2 લાખને સ્પર્શતા જ ચાંદીમાં કડાકો, ઑલ ટાઈમ હાઈના સ્તરથી રૂ. 9000 સસ્તી

Silver Price News : ચાંદીની કિંમતોમાં (Silver Price) ગયા સપ્તાહે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે, શુક્રવારે, આ કિંમતી ધાતુ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઐતિહાસિક સપાટીએ પહોંચીને પ્રથમ વખત ₹2 લાખ પ્રતિ કિલો ગ્રામનો આંકડો પાર કરી ગઈ હતી. જો કે, આ ઊંચાઈને સ્પર્શ્યા પછી ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો બોલાયો અને એક જ ઝટકામાં તે તેની સર્વોચ્ચ સપાટીથી ₹9,000 સસ્તી થઈ ગઈ હતી.
MCX પર ભાવમાં ભારે ઉથલપાથલ
MCX પર ચાંદીની કિંમત શુક્રવારે ₹1,97,705 પ્રતિ કિલોગ્રામ પર ખૂલી હતી, પરંતુ શરૂઆતથી જ તેમાં ઝડપી તેજી જોવા મળી હતી. કારોબાર દરમિયાન ચાંદીનો ભાવ ₹2 લાખના આંકડાને પાર કરીને ₹2,01,615 પ્રતિ કિલોના નવા ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો હતો. આ નવી ઊંચાઈને સ્પર્શ્યા બાદ ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો અને તે એક ઝટકામાં ₹11,538 ઘટીને ₹1,90,077 પર આવી ગઈ હતી. જોકે, બજાર બંધ થતાં થોડી રિકવરી આવી, પરંતુ તે તેની ઊંચી સપાટીથી ₹9,000 સસ્તી થઈને આખરે ₹1,92,615 પર બંધ થઈ હતી.
ડિસેમ્બરમાં ચાંદીની ચમક
ડિસેમ્બરમાં ચાંદીની કિંમતોમાં આવેલા ઉતાર-ચઢાવની વાત કરીએ તો, અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં ₹10,000 થી વધુ નો વધારો થયો છે. 1 ડિસેમ્બરના રોજ MCX પર ચાંદીનો ભાવ ₹1,82,030 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારના બંધ ભાવ સાથે સરખામણી કરીએ તો તેમાં ₹10,585 નો ઉછાળો આવ્યો છે.
ઘરેલુ બજાર અને સોનાની કિંમત
ઘરેલુ બજાર (IBJA.Com) માં પણ ચાંદીની ચમક વધી છે. 5 ડિસેમ્બરના રોજ 1 કિલો ચાંદીનો ભાવ ₹1,78,210 હતો, જે શુક્રવારે બજાર બંધ થતાં ₹1,95,180 પર બંધ થયો. આ ગણતરી મુજબ, પાંચ કારોબારી દિવસોમાં ચાંદીની કિંમતમાં ₹16,970 નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ચાંદીની સાથે સોનાની કિંમતમાં પણ વધારો થયો છે. ઘરેલુ બજારમાં (IBJA મુજબ) એક સપ્તાહમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં ₹4,118 નો ઉછાળો આવ્યો છે, જે 5 ડિસેમ્બરના ₹1,28,592 થી વધીને શુક્રવારે ₹1,32,710 પર બંધ થયો હતો. MCX પર પણ સોનાના વાયદા ભાવમાં પાંચ દિવસમાં ₹3,160 નો વધારો થયો છે. નોંધનીય છે કે ઘરેલુ બજારમાં સોના-ચાંદીની ખરીદી પર ગ્રાહકો પાસેથી 3% GST અને મેકિંગ ચાર્જ વસૂલવામાં આવે છે, જેના કારણે દાગીનાની અંતિમ કિંમત વધી જાય છે.

