ચાંદી બે લાખના આસમાને : સોનું 1,37,000ની નવી સપાટીએ

- વાયદા બજારમાં ચાંદી ઉછળીને રૂ.બે લાખની સપાટી કુદાવી દીધી
- વિશ્વ બજારમાં સોનું ઔંસના 4300 ડોલર તથા ચાંદી 64 ડોલર કુદાવી ગયા : મુંબઈમાં રૂ. 1,95,000નો નવો રેકોર્ડ રચાયો
અમદાવાદ, મુંબઈ : વૈશ્વિક સ્તરની ગતિવિધીઓ તેમજ કિંમતી ધાતુઓના વૈશ્વિક ભાવોમાં જોવા મળેલ ઉછાળા પાછળ આજે મુંબઇ તેમજ અમદાવાદ સોના ચાંદી બજારમાં તેજીનો નવો વિક્રમ રચાયો હતો. આજે મુંબઇ બજારમાં ચાંદી રૂ. ૧,૯૫,૦૦૦ની સપાટીએ પહોંચી હતી તો બીજી તરફ અમદાવાદ બજારમાં ચાંદી રૂ. ૧,૯૦,૦૦૦ની ટોચે પહોંચી હતી. બીજી તરફ કોમોડિટી વાયદા બજારમાં આજે ચાંદીનો ભાવ રૂ. ૨,૦૦,૦૦૦ની સપાટી કૂદાવીને નવો વિક્રમ રચાયો હતો.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસ (અંદાજે ૨૮ ગ્રામ)ના ૪૧૯૭થી વધી ૪૨૦૦ ડોલર પાર કર્યા પછી ભાવ વધુ ઉછળી ઉંચામાં ૪૩૦૦ ડોલર પણ પાર કરી ઉંચામાં ભાવ ૪૩૩૯નો નવો રેકોર્ડ બનાવી ૪૩૩૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં વ્યાજ દર ઘટતાં તથા ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં વૈશ્વિક સોનામાં ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું. સોનાના વૈશ્વિક ભાવ ૨૦૨૬ના નવા વર્ષમાં ઔંસના ૪૯૦૦ ડોલર થવાની શક્યતા ગોલ્ડમેન સેક દ્વારા બતાવાઈ હતી.
આ અહેવાલો પાછળ મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં આગઝરતી રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં ભાવ નવા ઉછાળા વચ્ચે નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. સોનામાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો તથા ભાવ વધી નવો રેકોર્ડ બતાવતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૬૦૦૦ વધી રૂ.૧ લાખ ૯૦ હજારની નવી ટોચે પર પહોંચ્યા હતા. હવે નજર બે લાખના ભાવ પર રહી હતી.
અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ પાંચ દિવસમાં રૂ.૧૬ હજાર વધી જતાં ખેલાડીઓ અવાક બની ગયા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૦૦નો તીવ્ર ઉછાળો બતાવી ભાવ ઉંચામાં રૂ.૧ લાખ ૩૭ હજારની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ બે દિવસમાં પાંચ હજાર ઉછળ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૧૯૫૧૮૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૧૭૯ તથા ૯૯૯ના રૂ.૧૩૨૭૧૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
હાજર બજારની સાથોસાથ કોમોડિટી વાયદા બજારમાં આજે ચાંદીના માર્ચ વાયદાના ભાવ ઉછળી ઉંચામાં રૂ.બે લાખની સપાટી કુદાવી રૂ.૨૦૦૩૬૨ બોલાઈ જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જ્યારે સોનાનો ફેબુ્રઆરી વાયદો રૂ. ૨,૪૩૨ ઊછળીને રૂ. ૧,૩૪,૯૦૧ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને તેના પગલે દેશના સોના-ચાંદી બજારોમાં ભાવ રોજેરોજ નવા ઉંચા મથાળાઓ બતાવતા જોવા મળ્યા હતા.
વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઔંશના વધુ ઉછળી ઉંચામાં ૬૪ ડોલર વટાવી ૬૪.૫૭ થઈ ૬૪.૩૫થી ૬૪.૩૬ ડોલ ર રહ્યા હતા. દરમિયાન, પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૧૭૩૬ થઈ ૧૭૩૧થી ૧૭૩૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના વધી ૧૫૨૬ થઈ ૧૫૧૯થી ૧૫૨૦ ડોલર રહ્યા હતા. ચાંદી માર્ચ વાયદો ઘરઆંગણે મોડી સાંજે ઉંચામાં રૂ.બે લાખ ૧૪૦૦ આસપાસ બોલાઈ રહ્યો હતો. ચાંદીમાં આ વર્ષે ઔદ્યોગિક માગ વધતાં તથા સપ્લાય ડેફીસીટ રહેતાં વધતા ભાવોએ રોકાણકારો તથા સટ્ટોડિયાઓ પણ એક્ટીવ બન્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
માઈક્રોસોફટના સ્બચૅ કરતાં ચાંદીનું માર્કેટકેપ ઉંચું
ચાંદીના ભાવ ઉછળતાં માઈક્રોસોફટના માર્કેટ કેપ કરતા ચાંદીનું માર્કેટ કેપ વધી જવા પામ્યું છે. ચાંદીના ભાવ આ વર્ષે આશરે ૧૨૦ ટકા વધ્યા છે. આના પગલે ચાંદીનું માર્કેટ કેપ વધી આશરે ૩.૬૦ ટ્રીલીયન ડોલરે પહોંચ્યું છે. જ્યારે માઈક્રોસોફટનું માર્કેટ કેપીટલાઈઝેશન ૩.૫૯ ટ્રીલીયન ડોલર નોંધાયું છે. એમેઝોનનું માર્કેટ કેપ ૨.૪૬ ટ્રીલીયન ડોલર તથા આલ્ફાબેટ-ગુગલનું માર્કેટ કેપ ૩.૮૦ ટ્રીલીયન ડોલર રહ્યું છે.

