અમદાવાદ : ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ૨૦૨૫માં ઝડપથી વૃદ્ધિ પામવા માટે તૈયાર છે. ઇકરા એનાલિટિક્સ રિપોર્ટ અનુસાર, ફંડ ઉદ્યોગની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (એયુએમ) નવેમ્બર ૨૦૨૫માં રૃ. ૮૧ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી, જે નવેમ્બર ૨૦૨૪માં રૃ. ૬૮ લાખ કરોડની સરખામણીમાં ૧૮.૬૯% વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડનું કદ ચાર ગણું વધ્યું છે. આ ફંડ્સની એયુએમ નવેમ્બર ૨૦૨૦મા રૃ. ૯ લાખ કરોડ હતી, જે નવેમ્બર ૨૦૨૫માં વધીને રૃ. ૩૬ લાખ કરોડ થઈ ગઈ હતી. વાર્ષિક ધોરણે પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર ૨૦૨૪માં તે રૃ. ૩૦ લાખ કરોડથી, ૧૭.૪૫% વધીને તે નવેમ્બર ૨૦૨૫માં રૃ. ૩૬ લાખ કરોડ થઈ ગઈ હતી.
ઇક્વિટી કેટેગરીમાં, મલ્ટિ-કેપ અને લાર્જ અને મિડ-કેપ ફંડ્સે પણ મજબૂત પ્રદર્શન કર્યું. આ વર્ષે, મલ્ટિ-કેપ ફંડ્સના ભંડોળમાં ૨૪.૭૮ ટકાનો વધારો થયો છે, અને લાર્જ અને મિડ-કેપ ફંડ્સના એયુએમમાં ૨૨.૭૮ ટકાનો વધારો થયો છે.
ડેટ ફંડ કેટેગરીમાં, મની માર્કેટ ફંડ્સમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. તેમના ભંડોળમાં વાર્ષિક ધોરણે ૪૦.૨૨ ટકાનો વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૪માં રૃ. ૨.૫૫ લાખ કરોડથી, તે નવેમ્બર ૨૦૨૫માં રૃ. ૩.૫૭ લાખ કરોડ પર પહોંચી ગયું છે.
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સીપ) ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે એક મજબૂત અને વિશ્વસનીય વૃદ્ધિ વાહન તરીકે ઉભરી આવ્યું છે. નવેમ્બર ૨૦૨૫ સુધીમાં, સીપ અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (એયુએમ) વધીને રૃ.૧૬.૫૩ લાખ કરોડ થઈ ગઈ હતી.


