ચાંદીમાં રૂ. 6000નો જોરદાર ઉછાળો જ્યારે સોનું રૂપિયા 3000 ઊંચકાયું
- અમેરિકા દ્વારા મહત્વની ખનિજોની યાદીમાં ચાંદીના સમાવેશથી વૈશ્વિક ચાંદી ઓલટાઈમ હાઈની નજીક

મુંબઈ : અમેરિકામાં ૪૩ દિવસના અત્યારસુધીના લાંબા શટડાઉન સમાપ્ત થતા હવે મહત્વના આર્થિક ડેટા જાહેર થવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકાએ ચાંદીને મહત્વના ખનિજની યાદીમાં સમાવી લેતા વિશ્વ બજારમાં ચાંદી તેની ૫૪.૪૯ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીની નજીક પહોંચી ગઈ હતી.
વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં રેલીને પરિણામે ઘરઆંગણે પણ દિવાળી બાદ સોનાચાંદીમાં ફરી એક વખત મોટા ઉછાળા આવ્યા છે. અમદાવાદ ચાંદી આજે એક જ દિવસમાં રૂપિયા ૬૫૦૦ ઉછળી છે જ્યારે સોનામાં પણ વધુ રૂપિયા ૩૦૦૦ જેટલો ઉછાળો આવ્યો છે. ક્રુડ તેલમાં પુરવઠો વધવાના ઓપેકના ઈશારા બાદ ક્રુડ તેલ નરમ જળવાઈ રહ્યું હતું. ભાવ ૬૪ ડોલરની અંદર ઊતરી ગયા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૩૦૦૦ વધી રૂપિયા ૧,૩૧,૦૦૦ મુકાતુ હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૩૦,૭૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૬૫૦૦ વધી રૂપિયા ૧,૬૬,૦૦૦ કવોટ થતા હતા.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૨૬૪૦ વધી રૂપિયા ૧,૨૬,૫૫૪ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર રૂપિયા ૧,૨૬,૦૪૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૬૦૨૫ વધી રૂપિયા ૧,૬૨,૭૩૦ બોલાતા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમેરિકામાં ૪૩ દિવસના અત્યારસુધીના લાંબા શટડાઉન સમાપ્ત થતા હવે આર્થિક ડેટા જાહેર થવાનો માર્ગ મોકળો થયો છે.આર્થિક ડેટા અમેરિકામાં વ્યાજ દરમાં કપાતની શકયતા વધારશે તેવી ગણતરીએ ફન્ડ હાઉસો ડોલરમાંથી હળવા થઈ સોનામાં રોકાણ તરફ વળતા વૈશ્વિક સોનુ ત્રણ સપ્તાહથી વધુના સમયગાળા બાદ ફરી ૪૨૦૦ ડોલરને પાર કરી ગયું હતું. આર્થિક ડેટાને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો શકય બનવાના આ અગાઉથી જ સંકેત મળી રહ્યા છે.
વ્યાજ દરમાં ઘટાડાને પરિણામે ડોલર નબળો પડવાની ગણતરીએ ફન્ડ હાઉસોની સોનામાં લેવાલી નીકળતા વૈશ્વિક સોનું ૪૨૦૦ ડોલર પાર કરી મોડી સાંજે ૪૨૩૦ ડોલર બોલાતુ હતું. અમેરિકાએ ચાંદીને મહત્વના ખનિજની યાદીમાં સમાવી લેતા ચાંદીની ખેંચ હોવાની ગણતરી મુકાઈ રહી છે. વિશ્વ બજારમાં ચાંદી ગુરુવારે ઉપરમાં ઔંસ દીઠ ૫૪.૩૯ ડોલર સાથે ૫૪.૪૯ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીની નજીક જોવા મળી હતી. મોડી સાંજે ભાવ ૫૩.૬૬ ડોલર કવોટ થતો હતો. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૧૩ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૭૦ ડોલર મુકાતું હતું.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) તથા સાથી દેશોએ વૈશ્વિક બજારમાં ક્રુડ તેલનો પૂરવઠો વધવાના સંકેત આપતા ક્રુડ તેલમાં નરમાઈ જોવા મળી હતી. નોન-ઓપેક સિવાયના દેશો તરફથી ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ મુકાયો છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૮.૯૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૩.૨૦ ડોલર બોલાતું હતું.
સોનાના ભાવમાં ફરી એકવાર તેજી આવવાની તૈયારી, નવો હાઈ જોવાશે
સોનું ફરી એકવાર વિશ્વભરના રોકાણકારો માટે એક પ્રિય સલામત આશ્રયસ્થાન બની ગયું છે. એમકે વેલ્થ મેનેજમેન્ટના મતે, સોનું મજબૂત સ્થિતિમાં છે, હવે તેના ભાવ ૩,૮૯૦ અને ૩,૫૧૦ ડોલરની નીચે સપોર્ટ સાથે૪,૩૬૮ થી ૪,૬૦૦ ડોલર પ્રતિ ઔંસની વચ્ચે રહેવાની ધારણા છે.
ઓક્ટોબરમાં સોનાના ભાવ ૪,૩૬૮ ડોલર પર પહોંચ્યા હતા, જે મહિનાના અંત સુધીમાં ૪,૦૦૦ ડોલરથી સહેજ નીચે આવી ગયા હતા. આ ઘટાડો ગયા મહિનામાં યુએસ ડોલરમાં ૧.૪% ની મજબૂતાઈને કારણે થયો હતો. જોકે, એમકે માને છે કે સોના માટે લાંબા ગાળાનો ટ્રેન્ડ ઉપર તરફ રહે છે, કારણ કે સંસ્થાકીય અને સેન્ટ્રલ બેંક ખરીદી ચાલુ રહી છે, અને ગયા વર્ષે ડોલર નબળો પડયો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ગોલ્ડ-લિંક્ડ ફંડ્સ (ઈટીએફ) માં આશરે ૬૫ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણમાંથી ૨૦ બિલિયન ડોલર છેલ્લા ત્રણ મહિનામાં જ કરવામાં આવ્યું છે. આર્થિક અનિશ્ચિતતાને ઘટાડવા માટે વિશ્વભરની ઘણી સેન્ટ્રલ બેંકો હવે સોનું ખરીદી રહી છે, તેમના વિદેશી ભંડારમાં ડોલરનો હિસ્સો ઘટાડી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ એક નવું રોકાણ વલણ છે, જ્યાં દેશો અને મોટી સંસ્થાઓ હવે સરકારી દેવા, વધતી જતી ફુગાવા અને વૈશ્વિક તણાવ અંગેની ચિંતાઓને કારણે યુએસ બોન્ડ અને ડોલરના વિકલ્પો શોધી રહી છે.

