકા અને સન ફાર્મા 3.35 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ, ઈન્ફોસિસના શેર્સમાં વોલ્યૂમ વધ્યા હતા.
આઈટી, પાવર, રિયાલ્ટી શેર્સ બુમ
વૈશ્વિક અને સ્થાનિક સકારાત્મક સંકેતોના કારણે આજે આઈટી, પાવર, અને રિયાલ્ટી શેર્સમાં બુમ ખરીદી જોવા મળી હતી. ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક્નોલોજી, મેટલ, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ્સ શેર્સમાં ખરીદી વધી હતી.
ધૂમ તેજીના પહેલા જ સંકેત મળી ગયા હતા
ઉલ્લેખનીય છે કે સોમવારે બજાર ખુલે એ પહેલા જ શેરબજારમાં તેજી જોવા મળશે તેવા સંકેત મળી ગયા હતા. એશિયન બજારોમાં તેજી બાદ જ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી દેખાઈ. શેરબજારમાં તેજી વચ્ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજા ફાઈનનાન્સ, એનટીપસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ જેવા શેર્સમાં તેજી નોંધાઇ હતી.
શુક્રવારનો કડાકો ભૂલાયો!
ઉલ્લેખનીય છે કે શેરબજારમાં ગત શુક્રવારે 1300થી વધુ પોઈન્ટનો કડાકો સહન કર્યો હતો જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જોકે શુક્રવારે જ દિવસ દરમિયાન ટ્રેડિંગમાં સેન્સેક્સમાં રિકવરી આવતા છેલ્લું ક્લોઝિંગ 880 પોઈન્ટનું રહ્યું હતું. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના અહેવાલ આવી જતાં આજે સોમવારે શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ દેખાયો.

